DIAMOND TIMES – રફ હીરાની અનેક ખાણો ધરાવતા તેમજ રફ હીરાના ઉત્પાદનમાં જેમનો જંગી હિસ્સો છે તેવા બોટ્સવાના અને દક્ષિણ આફ્રિકામાં કોરોનાનો નવો ઓમિક્રોન વેરિયેન્ટે મળી આવતા રફ હીરાના પુરવઠાની તંગી વધુ વિકટ બને તેવી દહેશત વચ્ચે રફ હીરાની કીંમતોમાં 10 ટકા જેટલો વધારો થયો હોવાના અહેવાલ છે.
બોટ્સવાના અને દક્ષિણ આફ્રિકામાં હીરાની અનેક ખ્યાતનામ ખાણો કાર્યરત છે. અગ્રણી રફ ઉત્પાદક કંપની ડીબિયર્સ ની માલિકીની મોટી ખાણો પણ બોટ્સવાના અને દક્ષિણ આફ્રિકામાં આવેલી છે. એક તરફ રફ હીરાના પુરવઠાની પહેલેથી જ તંગી ચાલી આવે છે. જેના કારણે રફ હીરાની કીંમતો પણ સતત વધી રહી છે.તેવામાં બોટ્સવાના અને દક્ષિણ આફ્રિકામાં કોરોનાનો નવો ખતરનાક ઓમિક્રોન વેરિયેન્ટે ઓળખાતા ભારે દહેશતનો માહોલ છે. બોટ્સવાના અને દક્ષિણ આફ્રિકા સાથે વિશ્વના અનેક દેશોએ મુસાફરી પર પ્રતિબંધ ફરમાવી દીધો છે. જેનાથી રફ હીરાના ઇન્ટરનેશનલ વેપારને અસર થતા દુષ્કાળમાં અધિકમાસ જેવી વિકટ સ્થિતિનું સર્જન થયુ છે.
ભારતના હીરા ઉદ્યોગની વાત કરીએ તો આવી પરિસ્થિતિના કારણે કારખાનેદારોએ રફ હીરાની ખરીદી સ્થગિત કરી દીધી છે. રફ હીરાની ઉંચી કિંમતોને લઈને ઉદ્યોગમાં ચિંતાનો માહોલ છે. જેમ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલના વાઈસ ચેરમેન વિપુલભાઈ શાહે એક અખબારને આપેલી મુલાકાતમાં પ્રતિભાવ આપતા કહ્યુ કે રફ હીરાની સપ્લાય ભારે દબાણ હેઠળ છે. રફ હીરાના પુરવઠાની પરિસ્થિતિ ધીમે ધીમે સામાન્ય થઈ રહી હતી.પરંતુ હવે દક્ષિણ આફ્રિકા અને બોટ્સવાનામાં કોરોનાનો નવો વેરીયન્ટ જોવા મળ્યો છે. જેનાથી રફ હીરાના પુરવઠાની સ્થિતિ વધુ તંગ બને તેવી દહેશત વચ્ચે રફ હીરાની કીંમતોમાં વધારો નોંધાયો હોવાના અહેવાલ છે.