જુનાગઢમાં આગામી 24 એપ્રિલ સુધી કારખાનાઓ અને હીરા બજાર રહેશે બંધ

815

DIAMOND TIMES – ગુજરાત સહીત સમગ્ર સૌરાષ્ટ્રમાં સતત વધી રહેલા કોરોના સંક્રમણના કારણે અનેક લોકો મહામારીમાં સપડાઈ ચુક્યા છે. વર્તમાન સમયે મોટાભાગની સરકારી કે પ્રાયવેટ હોસ્પીટલો કોરોના દર્દીઓથી ઉભરાઈ રહી છે. કોરોનાના કેસોમાં થયેલા આકસ્મિક વધારાના કારણે ભારે કટોકટી સર્જાઈ છે. મોટાભાગની હોસ્પીટલોમાં હાલ નવા દર્દીઓ માટે એક પણ બેડ ઉપલબ્ધ નથી. આ ઉપરાંત ઓક્સિજન સહીત જરૂરી દવાઓની પણ ભારે તંગી છે. આમ છતા પણ ડોકટર્સ સહીત ફ્રન્ટ લાઈન કોરોના વોરિયર્સ લોકોના જીવ બચાવવા દીવસ-રાત જોયા વગર જીવના જોખમે ફરજ નિભાવી રહ્યા છે.ત્યારે ભારતના નાગરીક તરીકે કોરોના સામેના જંગમાં મજબુતાઈથી સાથ અને સહકાર આપવાની આપણી પણ નૈતિક ફરજ બને છે.

ઉપરોક્ત શબ્દો જુનાગઢ ડાયમંડ એસોસિયેશનના પ્રમુખ ડી.કે ઝાલાવડીયાના છે.તેમણે કહ્યુ કે કોરોનાના સતત વધતા જતા સંક્રમણને અટકાવવા લોકડાઉન જ એક આખરી ઉપાય છે.જેને ધ્યાનમાં રાખીને અમો એ સર્વ સહમતિથી જુનાગઢમાં સ્વૈચ્છિક લોકડાઉન કરવાનો નિર્ણય લીધો છે.આ નિર્ણય મુજબ આગામી તારીખ 24 એપ્રિલ સુધી હીરાના કારખાનાઓ, હીરા બજાર, આંગડીયા પેઢી સહીત તમામ હીરાના કારોબાર સાથે સંકળાયેલા તમામ લોકો સ્વૈચ્છિક રીતે લોકડાઉનનો અમલ કરી ધંધા – રોજગાર બંધ રાખશે.

ડી.કે ઝાલાવડીયાએ કહ્યુ કે લોકોના જીવ સલામત રહેશે તો રૂપિયા તો ગમે ત્યારે કમાઈ શકીશુ.જેથી અમોએ ધંધા રોજગારની પરવા કર્યા વગર  ઉદ્યોગકારો , વેપારીઓ, દલાલ મિત્રો,રત્નકલાકારો સહીત દરેક નાગરીકોના જીવ બચાવવાની બાબતને પ્રાથમિકતા આપી છે. ભલે આ લોકડાઉન સ્વૈચ્છિક હોય,પરંતુ તેનુ સખતાઈથી સો ટકા પાલન કરાવવા અમોએ પ્રતિબધ્ધતા દાખવી રૂપિયા પાંચ હજારના દંડની જોગવાઈ પણ કરી છે.જો કે કોરોના સામેના આ જંગમા એક પણ હીરા કારોબારી નિયમનો ભંગ કર્યા વગર રાષ્ટ્રીય અને સામાજિક ફરજ નિભાવી આ કાર્યમાં અમને પુર્ણ રીતે સાથ અને સહકાર આપશે તેવો અમને પાકો વિશ્વાસ છે.