ગુડ ન્યુઝ : હીરા ઉદ્યોગમાં લાંબા વેકેશનના પગલે પોલિશ્ડ હીરાની માંગ અને કિંમતોમાં વધારો થવાની અપેક્ષા

20

DIAMOND TIMES – હીરા ઉદ્યોગમાં ત્રણ અઠવાડીયા દિવાળી વેકેશનના પગલે પોલિશ્ડ હીરાની કિંમતોમાં વધારો થવાની જાણકારો અને બજારના નિષ્ણાંતો અપેક્ષાઓ રાખી રહ્યાં છે. એક તરફ વિદેશમા તૈયાર હીરાની મોટે માંગ છે,તો બીજી તરફ દીવાળી વેકેશનના પગલે સુરતના અંદાજીત 6000 જેટલા નાના મોટા કારખાનાઓમાં હીરાનું ઉત્પાદન બંધ છે.પરિણામે માંગ અને પુરવઠાની સ્થિતિ હીરા ઉદ્યોગની ફેવરમાં થવાની સંભાવના છે.

વેકેશન બાદ પણ આગામી મહીનાઓમાં લગ્નસરાની સિઝન પણ શરૂ થવાની છે.જેથી રત્નકલાકારોના માથે સામાજીક વ્યવહારો સાચવવાની પણ જવાબદારી હોય,વેકેશન સમાપ્તિ પછી પણ પુર્ણ ક્ષમતા સાથે હીરા ઉત્પાદન મેળવવામાં વધુ વિલંબ થવાની પણ સંભાવનાઓ છે.

જેમ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ (GJEPC) ના વાઇસ ચેરમેન વિપુલ શાહે કહ્યુ કે સપ્લાયની અવરોધ ને કારણે રફ ડાયમંડની કીંમતમાં વધારો થયો છે.જ્યારે તેની તુલનાએ પોલિશ્ડ હીરાના ભાવમાં વધારો જોવા મળ્યો ન હતો.પરિણામે કારખાનેદારોનું નફાનું માર્જિન ઘટયુ હતું.પરંતુ દીવાળી વેકેશનના પગલે પોલીશ્ડ હીરાના પુરવઠામા ઘટાડો થતા પોલીશ્ડ હીરાના ભાવ વધવાની અપેક્ષા છે.તેમણે ઉમેર્યુ કે ગત એપ્રિલથી સપ્ટેમ્બર મહીના દરમિયાન પોલિશ્ડ હીરાની કુલ નિકાસ 12.3 બિલિયન ડોલર હતી,જે ગત વર્ષના સમાન ગાળાની તુલનાએ 123 ટકા વધી છે.