બેંકોએ ધિરાણમાં ઉદારતા દાખવતા હીરા અને ઝવેરાતની નિકાસને ટેકો મળ્યો

571

ભારતના હીરા ઉદ્યોગને આસાનીથી બેંક ધિરાણ ઉપલબ્ધ કરાવવાની જીજેઈપીસીની માંગનો સરકારે સ્વીકાર કરતા હીરા ઉદ્યોગની ચમકમાં વધારો થયો

DIAMOND TIMES – મેહુલ ચોક્સી અને નિરવમોદીના બેંક કૌભાંડ પછી હીરા ઉદ્યોગને ધિરાણ આપવા બાબતે બેંકો ખુબ સાવચેતી દાખવતી હતી.દુધનો દાઝ્યો છાછ પણ ફૂંકીને પીવે એ મુજબ પાછલા વર્ષોમાં રાષ્ટ્રીયકૃત બેંકોએ જેમ એન્ડ જ્વેલરી સેક્ટરને ધિરાણ આપવા બાબતે ડાર્કઝોનમાં મૂકી દીધું હતું.પરંતુ કોરોના મહામારીમાં ભારતના હીરા ઝવેરાત ઉદ્યોગને નકારાત્મક અસર થતા જીજેઇપીસી કેન્દ્રના નાણામંત્રી નિર્મલા સીતારામન અને વાણિજ્યમંત્રી પિયુષ ગોયલને બેંકિંગ ફાઇનાન્સ વધારવા રજૂઆતો કરવામાં આવી હતી.જેના પગલે રાષ્ટ્રીયકૃત બેકોએ હીરા-ઝવેરાત સેકટરને ધિરાણ આપવા બાબતે ઉદારનીતી અપનાવતા હીરા-ઝવેરાત ઉદ્યોગની ચમક વધી છે.

ભારતના જેમ એન્ડ જ્વેલરી સેક્ટરના 5.29 બિલિયનના એક્સપોર્ટમાં 34 ટકા બેંકોનો ફાળો હોવાનું ટોચના બેંકર્સોએ જણાવ્યું હતું.તાજેતરમાં જ જીજેઇપીસી અને એસબીઆઇ,બેંક ઓફ ઇન્ડિયા સહિતની અગ્રણી બેંકોના અધિકારીઓ વચ્ચે યોજાયેલા વેબિનારમાં બેંકર્સ દ્વારા કોરોનાકાળ દરમિયાન હીરા ઉદ્યોગને આપવામાં આવેલા ધિરાણના આંકડાઓ જાહેર કરવામાં આવ્યા હતા. બેંકોએ સપ્ટેમ્બર 2020 થી માર્ચ 2021 સુધીના છ મહીનાના સમયગાળામાં 13 ટકા વધુ ધિરાણ કર્યુ હોવાની માહીતી આપી હતી.બેંખોએ કહ્યુ કે ગત સપ્ટેમ્બરમાં 7.57 બિલિયન યુ.એસ ડોલર અને માર્ચ 2021 સુધી 8.57 બિલિયન યુએસ ડોલરનું હીરા ઉદ્યોગને સીધુ ધિરાણ આપવામાં આવ્યુ હતુ.સમગ્ર જેમ એન્ડ જ્વેલરી ઇન્ડસ્ટ્રીને કુલ 25.29 બિલિયનના 34 ટકા જેટલુ ધિરાણ આપવામાં આવ્યુ છે.આ આંકડાઓ દર્શાવે છે કે હીરા ઉદ્યોગ પ્રત્યે બેંકોનો દૃષ્ટિકોણ હવે બદલાયો છે.જેમ એન્ડ જ્વેલરીની વિદેશમાં જંગી માંગ હતી,એવા નિર્ણાયક સમયે બેંકોના સપોર્ટથી જ નાણાકીય વર્ષ 2020-21 દરમિયાન નિકાસમાં વધારો સંભવ બન્યો હતો.નાણાકીય વર્ષ 2019-20માં જેમ એન્ડ જ્વેલરી સેક્ટરની નિકાસ 34 બિલિયન યુએસ ડોલર રહી હતી.પરંતુ તે કુલ નિકાસ લક્ષ્યાંકથી 10 બિલિયન ડોલર ઓછી રહી હતી.