વાણિજ્ય સપ્તાહ અંતર્ગત સુરતમાં એક્ષપોર્ટર્સ કોન્કલેવ યોજાઇ

26

DIAMOND TIMES- ભારતની આઝાદીના 75 વર્ષે ભારત સરકાર દ્વારા આઝાદી કા અમૃત મહોત્સવ ઉજવવામાં આવી રહયો છે.જે અંતર્ગત કેન્દ્ર અને રાજ્ય સરકારનાં સંયુક્ત ઉપક્રમે 75 અઠવાડીયા સુધી વિવિધ કાર્યક્રમના આયોજન થવાના છે.જેના ભાગરૂપે 20 થી 26 સપ્ટેમ્બર દરમ્યાન વાણિજ્ય સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું હતું.

વાણિજ્ય સપ્તાહ અંતર્ગત ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી,ધી જેમ એન્ડ જ્વેલરી એકસપોર્ટ પ્રમોશન કાઉન્સિલ-સુરત,ધી સિન્થેટિક એન્ડ રેયોન ટેકસટાઇલ એકસપોર્ટ પ્રમોશન કાઉન્સિલ-સુરત,ડિરેકટરેટ જનરલ ઓફ ફોરેન ટ્રેડ- સુરત અને જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર-સુરતના સંયુક્ત ઉપક્રમે 26 સપ્ટેમ્બરના રોજ સરસાણા સ્થિત સુરત ઇન્ટરનેશનલ એકઝીબીશન એન્ડ કન્વેન્શન સેન્ટર ખાતે પ્લેટીનમ હોલમાં‘એકસપોર્ટ કોન્કલેવ’નું આયોજન કરાયું હતું.

આ પ્રસંગે ચીફ ગેસ્ટ તરીકે ઉપસ્થિત રહેલા એડીશનલ ડિજીએફટી વિરેન્દ્ર સિંઘ,સુરત જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના ડેપ્યુટી કમિશનર ઓફ ઇન્ડસ્ટ્રીઝ એન્ડ જનરલ મેનેજર એમ.કે. લાડાણીએ નિકાસ કરવામાં આવતી વિવિધ પ્રોડકટ્‌સ અને સર્વિસીઝને પ્રમોટ કરવા અને સરકાર તરફથી આપવામાં આવતા પ્રોત્સાહનો અંગે મહત્વનું માર્ગદર્શન આપ્યું હતું.

વર્ષ ર૦ર૦માં ભારતની કુલ નિકાસ 314 બિલિયન ડોલર થઈ છે.જેની તુલનાએ ચીનની કુલ નિકાસ 3000 બિલિયન ડોલર છે.વર્તમાન સમયે વિશ્વના અનેક દેશો ચીન સિવાયના અન્ય કન્ટ્રી પર નજર દોડાવી રહ્યાં છે.હવે વિશ્વના વિકસિત દેશો તથા કન્ઝયુમીંગ દેશો તેઓના દ્વારા થતા માલ-સામાન માટે એક નવી સપ્લાય ચેઇન ઉભી કરવા માંગે છે.ઉત્તમ તક ઉભી થતા ભારત આ સ્થિતિનો લાભ ખૂબ જ મોટા પ્રમાણમાં લઇ શકે તેમ છે.

એડીશનલ ડીજીએફટી વિરેન્દ્ર સિંઘે ઉપસ્થિત ઉદ્યોગકારોને નિકાસ વધારવા માટે વિસ્તૃત માહીતી આપતા કહ્યુ કે હવે તમામ પ્રોસેસ ઓનલાઇન છે.માત્ર ત્રણ દિવસની અંદર જ એકસપોર્ટરોને ઇપીસીજી અને એડવાન્સ ઓથોરાઇઝેશન મળી જાય છે.માલને નિર્યાત કરતા પહેલા એકસપોર્ટરોએ સપ્લાય અને ડિમાન્ડનો ડેટા જોવાનો રહે છે.આઇટીસી એચએસ કોડ જોવાનો રહે છે.વિદેશમાં આ કોડ 8 ડિજીટના જ્યારે ભારતમાં 6 ડિજીટનો હોય છે.ઉદ્યોગકારોએ માલની આયાત- નિર્યાત કરવા ડીજીએફટીમાં રજિસ્ટ્રેશન કરવાનું રહે છે.

એકઝમ્પ્શન સ્કીમ અંતર્ગત એડવાન્સ લાયસન્સ લઇ શકાય છે.એડવાન્સ ઓથોરાઇઝેશન સ્કીમ અંતર્ગત ઇપીસીજી લાયસન્સ મેળવી શકાય છે.ભારતમાં ઇપીસીજી લાયસન્સ મેળવનારાઓમાં દિલ્હી અને મુંબઇ બાદ સુરત ત્રીજા નંબરે આવે છે.તેમણે રેમીશન ઓફ ડયૂટીઝ એન્ડ ટેકસીસ ઓન એકસપોર્ટેડ પ્રોસેસ અને રીબેટ ઓફ સ્ટેટ એન્ડ સેન્ટ્રલ લેવીજ એન્ડ ટેકસીસ સ્કીમ વિશે પણ એકસપોર્ટર, ઉદ્યોગ સાહસિકો અને ઉદ્યોગકારોને મહત્વની માહિતી આપી હતી.

સુરતના જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના ડેપ્યુટી કમિશનર ઓફ ઇન્ડસ્ટ્રીઝ એન્ડ જનરલ મેનેજર એમ.કે. લાડાણીએ ગુજરાત સરકારની ઇન્ડસ્ટ્રીયલ પોલિસી વિશે ઉદ્યોગકારોને તેમજ નિકાસકારોને માહિતગાર કર્યા હતા.તેમણે ગુજરાત માઇક્રો, સ્મોલ એન્ડ મિડિયમ એન્ટરપ્રાઇઝીસ (ફેસિલિટી ઓફ એસ્ટાબ્લીશમેન્ટ એન્ડ ઓપરેશન એકટ -2019) વિશે પણ વિસ્તૃત માહિતી આપી હતી.

તેમણે જણાવ્યું હતું કે ગુજરાત સરકારના ઇન્વેસ્ટર્સ ફેસિલિટેશન પોર્ટલ પરથી સર્ટિફિકેટ મેળવીને બિઝનેસ શરૂ કરી શકાય છે.આ પોર્ટલ પરથી ઉદ્યોગકારોને તેમજ નિર્યાતકારોને દરેક ઓફિસની મંજૂરી મળી જાય છે.એમએસએમઇ ઇન્ડસ્ટ્રીયલ પોલિસી ર૦ર૦ અંતર્ગત ઉદ્યમ રજિસ્ટ્રેશન ઓનલાઇન મેળવી શકાય છે. તેમણે અસિસ્ટન્સ ઓફ કેપિટલ ઇન્વેસ્ટમેન્ટ સબસિડી વિશે પણ વિસ્તૃત માહિતી આપી હતી.

જીજેઇપીસીના રિજીયોનલ ચેરમેન તેમજ ચેમ્બરના તત્કાલિન ભૂતપૂર્વ પ્રમુખ દિનેશ નાવડિયાએ જેમ્સ એન્ડ જ્વેલરીના એકસપોર્ટ વિશે વિસ્તૃત માહિતી આપી હતી.તેમણે જણાવ્યું હતું કે, પ્રોડકશન કવોલિટી સુધરે અને આઉટપુટ વધે તે માટે કાઉન્સીલ કાર્યરત છે.સુરતમાં ફોરેન પોસ્ટ ઓફિસ મળે તો ઓનલાઇન એક હજાર ડોલર કરતા નાના ઓર્ડર બુક કરાવનાર વેપારીઓને સરળતા થશે.એમએસએમઇ સેકટરના નાના ઉદ્યોગપતિઓને પણ ધિરાણ આપવા માટે તેમણે રાષ્ટ્રીયકૃત બેંકોને અનુરોધ કર્યો હતો.

બેંક ઓફ બરોડાના એજીએમ ચંદન સિંઘે ઇન્ટરનેશનલ બિઝનેસ માટે એકસપોર્ટ ફાયનાન્સ વિશે માહિતી આપી હતી. જ્યારે ઇસીજીસીના એજીએમ સંકેત કુમારે એકસપોર્ટરોને ક્રેડીટની સામે આપવામાં આવતી ઇન્સ્યુરન્સ પોલિસી વિશે માહિતી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે, એકસપોર્ટ કરતી વખતે પેમેન્ટ સુરક્ષિતતાને ધ્યાને લેવાય છે. ગુડ્‌સ બાયર્સ પાસે પહોંચે છે ત્યારે નોન પેમેન્ટનું રિસ્ક એકસપોર્ટર સામે ઉભું થાય છે. એકસપોર્ટર માટે પોલિટીકલ અને કોમર્શિયલ રિસ્ક હોય છે. આ રિસ્કને કવર કરવા માટે તેમજ ભારતમાંથી એકસપોર્ટ વધે તે માટે એકસપોર્ટર્સને ક્રેડીટની સામે ઇસીજીસી દ્વારા ઇન્સ્યુરન્સ પોલિસી આપવામાં આવે છે.