અપવાદરૂપ 39.34 કેરેટનો બ્લુ રફ હીરો પોલિશ્ડની કીંમતે વેંચાવાની સંભાવના

836

પેટ્રા કંપનીની માલિકીની દક્ષિણ આફ્રિકા સ્થિત કુલિનાન ખાણમાંથી પ્રાપ્ત થયેલો IIb પ્રકારનો ધ બ્લુ મુન ઓફ જોસેફાઈન નામનો રફ હીરો આવતા મહિને વિશેષ ટેન્ડર પર વેચવામાં આવનાર છે.વર્તમાન સમયમાં આ રફ હીરાને એન્ટવર્પ,દુબઇ, હોંગકોંગ અને ન્યુયોર્કમાં પ્રદર્શન માટે મુકવામાં આવી રહ્યો છે.તેને ખરીદવાની બોલી લગાવવાની અંતિમ તારીખ 12 જુલાઈ નિર્ધારીત કરવામાં આવી છે.

જાણકારોના મત્તે 39.34 કેરેટ વજન ધરાવતા ધ બ્લુ મુન ઓફ જોસેફાઈનની કીંમત પ્રતિ કેરેટ દીઠ 1 મિલિયન અમેરીકી ડોલર મળવાની સંભાવના છે.કુલિનાન ખાણમાંથી પ્રાપ્ય અન્ય હીરાની વેંચાણ કીંમતની તુલનાએ જોસેફાઈનનો બ્લુ મૂન રફ ડાયમંડ પોલિશ્ડ હીરા જેટલી 64 મિલિયન અમેરીકી ડોલરની કીંમત મેળવી શકે છે. ઉલ્લેખનિય છે કે આ રફ હીરાને તૈયાર કરવામાં આવે તો  59 ટકા વજન ગુમાવી તેમાથી 16 કેરેટ વજનની આસપાસનો પોલિશ્ડ હીરો પ્રાપ્ત થાય તેમ છે.

અગાઉ વર્ષ 2014માં 29.6 કેરેટ વજનના રફ હીરાને ન્યૂયોર્ક સ્થિત કોરા ઇન્ટરનેશનલ કંપની દ્વારા 25.6 મિલિયન અમેરીકી ડોલરમાં ખરીદવામાં આવ્યો હતો. ત્યારબાદ આ રફ હીરામાથી કુશિન કટ ધરાવતો ફેન્સી હીરો તૈયાર કરવામાં આવ્યો હતો. આંતરિક રીતે દોષરહિત 12.03 કેરેટ વજન ધરાવતા આ ફેન્સી હીરાને સોથેબીની હરાજીમાં વેંચાણ માટે મુકવામાં આવ્યો હતો.જેને હોંગકોંગના અબજોપતિ જોસેફ લાઉ (Joseph Lau)એ 48.5 મિલિયન અમેરીકી ડોલરમાં ખરીદ્યો હતો.