ઈઝરાયેલના મીડીયા ગ્રુપ મકોના અહેવાલ મુજબ હજુ સુધી 4.5 કરોડથી પણ વધુની કિંમતના લુંટાયેલા હીરાની ભાળ મળી નથી.તમામ આરોપીઓને કોર્ટમા રજુ કરતા હાઇફાની અદાલતે તમામ આરોપીઓને કસ્ટડીમાં મોકલી આપ્યા છે.
DIAMOND TIMES – ઈઝરાયેલમાં એક હીરાના વેપારી પર તેના ઘર નજીક હુમલો કરી રૂપિયા 4.5 કરોડથી પણ વધુની કિંમતના હીરા ભરેલી બેગની ચીલ ઝડપ કરવાના ગુના બદલ શંકાના આધારે પોલિસે ઇઝરાઇલના ભૂતપૂર્વ સૈન્ય અધિકારીની ધરપકડ કરી છે.ઉલ્લેખનિય છે કે આ સૈન્ય અધિકારી અનેક નિર્ણાયક યુધ્ધમાં મહત્વપુર્ણ જવાબદારી નિભાવી ચુકયો હોવાનું બહાર આવ્યુ છે.
આ બનાવની જાણવા વિગત મુજબ ઈઝરાયેલના ઉત્તર ભાગમાં આવેલા હાઇફામાં એક હીરા વેપારી પર તેના ઘર નજીક લુંટારૂ ગેંગે હુમલો કરી બંદુકની અણીએ 4.5 કરોડથી પણ વધુની કિંમતના હીરા ભરેલી બેગની ચીલ ઝડપ કરી હતી. પોલીસનું માનવું છે કે લુંટારૂ ગેંગ પાછલા કેટલાંક અઠવાડિયાથી સાવચેતી પૂર્વક આ ગુનાને અંજામ આપવા હીરા વેપારીની તમામ ગતિવિધિઓ પર બારીકાઈથી નજર રાખી રહ્યા હતા.વળી આ ઘટના સીસીટીવી કેમેરામા કેદ ન થાય તેની પણ લુંટારૂ ગેંગે ખાસ તકેદારી રાખી હતી.
ઇઝરાઇલ મીડીયા ગ્રુપ મકોના અહેવાલ મુજબ આ લુંટના ગુનામાં સામેલ ચાર લોકોની પોલિસે ધરપકડ કરી હતી. જે પૈકી એક વ્યક્તિ ઇઝરાઇલ ડિફેન્સ ફોર્સનો ભૂતપૂર્વ સૈન્ય અધિકારી હોવાનું બહાર આવ્યુ છે. જેમણે આ ગેંગનું નેતૃત્વ કર્યું હોવાનો આરોપ છે. મીડીયા ગ્રુપ મકોના જણાવ્યા મુજબ હજુ સુધી 4.5 કરોડથી પણ વધુની કિંમતના લુંટાયેલા હીરાની ભાળ મળી નથી.તમામ આરોપીઓને કોર્ટમા રજુ કરતા હાઇફાની અદાલતે તમામ આરોપીઓને કસ્ટડીમાં મોકલી આપ્યા છે.