ગ્રાહકો સાથેની છેતરપીંડી અટકાવવા હવે દરેક જ્વેલરીને મળશે યુનિક આઈડેન્ટીફીકેશન કોડ

668

DIAMOND TIMES- આગામી 1 જૂનથી હોલમાર્ક ફરજીયાત કર્યા બાદ હવે દરેક જ્વેલરીને યુનિક આઈડેન્ટીફીકેશન કોડ એટલે કે વિશેષ ઓળખ નંબર એલોટ થશે.ત્યારબાદ ઈન્ડીયન સ્ટાન્ડર્ડ બ્યુરોના ખાસ સોફટવેરમાં આ યુનિક આઈડેન્ટીફીકેશન કોડ નાખતાની સાથે જ તુરંત જ જ્વેલરીની વાસ્તવિક ઓળખ થઈ શકશે.જેનાથી જવેલરીના કારોબારમાં પારદર્શિતા આવશે તેમજ ગ્રાહકોનો ભરોસો વધવાની સાથે અસલી-નકલીની તત્કાલ ઓળખ પણ થઈ જશે.

ભારતીય માનક બ્યુરો (બ્યુરો ઓફ ઈન્ડીયન સ્ટાન્ડર્ડ)એ વેપારીઓ માટે આ સોફટવેરની ટ્રેનીંગનું સમયપત્રક જારી કરી દીધુ છે.જેની શરૂઆત દક્ષિણ ભારતથી કરવામાં આવી છે. હવે આગામી એપ્રિલ મહીનામાં ઉત્તર ભારતમાં તેની તાલીમનો કાર્યક્રમ હાથ ધરવામાં આવનાર છે.ઈન્ડીયન સ્ટાન્ડર્ડ બ્યુરોના વડાએ ઝવેરીઓ માટે સમગ્ર શિડયુલ જાહેર કર્યુ છે.ઈન્ડીયન સ્ટાન્ડર્ડ બ્યુરોના જણાવ્યા પ્રમાણે જ્વેલરી પર યુનિક ઓળખ નંબર કોડ હશે. આ સોફટવેર ડીઆઈએસ સોફટવેરમાં તેની વિગત નોંધાશે. ચૂકવણુ લેતા પહેલા જ્વેલરીના યુનિક ઓળખ નંબર સોફટવેરમાં ફીટ કરી ગ્રાહકને બતાવવા પડશે. તે પછી ગ્રાહક ચુકવણુ કરશે. હોલમાર્કીંગના નામ પર વધુ પૈસા ગ્રાહકો પાસેથી ન લેવાય તેની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. સોનાની એક જ્વેલરીના હોલમાર્કિંગ માટે ૩૫ રૂપિયા પ્રતિ નંગ ચાર્જ નક્કી કરવામાં આવ્યો છે.ચાંદીની જ્વેલરી પર ૨૫ રૂપિયા પ્રતિ નંગ ચાર્જ લેવામાં લેવાશે.

એક એક જ્વેલરીની વિશિષ્ટ ઓળખ કોડ હોવાથી એક તીરથી અનેક નિશાન સાધવામાં આવશે. એક તો ગ્રાહકોની સાથે ફ્રોડ થઈ નહિ શકે. બીજુ દુકાનમાં રાખવામાં આવેલ એક એક જ્વેલરી કાગળો-દસ્તાવેજ-બીલોમાં આવી જશે. ઉદાહરણ તરીકે જો વેપારીએ ગ્રાહકને 20 વીટી બતાડી તો બધાનો એક યુનિક આઈડી કોડ હશે. આમાથી એક કે બે વીટી જ ગ્રાહક ખરીદશે પરંતુ બીઆઈએસના સોફટવેર પર વિગત તમામ 20 વીટીઓની હશે. એટલે કે કેટલી જ્વેલરી વેચવામા આવી રહી છે અને કોણ કોણ ખરીદી રહેલ છે તેની દરેકે દરેક વિગત એક કલીકમાં સરકારને મળી જશે.

ઓલ ઈન્ડીયા જ્વેલર્સ ફેડરેશનના નેશનલ સેક્રેટરીએ જણાવ્યુ છે કે પહેલીવાર દરેક જ્વેલરીને ઓળખ કોડ એલોટ કરવામાં આવશે આનાથી બજારમાં પારદર્શિતા આવશે અને ગ્રાહકોનો ભરોસો વધશે. ઠગાઈ કરનાર વેપારી આપમેળે બજારમાં બહાર ચાલ્યા જશે. આનાથી ગ્રાહકોને ફાયદો થશે અને પુરી કિંમત મળશે. ખોટા વાયદાની પોલ ખુલી જશે. કેરેટને લઈને ગ્રાહકોની શંકા દૂર થશે. તત્કાલ અસલી-નકલીની ઓળખ થઈ શકશે.