યુરોપ-અમેરીકાના ડીલરો આક્રમક : કોઇ પણ ભોગે પોલિશ્ડની ખરીદી કરવા ઉત્સુક હોવાના અહેવાલ

નાતાલ અને નવા વર્ષના વેકેશનની મજા માણી પરત ફરેલા અમેરીકા-યુરોપના હીરા ડીલરોએ વિશ્વાસ વ્યકત કરતા કહ્યુ છે કે હીરા અને ઝવેરાતની માંગ અને તેજીની ગતિ આગામી મહીનાઓમાં પણ ચાલુ રહેશે.ડી બિયર્સની આગામી સાઈટ માં રફ હીરાની કીંમતો ઉંચી જવાની અપેક્ષા વચ્ચે રફ અને પોલિશ્ડનું ટ્રેડીંગ ધીમું છે. મોટાભાગના કારોબારીઓ જાન્યુઆરીમાં રફ હીરાની કીંમતો અને વેચાણ વધવાની અપેક્ષા રાખે છે.અમેરીકાના રિટેલર્સએ વેકેશનનના સફળ કામકાજ પછી પુનઃસ્ટોક કરવાની કામગીરીને પ્રાધાન્ય આપ્યુ છે.

અમેરીકાની એજન્સી એડોબના જણાવ્યા અનુસાર નવેમ્બર-ડિસેમ્બરમાં જ્વેલરીનું ઓનલાઈન વેચાણ બમણાથી વધુ થયું છે.ફેન્સી હીરાનું બજાર મજબૂત છે.આમ તો તમામ કદના ફેન્સી હીરાની સારી માંગ છે.પરંતુ 1.20 થી 3.99 કેરેટ ના F-J,VS-SI કેટેગરીના ફેન્સી હીરાના પુરવઠાની અછત વચ્ચે તે સૌથી હોટ ફેવરીટ છે.0.30 થી 0.99 કેરેટના હીરા ની કીંમતોમાં સુધારો આવ્યો છે.ફેન્સી હીરા જડીત સગાઈ રિંગ્સના વેચાણમાં વધારો થયો છે.ઓવલ, પિયર્સ,એમરાલ્ડ, પ્રિન્સેસ,લોંગ રેડીયન્ટ્સ અને માર્ક્વિઝ કટના ફેન્સી હીરાના ઓર્ડરમાં વધારો થયો છે.

ઉચ્ચ ગુણવત્તા ધરાવતા અને ઉત્તમ કટના ફેન્સી હીરાની કીંમતોમાં પ્રીમિયમ બોલાઈ રહ્યાં છે.ચીનના બજારો તરફથી સતત માંગના કારણે ટ્રેડીંગને સપોર્ટ મળી રહ્યો છે.અમેરીકાની જ્વેલરી કંપનીઓએ ઇન્વેન્ટરી ભરવા નવા ઓર્ડર આપ્યા છે.કારણ કે ગ્રાહક માંગ ઊંચી છે. કેટલાક હીરાના વેપારીઓ પોલિશ્ડ માર્કેટમાં ફુગાવાથી ચિંતિત છે.આગામી 29 જાન્યુઆરીથી 2 ફેબ્રુઆરી દરમિયાન આયોજીત થનારા સેન્ચ્યુરિયન શોને લઈને પણ કારોબારીઓને મોટી અપેક્ષા છે. પરિણામે ખરીદદારો આક્રમક રીતે માલની શોધમાં છે.મોટા હીરા સારી રીતે વેચાઈ રહ્યાં છે.ફેસ્ટિવલ સિઝનમાં બ્રાઇડલ ની તુલનાએ ફેશન સેગમેન્ટ વધુ મજબૂત રહ્યુ છે.

બેલ્જિયમના હીરા બજાર પર નજર કરીએ તો કોવિડ મહામારીની ચિંતા વગર નવા વર્ષના પ્રથમ કાર્ય સપ્તાહમાં ડીલરો ભારે ઉત્સાહિત છે. જાન્યુઆરી 17 થી 21 દરમિયાન ડીબીયર્સની સાઈટ છે.જ્યારે અલરોઝાની 24 થી 28 જાન્યુઆરી એ સાઈટ જાહેર થવાની છે.આ સાઈટ અગાઉ જ રફ સેક્ટર મજબૂત છે.સેકન્ડરી માર્કેટમાં રફ હીરાનું પ્રીમિયમ વધી રહ્યું છે.

રફ હીરાના સતત ભાવ વધારાના પગલે ઇઝરાયેલના ડીલરો વધુ સાવચેત છે.રફ ટ્રેડિંગ મજબુત છે.જેના પગલે પોલિશ્ડ હીરાની કિંમતો પણ વધવાની અપેક્ષા છે. યુએસ, ચીન સહીત વિશ્વના અનેક દેશો તેમજ સ્થાનિક રિટેલરો તરફથી હીરા ની નક્કર માંગના પગલે ભારતના હીરા બજારો મજબુત છે. D-F કેટેગરીના હીરાની તુલનાએ I-M કેટેગરીના હીરાનું પ્રદર્શન સારૂ રહ્યુ છે.રાઉન્ડ કટના 1 કેરેટના G-J,VS-SI, 3X કેટેગરીના હીરામાં સારા કામકાજ છે.રફ હીરાના પુરવઠાની અછત છે.આવી સ્થિતિ વચ્ચે ભારતના હીરા ઉદ્યોગકારોની ડીબિયર્સ અને અલરોઝાની આગામી સાઈટ પર નજર કેન્દ્રીત થઈ છે.

હોંગકોંગના હીરા બજારની વાત કરીએ તો અપેક્ષા કરતા માર્કેટ શાંત છે.રિટેલરો પાસે પૂરતી ઇન્વેન્ટરી છે.0.30 થી 0.90 કેરેટ વજનના D-H,VS-SI કેટેગરીના હીરાની માંગ સ્થિર છે.કોવિડ-19ના કારણે લાગેલા પ્રતિબંધોએ ગ્રાહક સેન્ટિમેન્ટને અસર કરી છે.