1 જાન્યુઆરીથી ક્રેડિટ અને ડેબિટ કાર્ડ યૂઝર્સને પેમેન્ટ કરવામાં નવા નિયમની એન્ટ્રી

64

DIAMOND TIMES –  ડેટાને વધુ સુરક્ષિત બનાવવા માટે RBIનો નવો નિયમ 1 જાન્યુઆરીથી લાગુ થવા જઈ રહ્યો છે. નવા નિયમ હેઠળ આગામી વર્ષની શરૂઆત સાથે ડેબિટ અને ક્રેડિટ કાર્ડ દ્વારા ચૂકવણીના નિયમોમાં એક ફેરફાર કરવામાં આવ્યો છે.

ચુકવણીની રીતમાં કરાયો ફેરફાર : આગામી વર્ષથી આરબીઆઈ ડેબિટ અથવા ક્રેડિટ કાર્ડ પેમેન્ટ કરવા માટે તમારા કાર્ડને ટોકન નંબર આપશે. નવા વર્ષથી ગ્રાહકો આ જ ટોકન દ્વારા પેમેન્ટ કરી શકશે.

ટોકનાઇઝેશન શું છે?
નાની દુકાન હોય કે શોપિંગ મોલ, મોટાભાગના લોકોએ કાર્ડ દ્વારા જ પેમેન્ટ કરવાનું શરૂ કર્યું છે. એવામાં તમારા કાર્ડનો ડેટા કોઈપણ કંપની અથવા વેપારીને આપીએ છીએ અને આ વેપારી અથવા કંપની તમારો ડેટા સ્ટોર કરી લે છે. તેનાથી ડેટા ચોરી થવાની શક્યતા વધી જાય છે. આવી છેતરપિંડી રોકવા માટે RBI એ એક નવો નિયમ શરૂ કર્યો છે, જેમાં તે કોઈપણ ક્રેડિટ અથવા ડેબિટ કાર્ડનો એક ટોકન નંબર આપશે, જેને ટોકનાઇઝેશન કહેવામાં આવી રહ્યું છે.

નવા નિયમ હેઠળ 1 જાન્યુઆરી, 2022 થી કોઈપણ કંપની અથવા વેપારી ગ્રાહક કાર્ડની માહિતી જેમ કે કાર્ડ નંબર, એક્સપાયરી ડેટ અથવા સીવીવી સ્ટોર કરી શકશે નહીં. આરબીઆઈએ તમામ કંપનીઓને ગ્રાહકોને સંગ્રહિત ડેટા અગાઉથી ડિલીટ કરવા માટે કહ્યું છે, જેથી ઓનલાઈન ટ્રાન્ઝેક્શનની સુરક્ષા વધારી શકાય.વિઝા, માસ્ટરકાર્ડ અને રુપે કાર્ડ ઇશ્યૂ કરતી બેંક અથવા કંપની તરફથી ટોકન ઇશ્યૂ કરવાની મંજૂરી આપી છે, જેને ટોકનાઇઝેશન કહેવામાં આવે છે.

નવા વર્ષથી તમારે કોઈપણ વિગતો આપ્યા વિના ચુકવણી કરવા માટે ટોકનાઇઝેશનનો વિકલ્પ પસંદ કરવો પડશે. આ રીતે, ગ્રાહકોના કાર્ડની વિગતો વેપારી પાસે સ્ટોર થશે નહીં, જેનાથી ડેટા ચોરી અને છેતરપિંડીની ઘટનાઓ અટકશે.