ઉદ્યોગ સાહસિકોએ બિઝનેસનો ગ્રોથ કરવા ટેકનોલોજીનો યોગ્ય રીતે ઉપયોગ કરવો જોઇએ: લિમેશ પારેખ

197

ચેમ્બર દ્વારા આયોજીત ‘હાઉ ટુ ગ્રો યોર બિઝનેસ યુઝીંગ ટેકનોલોજી’ વિશે સેમિનારમાં વાપીની એન્જય આઇટી સોલ્યુશન્સ લિમિટેડના સીઇઓ લિમેશ પારેખે ઉદ્યોગ સાહસિકોને ટેકનોલોજીના ઉપયોગ વિશે આપ્યું મહત્વનું માર્ગદર્શન…

DIAMOND TIMES-  સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા ‘હાઉ ટુ ગ્રો યોર બિઝનેસ યુઝીંગ ટેકનોલોજી’ વિષય ઉપર સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં વાપીની એન્જય આઇટી સોલ્યુશન્સ લિમિટેડના સીઇઓ લિમેશ પારેખે ઉદ્યોગ સાહસિકોને ટેકનોલોજીના ઉપયોગ વિશે મહત્વનું માર્ગદર્શન આપતા કહ્યુ કે સામાન્યપણે લોકો એવી ગેરમાન્યતા ધરાવે છે કે ટેકનોલોજી ડેવલપ થઇ નથી,પણ હકીકતમાં ટેકનોલોજી ડેવલપ થઇ ચુકી છે પણ ઉદ્યોગકારો કહો કે ઉદ્યોગ સાહસિકો પોતાના બિઝનેસનો ગ્રોથ થાય તે દિશામાં ટેકનોલોજીનો યોગ્ય રીતે ઉપયોગ કરતા નથી. કેટલાક ઉદાહરણો આપીને તેમણે આ બાબતની સમજણ આપી હતી.તેમણે કહયું કે લોકો પોતાના સ્માર્ટ ફોનમાં રહેલા કોન્ટેકટને ઓર્ગેનાઇઝ કરવા માટે પણ પ્રયાસ કરતા નથી. દરેકના સ્માર્ટ ફોનમાં આશરે બે થી ત્રણ હજાર લોકોનો ડેટા હોય છે.પણ તેઓ સુધી પહોંચવા માટે તેનો ઉપયોગ કરવામાં આવતો નથી.

લિમેશ પારેખે વોટ્‌સએપ જેવા ફ્રી ટુલ્સનો ધંધાના વિકાસ માટે કેવી રીતે ઉપયોગ કરી શકાય ? તે અંગે વિસ્તૃત માહિતી આપી હતી. વોટ્‌સએપ ઓટો રિસ્પોન્ડર, સંપર્ક સેતુ નામક ટીકટીક એપ્લીકેશન, તેમની એનજે કંપનીના ક્રોસ સેલીંગ ટુલ્સ તથા વોટ્‌સએપના હીડન ફીચર અને ગુગલ કોન્ટેકટ્‌સ વિશે તેમણે વિગતવાર સમજણ આપી હતી. તેમણે વધુમાં કહયું હતું કે, આ ટૂલ્સમાં મોટાભાગની વસ્તુઓનો ઉપયોગ મફત કરી શકાય છે અને તેમાં વધારાનો નવો ખર્ચ કરવાની જરૂર પડતી નથી.ચેમ્બરના ગૃપ ચેરમેન દીપકકુમાર શેઠવાલાએ સ્વાગત પ્રવચન કરી સમગ્ર સેમિનારનું સંચાલન કર્યું હતું. જ્યારે ચેમ્બરની આઇટી એન્ડ વેબ કમિટીના ચેરમેન ગણપત ધામેલિયાએ કાર્યક્રમની રૂપરેખા આપી હતી. અંતે ચેમ્બરની એનઆરજી કમિટીના ચેરમેન રમેશ વઘાસિયાએ સર્વેનો આભાર માન્યો હતો અને ત્યારબાદ સેમિનારનું સમાપન થયું હતું.