પોલિશ્ડ હીરાની કીંમતોમાં શરેરાશ 5 ટકાનો વધારો થતા હીરા ઉદ્યોગ માટે ડીમાન્ડ અને સ્પલાયની આદર્શ સ્થિતિનું સર્જન થયુ છે,પહેલા પોલિશ્ડ હીરા વેંચવા મેન્યુફેકચરીંગ કંપનીઓ દોડાદોડી કરતી હતી,તેનાથી વિપરીત હવે ડીલર્સ પોલિશ્ડ હીરા ખરીદવા દોડાદોડી કરી રહ્યાં છે.
DIAMOND TIMES – બજારના આશાવાદ વચ્ચે પોલિશ્ડ હીરાની કિંમતો મક્કમ છે.સતત માંગ અને પોલિશ્ડ હીરા ના પુરવઠાની અછત વચ્ચે પોલિશ્ડ હીરાના ભાવમાં સરેરાશ 5 ટકાનો વધારો થયો છે. મોટા ભાગના કારખાનેદારો યુએસ,યુરોપ તથા ચીન સહીતના વૈશ્વિક બજાર તરફથી મળતા ઓર્ડર પુર્ણ કરવામાં વ્યસ્ત છે.આગામી તહેવારોની સિઝનના પગલે પોલિશ્ડ હીરાની મજબૂત માંગની શરૂઆત વચ્ચે ચાઈનીઝ માર્કેટમાં સુધારો થવાથી હીરા ઉદ્યોગમાં સોનામાં સુગંધ ભળી છે.
રજાના સમયગાળાની શરૂઆતમાં જ્વેલરીએ મોટાભાગની પ્રોડક્ટ કેટેગરી કરતાં વધુ સારો દેખાવ કર્યો છે.માસ્ટરકાર્ડ સ્પેન્ડીંગ પ્લસના અહેવાલ મુજબ અમેરીકા માં થેંક્સ ગિવિંગ સપ્તાહમાં ગત વર્ષની તુલનાએ જ્વેલરીના વેંચાણમાં 78%નો જંગી વધારો નોંધાયો છે.ગત ઓક્ટોબરમાં પોલિશ્ડ હીરાની નિકાસ વાર્ષિક ધોરણે 45% વધીને 2.56 બિલિયન ડોલર થઈ હતી.આમ છતા પણ બજારમાં મુખ્યત્વે 0.30- થી 0.40 અને 1-કેરેટ સહીત મોટાભાગની કેટેગરીના પોલિશ્ડ હીરાના પુરવઠાની ભારે તંગી છે.
રફ હીરાની અછતની સમસ્યા લેબગ્રોન માટે મોટી તક : બાબુભાઈ વાઘાણી
રફ હીરાના બજારની વાત કરીએ તો ઓછા ઉત્પાદનની સમસ્યાના કારણે રફ હીરાના પુરવઠાની ભારે તંગી ઉભી થઈ છે.જેના કારણે રિયલ હીરા વધુ સુપર રેર બન્યા છે.જે કુદરતી હીરા ઉદ્યોગ માટે સકારાત્મક બાબત છે.ઓછા ઉત્પાદને વધુ નફો રળવા માટે આ એક આદર્શ સ્થિતિ ગણાવાઈ રહી છે.મોટી કંપનીઓને રફ હીરાના પુરવઠાની ઓછી સમસ્યા છે.જ્યારે નાની કંપનીઓ રફના પુરવઠાની સમસ્યાનો સામનો કરી રહી છે.આ સ્થિતિ લેબગ્રોન હીરા માટે એક ઉજ્જ્વળ તક સમાન છે,એમ સુરત લેબગ્રોન ડાયમંડ એસોસિયેશનના પ્રમુખ બાબુભાઈ વાઘાણીએ જણાવ્યુ હતુ.
બાબુભાઈએ ઉમેર્યુ કે ગત વર્ષે લેબગ્રોન હીરાના કારોબારમાં 300 ટકાનો વધારો થયો હતો.જ્યારે આગામી વર્ષે લેબગ્રોનનો કારોબાર 1000 ટકા વધવાની અપેક્ષા છે.રફ હીરાની સમસ્યાના પગલે નાના કારખાનેદારો લેબગ્રોન હીરાના ઉત્પાદન તરફ વળ્યા છે.પરિણામે હાલ તો રોજગારીની કોઇ જ સમસ્યા નથી.
કુશળ કારીગરની અછતની સમસ્યા છે : યોગેશભાઈ ભીમાણી- ભીમાણી ડાયમંડ
કતારગામ નજીક બારડોલિયા પ્લોટ વિસ્તારમાં હીરાનું નાનુ યુનિટ ચલાવતા ભીમાણી ડાયમંડના યોગેશભાઈ ભીમાણી એ કહ્યુ કે અમારે કુશળ કારીગરની ખુબ મોટી સમસ્યા છે . કારીગરની જરૂરીયાત માટે અમો અન્ય કારીગરો અને લાગતા વળગતાઓને ભલામણ કરી રહ્યાં છીએ, આમ છતા પણ કારીગરો મળતા નથી. અત્યારે જે સ્ટાફ છે એ ખુબ જુનો છે. અને એક પણ કારીગરને છુટો કરવાની અમને ફરજ પડી નથી.તેનાથી વિપરીત યુરોપ-અમેરીકા , ચીન સહીતના દેશો તરફથી મોટી કંપનીઓ પર ઓર્ડર પુર્ણ કરવાનું દબાણ છે.જેનો અમને ફાયદો મળી રહ્યો છે.