આંત્રપ્રિન્યોર : સરહદની અંદરનો સિપાહી

708
Businessman turned into thunder warrior,holding a lightning sword and shield ,preparation, protection, precaution and security in business concept .

DIAMOND TIMES – અથાગ પ્રયત્નો અને અસંખ્ય બલિદાન  પછી મળેલી અનમોલ આઝાદીનાં 75 માં વર્ષે સૌને રાષ્ટ્રભાવના સભર સ્વાતંત્ર્યદિનની હાર્દિક શુભેચ્છાઓ…

મારા ખ્યાલ મુજબ કોઈપણ દેશની નક્કરતા કે તાકાત ત્રણ બાબત પર નિર્ભર છે : દેશની સરહદ પર ઉભેલું સૈનિક દળ, ગુડ ગવર્નન્સ અને ઈકોનોમી કે GDP. દેશની બધી બોર્ડર પર આધુનિક શસ્ત્ર સરંજામ સાથે પૂરતા સૈનિકો અને દેશ તરફથી એમને સન્માન, સવલતો અને ઓથોરિટી હોય એટલે સીમાડા સુરક્ષિત. ગુડ ગવર્નન્સ માં દેશની શાંતિ, સુરક્ષા અને સુખાકારી માટે નિમિત્ત કે નિયુક્ત રાજકીય ક્ષેત્ર,વિવિધ વિભાગોમાં ફરજ બજાવતા ઓફિસરો અને આંતરિક સુરક્ષા માટે સજ્જ પોલીસ દળનો સમાવેશ .બાકી બધા દેશની ઇકોનોમીમાં યોગદાન માટે જોડાયેલા છે. દેશનો દરેક આબાલવૃધ્ધ નાગરિક આ ત્રણ માંથી કોઈ એક ક્ષેત્રમાં ક્યાંકને ક્યાંક પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે સંકળાયેલો હોય છે.એટલે સ્વાતંત્ર્યદિન નિમિતે જયારે પ્રબળ રાષ્ટ્રભાવના આપણા મનમાં હિલોળા લેતી હોય ત્યારે દેશ માટે પોતાનાં ક્ષેત્રમાં શું સારું યોગદાન આપી શકીએ એનું મનોમંથન કરી શકાય. દેશની ઇકોનોમીમાં વ્યવસાયક્ષેત્રે દરેકનું મહત્વ છે અને બધા એકબીજાના પૂરક છે પછી ખેડૂત, મેન્યુફેક્ચરિંગ-ટ્રેડિંગ કે સર્વિસ સેક્ટરનો આંત્રપ્રિન્યોર કે બિઝનેસમેન, નોકરિયાત સ્ટાફ, સફાઈ કર્મચારીઓ, હેલ્થ, એજ્યુકેશન કે કાયદાકીય સેક્ટરમાં જોડાયેલ વર્ગ વગેરે. મારા વ્યક્તિગત મત મુજબ મોસ્ટ એમ્પ્લોયમેન્ટ અને રેવન્યુ જનરેટર આંત્રપ્રિન્યોર કે બિઝનેસમેનનું વિશેષ મહત્વ અને સાથે જવાબદારી પણ છે, પછી એ પ્રોફિટ ઓરિયેન્ટેડ કોઈપણ ક્ષેત્ર હોય, એગ્રિકલ્ચર, ડાયમંડ, ટેક્સ્ટાઇલ, રીઅલ એસ્ટેટ, ઓટોમોબાઈલ, એન્ટરટેનમેન્ટ, બેન્કિંગ, હેલ્થ કે એજ્યુકેશન.જેવી રીતે બહારના આક્રમણથી બચવા અને આપણી સુરક્ષા  માટે જળ-વાયુ-જમીન સરહદે રાત દિવસ પહેરો ભરતી ઇન્ડિયન આર્મી આપણા માટે સદૈવ સમ્માનીય છે એવી જ રીતે, દેશની આંતરિક સુખ શાંતિ, નાણાકીય સુરક્ષા અને સુવિધા માટે વિશાળ પ્રમાણમાં રોજગારી અને આવકનો સ્ત્રોત નિર્માણ કરનાર, દેશની કુદરતી કે માનવસર્જિત આફત માં,વિકટ પરિસ્થિતિને સામાન્ય કરવામાં, સામાજિક કલ્યાણ અને સુખાકારી માટે વ્યક્તિગત પ્રયત્નો અને આર્થિક યોગદાન માટે આંત્રપ્રિન્યોર નું પણ વિશેષ મહત્વ છે જેની દરેક નાગરિકે નોંધ લેવી જોઈએ, સાથેસાથે નાના-મોટા કોઈપણ વ્યવસાયીએ અચૂક ગૌરવ પણ લેવું જોઈએ કે તેઓ વ્યક્તિગત રીતે દેશના સર્વાંગી વિકાસમાં સહભાગી છે. જયારે કોઈપણ યુવાન ને આંત્રપ્રિન્યોર કે બિઝનેસમેન નો વિચાર મનમાં સેવે અને કોઈ નવું ધંધાકીય સ્ટાર્ટઅપ કરે ત્યારે તે સામાન્ય નાગરિકમાંથી વિશેષ જવાબદારી અને ફરજ સાથે નવા પગલાં માંડે છે એ ધ્યાનમાં લેવું જોઈએ. જે યુવાન કે યુવતી દેશની આર્મી કે અન્ય સુરક્ષા દળ માં જોડાય ત્યારે તેણે ફરજીયાત એક ઓથ (પ્રતિજ્ઞા) લેવાની હોય છે જે તેણે જ્યાં સુધી ડ્યુટી નિભાવે ત્યાં સુધી અચૂક પાળવાની હોય છે. એવી રીતે, ભલે આપણા વ્યક્તિગત સ્વતંત્ર વ્યવસાયની શરૂઆત કરતા હોઈએ પણ સાથેસાથે આપણે દેશ પ્રત્યે વિશેષ ફરજ સાથે પણ બંધાઈએ છીએ.જે પરોક્ષ કે મરજીયાત નહિ લખાયેલ પ્રતિજ્ઞા ગણાય પણ જરૂરી તો ખરું જ.વધારે નહિ પણ મુખ્ય 3-4 મુદ્દા પર ધ્યાન દોરીએ.

Nation First – પ્રથમ રાષ્ટ્ર

આપણે કોઈપણ વ્યવસાય કરતા હોઈએ, જયારે દેશ પ્રત્યે ફરજની વાત આવે ત્યારે નાની હાટડી થી માંડીને જાયન્ટ એમ્પાયર બધા માટે એકસમાન છે. નાના કે મોટા કોઈપણ વ્યવસાયની વસ્તુ કે સેવા ની અસર ક્યારેક ખુબ સારી કે ખુબ ગંભીર સ્થિતિ સર્જી શકે છે. ‘Nation First’ એ આપણું બિઝનેસ સૂત્ર હોવું જોઈએ. આપણા દ્વારા વેચવામાં આવતી વસ્તુ કે સેવા આપણા ગ્રાહકો જે દરેક દેશવાસી ભાઈ-બહેનો જ છે એના માટે લાભદાયી જ હોવું જોઈએ, જો એનાથી તેમનું આર્થિક – શારીરિક કે માનસિક નુકશાન થતું હોય તો કાં તો આપણી પ્રોડક્ટ કે સર્વિસ ખોટી છે કાં તો આપણી દાનત. ‘પ્રથમ રાષ્ટ્ર’ નો વિચાર મનમાં હશે તો ડુપ્લીકેટ ઇન્જેક્શન- કરન્સી કે અન્યના જોખમે શોર્ટકટ કમાવા નો વિચાર નહિ આવે, ખાદ્યપદાર્થ માં ભેળસેળ નો વિચાર નહિ આવે, જીવન જરૂરિયાત વસ્તુ કે બીમારીની સારવારમાં નફાખોરીનો વિચાર નહિ આવે, પ્રદૂષણયુક્ત કેમિકલ પ્રવાહી, ગેસ કે કચરો કાયદા વિરુધ્ધ નહિ ઠાલવીએ, આપણા સપ્લાયર ગ્રાહકોની કાળજી રાખીશું તેમજ સ્ટાફનું શોષણ નહિ કરીએ.

Value Added Service  – અપેક્ષા કરતા સારી વસ્તુ કે સેવા આપવાનો પ્રયત્ન

‘મેક ઈન ઇન્ડિયા’ કે ‘આત્મનિર્ભર ભારત’ ત્યારે જ લાગુ પડશે જયારે દરેક આંત્રપ્રિન્યોર ‘વેલ્યુ એડેડ સર્વિસ’ માટે મથશે. આ એકજ ફેક્ટર છે જે આપણી અને ચાઈના તેમજ અન્ય દેશોની પ્રોડક્ટ/સર્વિસમાં જુદા પાડે છે. જયારે ગ્રાહકને એના વળતર કરતા વિશેષ મળ્યાનો આનંદ અનુભવાય ત્યારે જ એ પ્રોડક્ટ/સર્વિસ ની મહતા વધે છે અને જે અલ્ટીમેટલી મેક્રો લેવલે દેશની ઈકોનોમી માં રિફ્લેક્ટ કરે છે. નવા ઔદ્યોગિક યુગમાં ફક્ત તમે ગ્રાહકને જરૂરી વસ્તુ કે સેવા પુરી પાડીને ધંધાની પ્રગતિ નહિ કરી શકો, પણ સાથેસાથે સતત અપડેશન અને અપેક્ષા કરતા વધારે વળતર આપીને આનંદિત કરવા પડશે.જેમાં પ્રોડક્ટ/સર્વિસ ની ગુણવતા તો ખરી જ પણ સાથે સાથે વસ્તુના પેકેજીંગ, ફિનિશિંગ, લુક અને સર્વિસ ક્ષેત્રે કમ્ફર્ટ અને વિશ્વાસ નો પર્સનલ ટચ આપવો પડશે પછી એ મેન્યુફેક્ચરિંગ, હેલ્થ, એજ્યુકેશન કે કોઈપણ ક્ષેત્ર હોય.

વસ્તુ/ સેવા માં સાતત્યરાખવું  અને નીતિમતા ના ધોરણો જાળવી રાખવા.

જો વ્યવસાયમાં આપણા દ્વારા પુરી પડાતી વસ્તુ કે સેવામાં સાતત્ય અને નીતિમતા જાળવી રાખીએ છીએ તો એ  એક દેશની સેવા જ છે. કોઈપણ ક્ષેત્ર માં ધંધાર્થી અને ગ્રાહક વચ્ચે સંબંધ બને એ વિશ્વાસનાં તાંતણે બંધાયેલો હોય છે. દરેક બિઝનેસ માં એવી પ્રોડક્ટ અને સર્વિસ હોય જ છે કે જેનું સાતત્ય જાળવી રાખવું બિઝનેસમેન ના જ હાથમાં છે. જો આપણા કહેવા અને આપવામાં ફરક રહેશે તો બિઝનેસ લાંબો સમય ટકી નહિ શકે. હીરાઉદ્યોગ પ્રત્યે એક ખૂબ જ ગૌરવ લેવા જેવી વાત છે કે, આજના જમાનામાં લીગલ દસ્તાવેજમાં પણ ચીટિંગ થઇ શકે છે ત્યારે એક સામાન્ય ચિઠ્ઠી ઉપર કરોડોનો વેપાર ફક્ત હીરાઉદ્યોગ માં શક્ય છે, ઉપરાંત અમુક સમય પહેલા જ કુદરતી હીરાની સામે ટેક્નોલોજી દ્વારા માનવસર્જિત CVD -HTHP હીરા આવવાથી વર્ષો જુના વ્યવસાયની ચમક ઝાંખી થવાનો અંદાજ બધાને આવતો હતો, પરંતુ ફક્ત સાતત્ય અને નીતીમાતાની જાળવણી ને કારણે જ આજે બંને ગુણવતાની ચમક પારદર્શક વ્યવહાર અને વચનબધ્ધતા સાથે ઉતરોતર વધતી જાય છે. જે સાતત્ય અને નીતિમતા ટેક્સ્ટાઇલ ક્ષેત્રે ફેબ્રિક્સ કે વર્ક માં લાગુ પડે, રીઅલ એસ્ટેટ ક્ષેત્રે બાંધકામ માટે વપરાયેલ મટીરીયલ અને કમિટેડ એમેનીટીઝ માટે લાગુ પડે અને દરેક ધંધામાં જે તે પ્રોડક્ટ/સેવા અનુસાર.

દેશનાં બંધારણીય કાયદા અને નિયમોનું પાલન

કોઈપણ બિઝનેસમેન કે આંત્રપ્રિન્યોર માટે દેશના સામાન્ય, તેમજ પોતાની ઇન્ડસ્ટ્રી, એસોસિએશન કે લોકલ નિયમો અને કાયદાનું પાલન કરવું અનિવાર્ય છે. સાચો બિઝનેસમેન એ જ છે કે જે પોતાના બિઝનેસ ટર્નઓવર, ટ્રાન્સેક્શન અને ટેક્સનું બેલેન્સ જાળવી રાખે. બીજા દેશો કરતા આપણા દેશમાં ઘણી કાયદાકીય સવલતો અને છૂટ છે જેથી કોઈ ધંધાર્થી શરૂઆત માં ભૂલ કરે તો પણ એને સુધરવાની તક આપેલી છે. ઉપરાંત, જે આંત્રપ્રિન્યોર શોર્ટ ટર્મ પ્રોફિટ કરતા લોન્ગ ટર્મ રોયલ્ટી માં માનતા હશે તેઓ અચૂક કાયદાનું ગંભીરતાથી પાલન કરતા હશે અને તે જ લાંબા ગાળે સરકારી યોજનાઓ, ટેક્સ અને ધંધાની લોયલ્ટી નો લાભ લઇ શકે છે અને પ્રગતિ કરે છે.

આજના સ્વાતંત્ર્યદિને થોડું મનોમંથન કરીને આપણી પર્સનલ પ્રતિજ્ઞા કરીને આઝાદી માટે નિમિત્ત દરેક સ્વાતંત્ર્યસેનાની, ક્રાંતિવીર ને અંજલિરૂપે તેમજ સારા ભવિષ્યના નિર્માણ માટે આપણા સારા વિચાર, પ્રોડક્ટ કે સર્વિસ થકી દેશ અને દેશવાસીઓને સહાયરૂપ થઈએ.

જય હિંદ..જય ભારત..વંદે માતરમ

દેશ મને શું આપે છે મહત્વનું નથી, હું દેશને શું આપી શકું વધારે મહત્વનું છે. કારણ કે માતૃભૂમિ,જન્મભૂમિ અને કર્મભૂમિ નું ઋણ ક્યારેય ચૂકવી શકતા નથી, ફક્ત પ્રયત્ન કરી શકીએ.”