હિરા ઉદ્યોગનાં હિરલાઓ દ્વારા પ્રોત્સાહીત સરદારધામ-અમદાવાદ

905

હિરા ઉદ્યોગનાં હિરલાઓ દ્વારા પ્રોત્સાહીત સરદારધામ-અમદાવાદ એટલે વિરલાઓ અને વિરાંગનાઓનું ઘડતર કરતુ એક અદ્દભૂત,અલૌકિક,અદ્વિતિય અને નવીનતમ નજરાણું

DIAMOND TIMES 

દુનિયા મને શું આપશે એ વિચારનારા મેનેજર બને છે..
દુનિયાને હું શું આપું એ વિચારનારા લીડર બને છે

આ વાત બીજા શું કરે છે તેની પંચાતમાં પડ્યા વગર માત્ર લક્ષ્ય પર જ ધ્યાન કેન્દ્રીત કરી પ્રગતિના પંથે સતત આગળ વધતા મહાન વિરલાઓ માટે કહેવાઇ છે.આવા સફળ લોકો મારી ફરજ શું છે તે અંગે ગંભીરતાથી વિચારે છે અને જીવન માં પણ ઉતારતા હોવાથી મહાન બનીને ઇતિહાસ રચે છે.આજે આપણે આવા ઇતિહાસ રચનારા હિરા ઉદ્યોગનાં હિરલા ઓ દ્વારા પ્રોત્સાહીત અને વિરલાઓ અને વિરાંગનાઓ પેદા કરતું અદ્દભૂત,અલૌકિક,અદ્વિતિય અને નવીનતમ નજરાણા સમાન સરદારધામ- અમદાવાદ વિશે વાત કરવા જઇ રહ્યાં છીએ.

ભામાશા સમાન અનેક દાતાઓનું સરાહનિય યોગદાન અબે સહીયારા પ્રયાસથી નિર્માણ પામેલી સંસ્થા સરદારધામના સર્વોચ્ચ હોદ્દા પર રહીને ખુબ મોટી જવાબદારી સંભાળતા પ્રમુખ ગગજીભાઇ સુતરીયા પ્રમુખ નહી પણ પ્રમુખ સેવક તરીકે ઓળખ આપવામાં ગૌરવ અનુભવે છે.2010માં મુંબઈથી અમદાવાદ શીફટ થયાં એ પહેલા ગગજીભાઈ પણ ડાયમંડના વ્યવસાયમાં જોડાયેલા હતા. મુંબઇ સ્થિત સુર્યા જેમ્સ નામની તેમની હીરાની કંપની કરોડોનું ટર્ન ઓવર કરતી હતી.પરંતુ જેમનો જન્મ જ સમાજની શિકલ બદલવા માટે થયો હોય એમને કરોડો રૂપિયાનો મોહ ક્યાથી હોય?કરોડોનો બિઝનેસ છોડીને સમાજ નિર્માણ થી રાષ્ટ્ર નિર્માણના સોનેરી સુત્રને સાર્થક કરવા તેમણે રીતસર ભેખ લીધો છે.નવયુવાનોના સપના સાકાર કરવા તે પરિવાર સાથે અમદાવાદ સ્થાયી થયાં.અમદાવાદમાં ખુબ જ ટુંકા ગાળામાં પોતાની અલગ ઓળખ ઉભી કરી પોતાના સપનાને સાકાર કરવા આકાર આપી શકે તેવા સમાન વિચારધારા ધરાવતા મિત્રોનું એક વર્તુળ બનાવ્યું. અમદાવાદ ખાતે 2014 માં વૈષ્ણોદેવી સર્કલ પાસે જમીન રાખીને ભુમિપુજન કર્યુ.એ પ્રસંગે એક કલાકના કાર્યક્રમમાં ન ભુતો ન ભવિષ્યની જેમ રૂપિયા 80 કરોડનું દાન આવ્યુ.

ગગજીભાઈ દ્રઢ પણે માને છે કે જે પ્રકારે કાચા હીરાને ઘસીને તેના પર પેલ પાડવાથી હીરાની ચમક વધે છે તે પ્રકારે હીરા જેવા તેજસ્વી અને ઓજસ્વી યુવાનો કે જેનો આર્થિક સંકડામણને કારણે નિર્ધારીત લક્ષ્ય સુધી પહોંચી શકતા નથી . તેમના ભવિષ્યને ચમકાવી યોગ્યતા પ્રમાણે યુવાનોની કારકિર્દી ઘડાય અને તેની કિંમત થાય એવું અનેરું પ્લેટફોર્મ આપવાનું નક્કર કાર્ય આ સંસ્થા કરી રહી છે.આજે તૈયાર થઇને ઉભા થયેલા આ 185 કરોડના પ્રોજેક્ટમાં ડાયમંડ માંધાતાઓનો મહતમ ફાળો છે.સરદારધામના કુલ 456 ટ્રસ્ટીઓ પૈકી 100થી વધુ ટ્રસ્ટીઓ તો સુરત અને મુંબઈના હીરા ઉદ્યોગપતિઓ છે.ભામાશા જેવા આ હિરા ઉદ્યોગપતિઓએ તેજસ્વી યુવાધનનાં ઉજ્જવળ ભવિષ્યને ચમકાવવા દિલ ખોલીને દાન અપાયું છે.હીરાઉધોગનાં આ મહારથીઓ સમસ્ત પાટીદાર સમાજનાં યુવાનોનું ભવિષ્ય ચમકાવી રહ્યા છે.

કોરોનાના કપરા કાળમાં જ્યારે તમામ વ્યાપાર-ઉદ્યોગ ઠપ્પ હતા એવા કપરા સમયે પણ સરદારધામનું નિર્માણ કાર્ય નિર્વિઘ્ને ચાલતું રહ્યું હતું એ બાબત દાતાઓની પ્રતિબધ્ધતા અને સમાજ પ્રત્યેની અનોખી સમર્પિતતા દર્શાવે છે. ગણતરીના મહીનાઓમાં જ 13 માળનું ભવ્ય બિલ્ડીંગ લોકાર્પણ માટે તૈયાર કરી દેવામાં આવ્યુ હતુ.દરેક સુર્યોદય એક નવી સવાર લઈને આવે તેમ સરદારધામનું આ ભવ્ય બિલ્ડીંગ પાટીદાર સમાજના યુવાનો માટે એક આશાના સુર્યોદય સમાન અવિસ્મરણીય નજરાણું છે.સરદારધામ સંસ્થા રાષ્ટ્રની સુખાકારી અને યુવા શકિતના સર્વાગી વિકાસ માટે કટિબદ્ધ અને સંકલ્પબદ્ધ છે.સહુ કોઇ જાણે છે કે કોઈપણ ભગીરથ કાર્ય કે લક્ષ્ય માત્ર વાતો કે વિચારોથી સાર્થક નથી થતુ,પરંતુ તેને વાસ્તવિક કરવા ચોક્કસ મિશન,વિઝન,ગોલ,રોડમેપ અને અંતે પ્રચંડ પુરૂષાર્થની આવશ્યકતા રહેતી હોય છે.આ નિયમાનુસાર સરદારધામ સંસ્થાએ દશાબ્દી મિશન-2026 અંતર્ગત 5 લક્ષબિંદુઓ આધારિત રોડમેપ નક્કી કર્યો છે.1) બિલ્ડીંગ પ્રોજેકટ- રૂ.1 હજાર કરોડના ખર્ચે 10 હજાર દીકરા- દીકરીઓ માટે 4 ઝોનમાં પરવડે તેવા છાત્રાલયનું નિર્માણ કરવું.

2) GPSC- UPSC- Defence-Judiciary (સિવિલ સર્વિસ કેન્દ્ર) 10 હજાર દીકરા-દીકરીઓને વહીવટી સેવામાં મોકલવા.

3) GPBO (ગ્લોબલ પાટીદાર બિઝનેસ ઓર્ગેનાઇઝેશન)- 10 હજાર પ્રથમ હરોળના બિઝનેસમેનોનું સંગઠન બનાવવું.જે પરસ્પર એકબીજાને ઉપયોગી થઈ વેપાર-ઉદ્યોગ કરી શકે.

4) GPBS (ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટ)- બિઝનેસમેનો પોતાની પ્રોડક્ટનું બ્રાન્ડિંગ- માર્કેટિંગ-લોન્ચિંગ કરી શકે તે માટેનું પ્લેટફોર્મ પૂરું પાડવું.જેમાં 2018 સમિટ મહાત્મા મંદિર ગાંધીનગર ખાતે, 2020 હેલિપેડ ગ્રાઉન્ડ ગાંધીનગર ખાતે કરવામાં આવી હતી.જ્યારે આગામી સમિટ 2022-સુરત ખાતે, 2024-રાજકોટ ખાતે અને 2026 અમેરીકામાં યોજવામાં આવશે.

5) યુવા તેજ-તેજસ્વીની- જેમાં હાલ 1 લાખ જેટલી રાષ્ટ્રવાદી વિચારો ધરાવતી યુવાશક્તિ જોડાઈ ચુકી છે.
સરદારધામ સંસ્થાના પહેલા લક્ષ્યબિંદુ અંતર્ગત ભાવનગર ખાતે 100 કરોડના ખર્ચે 1000 દીકરાઓ માટે બિલ્ડીંગ નિર્માણનું કાર્ય ટૂંક સમયમાં શરૂ થશે,વડોદરામાં પણ 100 કરોડના ખર્ચે 1000 દીકરા-દીકરીઓ માટે હોસ્ટેલ પ્રોજેક્ટનું કામ શરૂ થઈ ગયેલ છે.જે આગામી વર્ષમાં પૂર્ણ થશે.એવી જ રીતે અમદાવાદ ખાતે 200 કરોડનો પ્રોજેકટ 1600 દીકરા-દીકરીઓ માટે લોકાર્પણ માટે તૈયાર છે.ઉપરાંત તેની બાજુમાં 2500 દીકરીઓના છાત્રાલય માટેની જમીનની ખરીદી કરી લેવામાં આવી છે.ટૂંક સમયમાં તેનું ભૂમિપૂજન કરવામાં આવશે.આગામી આયોજન રૂપે રાજકોટ,મુંબઈ તેમજ સુરત ખાતે પણ સરદારધામ નિર્માણાધીન થશે.એવી જ રીતે સરદારધામ સંસ્થા પાટીદારના દીકરા-દીકરીઓ માટે ભુજ ખાતે તેમજ UPSCના વિદ્યાર્થીઓ માટે દેશના પાટનગર દીલ્હી ખાતે પણ સિવિલ સર્વિસ તાલીમ સેન્ટર ઉભું કરવા જઇ રહ્યાં છે.

એક સંસ્થા માટે એકસાથે ખૂબ જ ટૂંકા સમયમાં આટલા મોટા આયોજનો સૌને નવાઈ પમાડે તેવા છે.પણ જ્યાં ચાહ છે ત્યાં રાહ પણ છે એ યુક્તિ મુજબ સંસ્થા એક પછી એક સફળતાનાં આયામો સર કરીને ખૂબ ટૂંકા એક આગવી ઓળખ મેળવવામાં સફળ થઈ છે.સરદારધામના અમદાવાદ ખાતેના ભવનને જોઈને અભિભૂત થઇ જવાય અને અદ્દભૂત જેવા ઉદગાર નીકળે તેવા ભવનની વિશેષતાઓ અને સુવિધાઓ અંગે જણાવવી એ એક અનેરો લ્હાવો છે.

સરદારધામની ભવ્ય 13 માળની બિલ્ડીંગ પર શાનથી લહેરાતો 50 ફુટ ઉંચો તિરંગાના દુરથી પણ નિહાળી શકાય છે. સરદાર પટેલ રીંગ રોડ પર આવેલા ભવનના એન્ટ્રી ગેટમાં પ્રવેશતા જ ભારતની આન-બાન અને શાન એવાં લોખંડી પુરૂષ સરદાર સાહેબની વિશ્વની બીજી ઉંચાઇ ધરાવતી 50 ફુટની પ્રતિમા,5 સ્ટાર હોટેલ કે મોટા કોર્પોરેટ હાઉસ જેવુ ભવ્ય સ્વાગત કક્ષ,તેની ભવ્યતામાં વધારો કરતી હાઇટેક મોટી સાઇઝની LED લાઈટ,સ્વાગત કક્ષમાં દાતાશ્રીઓના નામની તકતીઓ સાથે ખુબ સુંદર રીસેપ્સન એરીયા આવેલ છે.સમગ્ર બીલ્ડીંગમાં આવેલી સુવિધાનું કે શબ્દોમાં વર્ણન કરવું અશ્કય છે.UPSC- GPSC (સિવિલ સર્વિસ કેન્દ્ર)ના વિદ્યાર્થીઓ માટે 950 સીટની 5000 વીડીયો ને 10000 બુક્સ ઇન્સ્ટોલ કરેલી ઇ-લાયબ્રેરી,ફીઝીકલ 10 હજાર બુક્સ સાથેનું વાંચનાલય,વિદ્યાર્થીઓ માટે 4 ડીસ્કશન રૂમ,મોક ઇન્ટરવ્યૂ માટે વિદ્યાર્થીઓને તૈયાર કરવા માટેના 2 ઇન્ટરવ્યૂ રૂમ,કન્યા અને કુમાર બંને મળીને 700 વિદ્યાર્થીઓ એકસાથે ભોજન લઈ શકે તેવો ડાઇનીંગ એરીયા,હાઇટેક ઇન્ડકશન આધારિત દોઢ કરોડનો કીચન એરીયા,કન્યા-કુમાર માટે અલગ-અલગ જીમ,હેલ્થકેર સેન્ટર,કાફેટેરીયા,સ્ટુડન્ટ કાઉન્સલીંગ સેન્ટર,વિદેશ અભ્યાસ તાલીમ કેન્દ્ર, 100 વિદ્યાર્થીઓ એકસાથે બેસી શકે તેવા અદ્યતન ટેકનોલોજી ધરાવતા 4 ઇ-ક્લાસરૂમ,દીકરા- દીકરીઓ માટેના દરેક રૂમમાં ચાર વિદ્યાર્થી આરામથી ઘર જેવી સગવડ ભોગવી શકે તેવી વ્યવસ્થા વાળા 400 રૂમ તેમજ 1000થી પણ વધારે વ્યક્તિઓ એકસાથે કાર્યક્રમ માણી શકે તેવાં 2 હોલની વ્યવસ્થા કરવામાં આવી છે.450 લોકો બેસી શકે તેવું અદ્યતન સ્ટેજ તેમજ લેડીઝ-જેન્ટ્સ માટેના ગ્રીન રૂમ સાથેનું ઓડીટોરીયમ,ઉદ્યોગ સાહસિકો માટે GPBOનો વિશાળ હોલ,GPBO સેન્ટરમાં 80 લોકો બેસી શકે તેવો હોલ,પી2પી મીટીંગ ચેમ્બર,GPBO-GPBS કાર્યાલય,યુવા તેજ-તેજસ્વીની કાર્યાલય,ઉદ્યોગ તાલીમ કેન્દ્ર હોલની પણ સગવડ છે.ઉપરાંત 60 થી 70 તેમજ 15 થી 20 લોકોની મિટિંગ થઈ શકે તે માટેના 2 કોન્ફરન્સ હોલ,10 થી 12 વી.આઇ.પી. બેસી શકે તે માટે વી.આઇ.પી. લૉન્જ પણ છે.આ બીલ્ડીંગમાં ગુજરાતમાં પ્રથમ વખત મુકાયેલા સોલર પ્લાન્ટની પણ વ્યવસ્થા છે.13 માળના બીલ્ડીંગમાં 11 તો લીફ્ટ છે.ટ્રસ્ટીશ્રી વિશ્રામગૃહ નામકરણ ધરાવતા 50 રૂમ દાતાશ્રીઓ માટે ફાળવેલ છે.

હાલ જ્યારે કોરોના કાળની પરિસ્થિતીમાં આ ભવનનું ફીઝીકલી લોકાર્પણ સંભવ નથી એવા વિકટ સમયે પણ હજારોની સંખ્યામાં અલગ અલગ ઝોનવાઇઝ,તાલુકાવાઇઝ,જિલ્લાવાઇઝ અલગ અલગ ઇન્ડસ્ટ્રીઝના લોકો સરકારની કોરોના ગાઇડ લાઇનને અનુસરીને દર રવિવારે સરદારધામની વિઝીટ લઈ રહ્યાં છે.માત્ર પાટીદાર જ નહી પણ અન્ય વિવિધ સંસ્થાઓ અને ઇન્સ્ટીટ્યુટના લોકો પણ પાટીદાર સમાજના આ કીંમતી આભુષણ સમાન ભવનની મુલાકાત લઈ અભિભુત થઈ રહ્યા છે.

સરદારધામની વિશેષતાની સાથે તેમની એક આગવી ઉદારતા તેને અન્ય સંસ્થાઓથી અલગ પાડે છે.સરદારધામમાં રહેતી તમામ દીકરીઓ માટે રહેવા- જમવા- તાલીમ- માર્ગદર્શનની વ્યવસ્થા માત્ર 1 રૂપિયાના ટોકન દરથી આપવામાં આવે છે.જ્યારે દીકરાઓ માટે ત્રણ યોજનાઓ છે.જેમા જે વિદ્યાર્થીના વાલીની આવક 2 લાખથી વધુ હોય તેની ફી 20 હજાર,જે વાલીની આવક 2 લાખથી ઓછી હોય તેની ફી 10 હજાર અને જે વિદ્યાર્થીના વાલીની આવક 1 લાખથી ઓછી હોય અને દીકરો તેજસ્વી હોયતો તેને પણ 1 રૂપિયાના ટોકનદરથી પ્રવેશ અપાય છે.આવી દિલદારી અને ખુમારી તો એક પાટીદારની સંસ્થામાં જ હોઈ શકે.હકીકતમાં તો દરેક વિદ્યાર્થી દીઠ સંસ્થાને વાર્ષિક રૂપિયા 51000નો ખર્ચ થાય છે.સંસ્થાની આવી જીંદાદિલી અને ખુમારી સામે પાટીદાર તરીકે આપણી પણ ફરજ છે કે આવી સંસ્થાઓ સારી રીતે કામ કરી શકે તે માટે તેમાં તન-મન-ધનથી ઉપયોગી થઈ તેને પીઠબળ પૂરું પાડીએ અને ખોટા રીત-રિવાજોમાંથી પૈસા બચાવીને જીવતા જાગતા આ વિદ્યાના મંદિરમાં રોકાણ કરીયે જ્યાં આપણી ભાવિ પેઢીના ભવિષ્યનું નિર્માણ થઇ રહ્યું છે.આવી સંસ્થાઓની વાત છેવાડાના લોકો સુધી પહોંચી શકે તેમજ મહત્તમ લોકો તેનો લાભ લઇ શકે તે ઉદ્દેશથી આ લેખ લખવા હું પ્રેરિત થયો છું. ખરેખર કહું તો આ ભવ્ય ભવનની મુલાકાત લઈને માત્ર આ ખૂબીઓ જાણવાની નહી પણ સમજવાની અને માણવાની મજા લેવા જેવી છે. આપ પણ મિત્રમંડળ,વેપારી મંડળ સાથે સરદારધામની મુલાકાત લઈ ગુજરાતની અજાયબીઓમાંથી એક નવતર અજાયબી સમાન સરદારધામને જોવાનો અલૌકિક આનંદ મેળવી શકો છો.