આગામી દીવસોમાં લગ્નસરાની સિઝન અને યુરોપ-અમેરીકામાં વેકેશનના પગલે એનઆરઆઈની ઘરાકીને ધ્યાનમાં રાખીને સુરત જ્વેલરી મેન્યુફેક્ચરર્સ એસોસિયેશન (SJMA)એ 27થી 29 નવેમ્બર દરમિયાન સરસાણા ખાતે ત્રિ દીવસીય જેમ એન્ડ જ્વેલરી એક્ઝિબિશનનું આયોજન કરી મોકા પર ચોકો માર્યો છે.જ્વેલરીના ક્ષેત્રમાં બ્રાન્ડ સુરતને વૈશ્વિક સ્તરે પ્રસ્થાપિત કરવાની સાથે ઉભરતા જ્વેલરી ડીઝાઇનર્સને પ્લેટફોર્મ આપવાનો પણ સુરત જ્વેલરી મેન્યુફેક્ચરર્સ એસોસિયેશન દ્વારા એક ઉમદા અને સરાહનિય પ્રયાસ કરવામાં આવનાર છે.
DIAMOND TIMES – બ્રાન્ડ સુરતને વૈશ્વિક સ્તરે પ્રમોટ કરવા તેમજ સુરતના જ્વેલરી મેન્યુફેક્ચર્સને પ્રોત્સાહન આપવાના ઉમદા આશય સાથે સુરત જ્વેલરી મેન્યુફેક્ચરર્સ એસોસિયેશન (SJMA) દ્વારા 27 થી 29 નવેમ્બર દરમિયાન સરસાણા ખાતે જેમ એન્ડ જ્વેલરી એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવ્યુ છે.જેમાં સુરતની 77 જ્વેલરી ઉત્પાદક કંપની સહિત મુંબઈ ના 28 મશીનરીના ઉત્પાદકો ભાગ લેવાના છે.આ એક્ઝિબિશનમાં ઉભરતા જ્વેલરી ડીઝાઇનર્સને પ્લેટફોર્મ આપવાનો પણ પ્રયાસ કરવામાં આવનાર છે.
આ પ્રદર્શનમાં હોંગકોંગ,લંડન,અમેરિકા,દિલ્હી,મુંબઈ,અમદાવાદ,બેંગલોર,ચેન્નાઈ,કલકત્તા,હેદ્રાબાદ,જયપુર સહિત દેશ-વિદેશના 8000થી વધારે ખરીદદારો મુલાકાત લે તેવી સંભાવનાઓ છે.એક્ઝિબીશનમાં હિપોપ જ્વેલરી,સોના અને હીરામાંથી તૈયાર કરાવમાં આવેલી પેન, ઘડિયાળ સહિતની વસ્તુઓ પણ ડિસપ્લે કરવામાં આવશે. જેમાં ખાસ કરીને નેચરલ ડાયમંડ સ્ટેડ છત્રી આકર્ષણનું કેન્દ્ર બનશે.જેમાં 175 કેરેટ વજનના 12 હજાર નંગ નેચરલ ડાયમંડ અને 450 ગ્રામ સોનાનો ઉપયોગ કરવામાં આવ્યો છે.
એક્ઝિબીશન સાથે જોડાયેલા ડો.સ્નેહલ પટેલે કહ્યુ કે જ્વેલરી શો માં લેબગ્રોન ડાયમંડ જ્વેલરી અને લુઝ ડાયમંડ પણ ડિસપ્લે કરાશે.વિદેશમાં લેબગ્રોન ડાયમંડની માગ ઝડપથી વધી રહી છે.એપ્રિલથી ઓક્ટોબરમાં દરમિયાન લેબગ્રોન હીરાની નિકાસમાં 188 ટકાનો તો લેબગ્રોન હીરા જડીત જ્વેલરીની માંગમા 60 ટકાનો ઉછાળો આવ્યો છે .પ્રદર્શનમાં લેબગ્રોન અને નેચરલ ડાયમંડ જ્વેલરી બનાવવાની મશીનરી પણ પ્રદર્શિત કરાશે.
જ્વેલરી મેન્યુ. એસો.ના પ્રમુખ જયંતી સાવલિયાએ જણાવ્યુ કે સુરત હવે જ્વેલરી મેન્યુફેચરિંગ સિટી પણ ગણાશે. વર્તમાન સમયમાં સુરતમાં 450 જેટલી જ્વેલરી કંપનીઓ છે.મોટાભાગની કંપનીઓનું ટર્નઓવર 1કરોડથી લઈને 3000 કરોડ સુધીનું છે.70 જેટલી કંપનીઓતો પાછલા 6 મહિનામાં જ કાર્યરત થઈ છે.બે વર્ષમાં જ્વેલર્સનું ટર્નઓવર બમણું થયું છે.હજુ પણ સુરતમાં ઘણી નવી જ્વેલરી મેન્યુફેક્ચરિંગ કંપનીઓ સ્થપાઈ રહી છે.બુર્સ કાર્યરત થતાં કંપનીઓનો આંક ઝડપથી વધે તેવી આશા છે.
જેમ એન્ડ જ્વેલરી એક્ઝિબિશનમાં ઉભરતા જ્વેલરી ડીઝાઇનર્સને પ્લેટફોર્મ આપવાનો અમારો નમ્ર પ્રયાસ : અલ્પેશભાઈ સુતરીયા
સુરત જ્વેલરી મેન્યુફેક્ચરર્સ એસોસિયેશન(SJMA)ના કમિટી મેમ્બર્સ અલ્પેશભાઈ સુતરીયાએ માહીતી આપતા કહ્યુ કે જ્વેલરીના ક્ષેત્રમાં બ્રાન્ડ જ્વેલરીને વૈશ્વિક સ્તરે પ્રસ્થાપિત કરતા દરેક પાસાને આવરી લેવામાં આવ્યા છે.જ્વેલરીના ક્ષેત્રમાં જ્વેલરી ડીઝાઈનર્સનું પણ મહત્વનું યોગદાન હોય છે.જેને ધ્યાનમાં રાખીને ઉભરતા જ્વેલરી ડીઝાઇનર્સને પ્રોત્સાહન આપવા ખાસ કોમ્પિટીશન રાખવામાં આવી છે.જેને બે વિભાગમાં વહેંચવામાં આવી છે.
પ્રથમ વિભાગમાં એક્ઝીબિશનમાં ભાગ લેનાર દરેક કંપની દ્વારા પ્રદર્શનમાં મુકવામાં આવનારા દાગીનાને આ સ્પર્ધામાં આવરી લેવામા આવ્યા છે.જેમાથી ઉત્તમ ડીઝાઈન ધરાવતા દાગીનાની પસંદગી કરી એક થી ત્રણ ક્રમાકે આવનાર આભુષણને ડીઝાઇન કરનાર ડીઝાઈનર્સને ઇનામ આપીને પ્રોત્સાહીત કરવામાં આવશે.બીજા વિભાગમાં સ્વતંત્ર રીતે કે પછી વિવિધ ઇન્સ્ટિટ્યૂટમાં તાલિમ લેતા ડીઝાઈનર્સ પાસેથી એન્ટ્રી મંગાવવામાં આવશે.જે પૈકી વિજેતા ડીઝઈનર્સને પણ ઇનામ આપીને પ્રોત્સાહીત કરવામાં આવશે.