કોરોના કાળમાં રોકડની જરૂરીયાત માટે ગુજરાતીઓએ 28 ટન સોનુ વેચી નાખ્યું

DIAMOND TIMES – કોરોના કાળમાં મેડિકલ તેમજ અન્ય ખર્ચને પહોંચી વળવા અત્યાર સુધીમાં ગુજરાતીઓએ 28 ટન સોનું વેચી નાખ્યું હોવાનો અંદાજ દર્શાવવામાં આવ્યો છે.વર્લ્ડ ગોલ્ડ કાઉન્સીલ દ્વારા એવો અંદાજ મુકવામાં આવ્યો છે કે કોરોનાકાળની શરૂઆત થઈ તે એપ્રિલ-2020 થી ડિસેમ્બર-2021 સુધીના પોણા બે વર્ષના સમય ગાળા માં ભારતમાં 142 ટન સોનુ રીસાયકલ્ડ થયું હતું.તેમાંથી ગુજરાતનો હિસ્સો ઓછામાં ઓછો 20 ટકા છે.

નિષ્ણાતોના કહેવા પ્રમાણે જૂન 2021થી કોરોના હળવો થયા બાદ વેપાર ધંધામાં રિકવરી આવી હોવા છતાં દરેક ક્ષેત્રો ને પર્યાપ્ત લાભ થયો નથી.અમુક ક્ષેત્રમાં કમાણી ધૂમ થવા લાગી હતી.પરંતુ બાકીના અમુક વર્ગોને આજીવિકા-જીવન નિર્વાહ માટે ઝઝુમવાનો જ વખત યથાવત રહ્યો છે.

ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશનના ડાયરેકટર હરેશ આચાર્યએ કહ્યું કે કોરોના ગત વર્ષે હળવો થયા બાદ આઈટી-ઈકોમર્સ જેવા ક્ષેત્રોમાં સારી રિકવરી આવી ગઈ હતી પરતું કેટલાક ઉત્પાદન ક્ષેત્રોમાં કોઈ મોટી રિકવરી શકય બની ન હતી.દુકાનને તાળા મારી દેનારા નાના વેપારીઓ ફરી બેઠા થઈ શકયા નથી.

આવકના વૈકલ્પિક માર્ગ શોધવા પડયા હતા અને તેને હજુ અગાઉ જેવી કમાણી નથી. ઘરખર્ચ કે જૂના દેણાને પહોંચી વળવા કે તબીબી તથા અન્ય ખર્ચ માટે મોટી સંખ્યામાં લોકોએ સોનું વેચવું પડયું હતું. જાણકારોના કહેવા પ્રમાણે ખાસ કરીને બીજી લહેરમાં અનેક પરિવારોએ ઘરના આધારસ્તંભ જ ગુમાવી દીધા હતા.

કમાનાર વ્યક્તિ કોઈ રહ્યા ન હોવાથી ગુજરાન ચલાવવા માટે પણ સોનુ વેચવાની ફરજ પડી હતી. વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલ ના રિપોર્ટ પ્રમાણે વર્ષ 2020 કરતા 2021માં 15 ટકા ઓછું સોનુ રિસાયકલ થયું હતું. ચાલુ વર્ષના ત્રિમાસિક ગાળામાં રિસાયકલ સોનામાં 12 ટકાનો ઘટાડો હતો.

મહામારી દરમિયાન સોનાના રિસાયકલમાં 15 ટકાની મોટી વૃધ્ધિ હતી.કારણ કે રોકડ મેળવવા લોકોએ સોનુ વેચ્યું હતું. હવે છેલ્લા છ મહિનાથી તેમાં ઘટાડો થવા લાગ્યો છે. રસપ્રદ વાત એ છે કે 2021-22ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં સોનાના રિસાયકલમાં 33 ટકાની વૃધ્ધિ થઈ હતી.

સોનાના રિસાયકલનો ખર્ચ લોકોએ સોનુ વેચી દીધાનો થાય છે.ઉપરાંત સોના સામે લોન લઈને નાણાકીય જરૂરિયાત પૂર્ણ કરનારાની સંખ્યા પણ મોટી છે.ગોલ્ડ લોનમાં પણ મોટી વૃધ્ધિ થઈ હતી.અનેક બેન્કોએ પણ ખાસ ગોલ્ડ લોન શરૂ કરીને લોકોની જરૂરિયાત સંતોષી હતી.