ડીટીસીએ ફ્લેકસિબલ અભિગમ અપનાવી જુન મહીનાની સાઈટમાં રફનો જથ્થો ઘટાડી દીધો

975

DIAMOND TIMES : યુક્રેન-રશિયા કટોકટી તથા અન્ય કેટલાક નકારાત્મક પરીબળોના પગલે વર્તમાન સમયે પોલિશ્ડ હીરાની વૈશ્વિક માંગ ધીમી પડી છે. આ ઉપરાંત રફ હીરાની ઉંચી કિંમતોની તુલનાએ પોલિશ્ડ હીરાના યોગ્ય કિંમતો પણ મળી રહી નથી. આવી પરિસ્થિતિના પગલે વૈશ્વિક હીરા ઉદ્યોગનું કેન્દ્ર ગણાતા સુરતની હીરા મેન્યુફેકચરીંગ કંપનીઓ દ્વારા ઉત્પાદન કાપ મુકવામાં આવ્યો છે. જેથી રફ હીરાની માંગ પણ ઘટી છે.

ઉપરોક્ત પ્રતિકુળ પરિસ્થિતિને પારખી વિશ્વની સહુથી મોટી રફ ઉત્પાદક કંપની ડીટીસીએ પણ તેના સાઈટ હોલ્ડર્સ પ્રત્યે લવચિક અભિગમ અપનાવ્યો છે. અહેવાલ મુજબ ડીટીસીએ જુન મહીનાની તેની પાંચમી સાઈટમાં રફ હીરાનો જથ્થો ઘટાડી અડધો કરી દીધો છે. હાલ હીરા ઉદ્યોગમાં જે પરિસ્થિતિ છે, તેને ધ્યાને રાખી રફ હીરાની કિમત સ્થિર રહેશે તેવી સુરતના હીરા ઉદ્યોગકારોમાં ધારણા હતી એ સાચી પડી છે.

મળતા અહેવાલ મુજબ મોટાભાગની રફ ક્વોલિટીમાં કિમત સ્થિર રહી હતી. હીરા ઉદ્યોગમાં પોલિશ્ડ હીરાની ડિમાન્ડ ધીમી રહેતા ઉદ્યોગકારો રફ હીરાની ખરીદી કરવાનું ટાળી રહ્યા છે. હાલ વિદેશોમાં કટ અને પોલિશ્ડ હીરાની ડિમાન્ડ નહીં હોવાથી સ્થાનિક હીરા ઉદ્યોગકારોએ ઉત્પાદન કાપ મુક્યો છે અને વેકેશન રાખ્યુ છે.

વૈશ્વિક હીરા ઉદ્યોગની ગતિવિધી શાંત છે : ડીબિયર્સના ચીફ એક્ઝિક્યુટિવ અલકૂક 

ડીટીસીની પેરેન્ટ્સ કંપની એંગ્લોઅમેરિકને જારી કરીલા આંકડાઓ અનુસાર ડીટીસીએ વર્ષ 2023 ની ચોથી સાઈટમાં 480 મિલિયન યુએસ ડોલરના રફ હીરાનું જ્યારે ત્રીજી સાઈટમાં 542 મિલિયન યુએસ ડોલરના રફ હીરાનું વેચાણ કર્યુ હતુ.

ડીબિયર્સના ચીફ એક્ઝિક્યુટિવ અલ કૂકે જણાવ્યું હતું કે વર્ષ 2023 ની ચોથી સાઈટમાં રફ હીરાના વેચાણમાં અગાઉ વર્ષના સમયગાળાની તુલનાએ ઘટાડો જોવા મળ્યો હતો. કારણ કે વૈશ્વિક હીરા ઉદ્યોગ પરંપરાગત રીતે સિઝનલ શાંત સમયગાળામાં પ્રવેશી ચૂક્યો છે. હાલ ચાલતી મેક્રોઇકોનોમિક અનિશ્ચિતતા અને વ્યાપક રીતે અપેક્ષિત કરતાં ચીન તરફથી ઉપભોક્તા માંગમાં રિકવરીની ધીમી ગતિથી રફ ડાયમંડની માંગ પણ પ્રભાવિત થઈ છે.