ડો. સ્નેહલ પટેલનો સુરતીઓને પ્રેરક સંદેશ : કોરોના વોરિયર્સને સહકાર આપવાની કરી સંવેદનશીલ અપીલ

1387

DIAMOND TIMES –  લેબગ્રોન હીરાના ઉત્પાદનમાં શિરમોર કંપની દિયોરા એન્ડ ભંડેરીના CEO અને સુરત સ્થિત મલ્ટી સ્પેશિયાલિસ્ટ કીરણ હોસ્પીટલનું સફળતા પુર્વક સંચાલન સંભાળી ચુકેલા ડો. સ્નેહલ પટેલ (ડુંગરાણી) એ કોરોના સામે મજબુતીથી લડાઈ આપવા સોસિયલ મિડીયાના માધ્યમથી સુરતીઓને પ્રેરક સંદેશ આપ્યો છે. આ સંવેદનશીલ સંદેશમાં સ્નેહલ પટેલે કહ્યુ છે કે વર્તમાન સમયની અત્યંત વિકટ પરિસ્થિતિમાં કોરોના સામેના જંગમા સેનાપતિ એવા કોરોના વોરિયર્સને તમામ પ્રકારનો સહકાર આપવાની ખાસ આવશ્યકતા છે.

 સ્નેહલ પટેલે સુરતીઓને આપેલો પ્રેરક અને લાગણી સભર સંદેશ તેમના જ શબ્દોમાં વાંચો …

કોરોના વાઇરસની આ ફરી આવેલી અતિ ભયંકર પરિસ્થિતી વચ્ચે સુરત શહેરની દરેક નાની મોટી હોસ્પિટલો ફુલ છે.દરેક લોકો પાસે બેડ અને વેંટીલેટરની વ્યવસ્થાના 2 મુખ્ય વિકટ પ્રશ્નો છે. ત્યારે સૌ સાથે મળીને આ પરિસ્થિતીનો સામનો કરીએ અને આ વિકટ મહામારીમાથી હેમખેમ બહાર આવીએ એવી પ્રભુને પ્રાર્થના કરૂ છુ…

મને વ્યક્તિગત રીતે રોજ દર કલાકે 10 થી 20 અને દિવસ દરમિયાન લગભગ 200 જેટલા ફોન આવે છે,જેનાથી ચિંતા અને માનસિક તાણનો અનુભવ થાય છે.આવી સમસ્યાની વચ્ચે મારાથી કદાચ કોઈના ફોન રિસીવ ન થાય કે 2 વિકટ પ્રશ્નોમાં કોઈ મદદ ના કરી શકુ તો મને માફ કરશો એવી અપેક્ષા રાખુ છુ…

મારી સુરત શહેરની જનતાને નમ્ર અપીલ છે કે ઇમરજન્સી સિવાય ડૉક્ટર્સને ફોન કરવાનું ટાળવુ જોઇએ,કોઇ સામાન્ય તકલીફ હોય તો ડોકટર્સને ડિસ્ટર્બ નહી કરવા મારી વિનંતી છે.જો જરૂર જણાઈ તો આપના ફેમિલી ડોકટર્સને વોટ્સપ પર મેસેજ કરવો જોઇએ. જેથી ડોકટર્સ ડીસ્ટર્બ થયા વગર તેમના અનુકુળ કે ફૂરસદના સમયે તમને તમારા મેસેજનો જવાબ આપી આપની સમસ્યાનું નિરાકરણ લાવી શકે. આમ કરવાથી ડોકટર્સનો અત્યંત કીંમતિ સમય બચી જશે.

વર્તમાન સમયે કોરોના મહામારી સામે જંગ લડતા આપણા કોરોના વોરિયર્સને સાથ અને સહકાર આપવાની જરૂર છે. કોઈપણ યુદ્ધ જીતવા સેનાપતિ મજબૂત હોવો જોઈએ.આપણે એટલે કે પબ્લિક અત્યારે સૈનિકોની ભુમિકામા છીએ, જ્યારે ડૉક્ટર્સ અને પેરા મેડિકલ સ્ટાફ આ જંગમા આપણા સેનાપતિ છે. ત્યારે સેનાપતિને મજબૂત રહેવા દેવાની આપ સૌ મિત્રોને મારી ફરી ફરીને અપીલ છે.મને વિશ્વાસ છે કે આપણે સૌ કોરોના સામેનો આ જંગ જીતી ને જ રહીશું …