રત્નકલાકારો સાથે રફ હીરાની શોર્ટેજની ડબલ સમસ્યાથી ઉદ્યોગકારો પરેશાન

624
સમયસર ઓર્ડર પુરા નહી થાય તો ઓર્ડર રદ થવાની ભીતી વચ્ચે ઉંચા ભાવે પણ રફ હીરાની ખરીદી કરવાની સુરતના હીરા ઉદ્યોગકારોની મજબુરી

DIAMOND TIMES – હીરા ઉદ્યોગકારો મંદીમાથી બહાર આવતાની સાથે જ સામે મોટી બે સમસ્યાઓ વિકરાળ બનીને ઉભી છે.સુરતના હીરા ઉદ્યોગકારો વર્તમાન સમયે રફ ડાયમંડ અને રત્નકલાકારોની શોર્ટેજને લીધે પરેશાન છે.ભારતમાં ડોમેસ્ટિક માર્કેટ સાથે અમેરિકા,યુરોપ, હોંગકોગમાં ડાયમંડ જ્વેલરીની ડિમાન્ડ છે.પરંતુ કોરોનાને લીધે રફ હીરાની ખાણમાં હીરાનું ઉત્પાદન ઘટતા સ્થાનિક બજારમાં રફ ડાયમંડની શોર્ટેજ વર્તાઇ રહી છે.પરિણામે રત્નકલાકારો અને રફ ડાયમંડ શોર્ટેજને લીધે ઉદ્યોગકારો મુંઝાઇ રહ્યા છે. વળી વિદેશમાથી મળેલા ઓર્ડર જો સમયસર પુર્ણ નહી થાય રદ થવાની ઉદ્યોગકારોને ભીતી છે.આ પ્રકારની પરિસ્થિતિ વચ્ચે ઉદ્યોગકારો રફ હીરાની ઉંચાભાવે પણ ખરીદી કરવા મજબુર બન્યા છે.

હીરા ઉદ્યોગના સુત્રો પાસેથી જાણવા મળેલી માહિતી મુજબ હીરા ઉદ્યોગમાં લોકડાઉનને લીધે દોઢ મહીના સુઘી બંધ રહ્યા બાદ કટ અને પોલિશ્ડ હીરાની સારી ડિમાન્ડ રહી હતી.જેથી હીરા ઉદ્યોગકારોએ લોકડાઉન પહેલા તૈયાર કરેલા તમામ ડાયમંડ વેચાઇ ગયા છે.હાલ હીરા ઉદ્યોગકારો પાસે તૈયાર હીરાનો સ્ટોક નથી.તેમને કટ અને પોલિશ્ડ હીરાના ઓર્ડર તો મળી રહ્યા છે પરંતુ રફ હીરાની શોર્ટેજ હોવાથી ઉદ્યોગકારો 5 થી 10 ટકા પ્રિમિયમ કિમતે પણ રફ હીરાની ખરીદી કરવા મજબુર બન્યા છે.કોરોનાને લીધે કેટલીક જાણીતી માઇન્સમાં પણ સંક્રમણના ભયે ઉત્પાદન સહિતની ગતિવિધિઓ પર બ્રેક લાગી હતી.જેને લીધે રફની શોર્ટેજ ઉદભવી છે.

રત્નકલાકારોની ખેંચ વર્તાતા કેટલાક ઉદ્યોગકારોએ બે પાળીમાં કામ શરૂ કર્યુ છે. : નિલેશ ડોબરીયા

હીરા ઉદ્યોગકાર નિલેશ ડોબરીયાએ કહ્યુ કે અમેરિકા અને યુરોપના દેશોમાં કોરોનાની અસર ઘટતા હવે ત્યાં લગ્ન સિઝન શરૂ થઈ છે.જેથી ડાયમંડ જ્વેલરીની સારી ડિમાન્ડ છે.જેને પગલે સુરત અને મુંબઇના હીરા ઉદ્યોગકારોને મોટા પ્રમાણમાં ઓર્ડર મળી રહ્યા છે.પરંતુ સુરતમાં લોકડાઉનને લીધે કેટલાક રત્નકલાકારો વતન ઉપડી ગયા છે કે જેઓ અત્યાર સુધી પરત આવ્યા નથી.બીજી બાજુ રફ ડાયમંડની પણ ખેંચ વર્તાઇ રહી છે.જો પરિસ્થિતિ નહીં સુધરે તો જે ઓર્ડર મળ્યા છે તેને સમયસર પુર્ણ કરવામાં મુશ્કેલી ઉભી થશે.રત્નકલાકારોની ખેંચ વર્તાતા કેટલાક ઉદ્યોગકારોએ બે પાળીમાં કામ શરૂ કર્યુ છે.પરંતુ રફ ડાયમંડની શોર્ટેજ દૂર થવી જરૂરી છે.