DIAMOND TIMES : પશ્ચિમ ઑસ્ટ્રેલિયામાં હીરાની ખાણ ધરાવતી રફ કંપની રીયોટીન્ટો દ્વારા ઈચ્છાપોર સ્થિત જીજેઈપીસી દ્વારા નિર્મિત ડાયટ્રેડ સેન્ટરમાં પ્રથમ વખત અંદાજીત 300 કરોડના 2.50 લાખ કેરેટ રફ હીરાના પ્રદર્શનની પ્રક્રીયા ચાલી રહી છે. જો કે સુરતના કારખાનેદારો તરફથી રફ હીરાની ધીમી માંગના અહેવાલો વચ્ચે રીયોટીન્ટો દ્વારા રફ હીરાના વ્યૂઇંગની પ્રક્રીયાની સાથે ડીબિયર્સ દ્વારા જુન મહીનાની પાંચમી સાઈટ ની પણ જાહેરાત કરવામાં આવી છે.
સુરતમાં રફ હીરાની માંગ ધીમી હોવાના અહેવાલ વચ્ચે રિયોટીન્ટો દ્વારા આયોજીત રફ હીરાની વ્યૂઈંગ પ્રક્રીયાને સુરતના સ્થાનિક હીરા ના કારખાનેદારો અને વેપારીઓ તરફથી જંગી પ્રતિસાદ મળી રહ્યો છે. આ અંગે પ્રતિભાવ આપતા હીરા કારખાનેદાર રમેશભાઈ સાવલિયાએ જણાવ્યુ કે પોલિશ્ડ હીરાની માંગ અને કિંમતો ઘટી રહી છે. તેની તુલનાએ રફ હીરાની કિંમતો ઘણી વધારે છે. જેથી હીરા કારખાનેદારોના નફા પર ભારે દબાણ આવ્યુ છે. પોલિશ્ડ હીરાની કિંમતની તુલનાએ કાચામાલ એટલે કે રફ હીરાની કિંમત વચ્ચેની અસંતુલિત સ્થિતિ વચ્ચે કારખાનેદારો વ્યાજબી કિંમતના રફ હીરાની શોધમાં છે. આવા નિર્ણાયક સમયે રફ કંપની રીયોટીન્ટો દ્વારા સુરતમાં રફ હીરાનું વ્યૂઈંગ યોજાતા વેપારીઓનો માલ જોવા ઘસારો વધ્યો છે.
બીજી તરફ જીજેઈપીસીના ભુતપુર્વ રિજિયોનલ ચેરમેન અને સુરત ઈન્ટરનેશનલ ડાયટ્રેડ સેન્ટરના ચેરમેન દિનેશ નાવડિયાએ કહ્યું કે રફ હીરાને નિહાળવા વેપારીઓના ધસારો જોવા મળી રહ્યો છે. એને પગલે તમામ વેપારીઓને પણ સ્થાન આપી શકાય એવી સ્થિતિ ન હોવાનું હાલ લાગી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે મોટી રફ કંપનીઓ દ્વારા સુરતમાં ઘર આંગણે જ રફ હીરાના પ્રદર્શનની પ્રક્રીયા શરૂ થતા સુરતના હીરા વેપારીઓને ઘણો ફાયદો થશે.
દિનેશભાઈએ ઉમેર્યુ કે સુરતના કારખાનેદારોને રફ હીરાની ખરીદી માટે એન્ટવર્પ કે દુબઈના ધક્કા ખાવા ન પડે અને તેમને સુરતમાં જ રફ હીરા ઉપલબ્ધ થાય તેવા ઉદ્દેશ્ય સાથે જીજેઈપીસી દ્વારા ઈચ્છાપોર ખાતે સુરત ઈન્ટરનેશનલ ડાયટ્રેડ સેન્ટર બનાવવામાં આવ્યુ છે. જેમા હવે વિશ્વની મોટી રફ ઉત્પાદક કંપનીઓ દ્વારા રફ હીરાના પ્રદર્શનો શરૂ થઈ ચુક્યાં છે. આગામી સમયમાં હજુ પણ આ પ્રકારના રફ પ્રદર્શનો વધુ માત્રામાં યોજાઈ તેવા પ્રયત્નો છે.
આ પ્રદર્શનમાં વેપારીઓ પ્રથમ તો રફ હીરા નિહાળવા માટે એન્ટ્રી લેવાની હોય છે. ત્યાર બાદ પસંદગી મુજબના રફ હીરાની ખરીદી માટે તેમને કંપની દ્વારા હરાજી અંગેની આઇડી આપવામાં આવતી હોય છે. જેને આધારે હરાજીમાં ભાગ લઈ વેપારીઓએ રફ હીરાની ખરીદી માટે કરેલી ભાવની ઓફર જો વિન થાય તો હીરા તેઓ ખરીદી શકે છે.
સુરતમાં અત્યાર સુધીમાં રફ હીરાના કુલ 8 પ્રદર્શન યોજાઈ ગયા છે. જેમા અંદાજિત 1759 કરોડની અંદાજીત કિંમતના 5,88,000 કેરેટના રફ હીરા પ્રદર્શનમાં મુકવામાં આવ્યા છે જો કે હાલમા રિયોટીન્ટો કંપની દ્વારા સુરત શહેરમાં પહેલીવાર આયોજીત આ 8 મું પ્રદર્શન સહુથી મોટુ છે. જેમા અંદાજિત 300 કરોડની કિંમતના 2.5 લાખ કેરેટ રફ હીરા મુકવામાં આવ્યા છે.