તમે બેંકમાં લોકરની સુવિધા ધરાવો છો? તો આ સમાચાર તમારા માટે છે.

581

DIAMOND TIMES- બેંકમાં આગ,ચોરી, લુંટ કે પછી બેંક કર્મચારી દ્વારા થતી છેતરપીંડી સહીતની ઘટનાઓમાં બેંકને માથે જવાબદારી નિર્ધારીત કરી રિઝર્વ બેંકે લોકર્સને લઈને માર્ગદર્શિકામાં સુધારો કરી બેંક ગ્રાહકને લોકરના વાર્ષિક ભાડાનું 100 ગણુ વળતર ચૂકવવાની જોગવાઈ કરી છે.

લોકર્સ અંગે સંશોધીત દિશા નિર્દેશ એક જાન્યુઆરી- 2022થી અમલી બનશે.હવે પછી લોકરસની સુવિધા ધરાવતી તમામ બેંકોએ લોકર કરારમાં એક જોગવાઈ સામેલ કરવી પડશે.જે અંતર્ગત લોકર ભાડા પર લેનાર ગ્રાહક લોકરમાં ગેરકાનુની કે ખતરનાક સામાન નહીં રાખી શકે.રિઝર્વ બેન્કે જણાવ્યું હતું કે બેન્કિંગ અને ટેકનીકલ ક્ષેત્રોમાં વિભિન્ન ઘટનાક્રમો,ગ્રાહક ફરિયાદની પ્રકૃતિ અને બેન્કો અને ઈન્ડિયન બેન્કસ એસોસીએશન (આઈબીએ) તરફથી ઉપલબ્ધ કરાયેલ જાણકારીના આધાર પર બેન્કો દ્વારા પ્રદાન કરવા માં આવનાર જમા લોકર/સુરક્ષિત રક્ષા સામાન સુવિધાની સમીક્ષા કરી છે.આ સિવાય ઉચ્ચતમ ન્યાયાલયમાં અમિતાભ દાસગુપ્તા વિરુદ્ધ યુનાઈટેડ બેન્ક ઓફ ઈન્ડિયાના કેસના આધારે બહાર આવેલા સિદ્ધાંતોના અનુરૂપ પણ તેની સમીક્ષા કરાઈ છે.

આરબીઆઈએ જણાવ્યું હતું કે સંશોધીત નિર્દેશ નવા અને મોજૂદ સુરક્ષિત જમા લોકરો તથા સુરક્ષિત સામાન સુરક્ષા સુવિધા માટે લાગુ થશે.આ સિવાય બેન્કોએ આઈબીએ દ્વારા તૈયાર કરવામાં આવનાર આદર્શ મોડેલ કરારને પણ અપનાવવા પડશે.ઉપરાંત બેન્કોએ શાખાવાર ખાલી લોકરોની યાદી બનાવવી પડશે.સાથે તેમણે લોકરોની ફાળવણીના ઉદેશથી વેઈટીંગ લિસ્ટની જાણકારી કોર બેન્કીંગ પ્રણાલી કે સાઈબર સુરક્ષા માળખાના પાલન વાળી કોઈ અન્ય કોમ્પ્યુટરાઈઝડ સિસ્ટમમાં નાખવી પડશે. બેન્કોએ લોકરોની ફાળવણીમાં પારદર્શિતા નિશ્ચિત કરવી પડશે. નિર્દેશમાં કહેવામાં આવ્યું છે કે બેન્કોએ લોકર ફાળવણીના બધા આવેદનો માટે પાવતી કે રિસીપ્ટ આપવી પડશે. જો લોકર ઉપલબ્ધ નથી તો બેન્કોએ ગ્રાહકોને વેઈટીંગ લિસ્ટનો નંબર આપવો પડશે.