અંબાણી પરિવારે સૌરાષ્ટ્રના આ ગામમા જંગી જમીન ખરીદી હોવાની ચર્ચા

436

DIAMOND TIMES- જુનાગઢના ભેંસાણના સામતપરા ગામે દેશના સહુથી શ્રીમંત અંબાણી પરિવારે એક હજારથી પણ વધારે વિઘા જમીન ખરીદી હોવાની જોરશોરથી ચર્ચા ચાલી છે.જો આ વાત સત્ય સાબિત થશે તો જુનાગઢ જીલ્લાના ભેંસાણ તાલુકાના લોકોના નસીબ ખૂલી જવાની પુરી સંભાવના દેખાઇ રહી છે.

ભેંસાણ તાલુકાના મહેસૂલ તંત્રમાં ચર્ચાતી વિગતો મુજબ સામતપરા,પાટવડ સહિતના સર્વે નંબરવાળી ખેતીની વિશાળ જગ્યામાં ભારતનું પ્રથમ નંબરનું બિઝનેસ ગ્રુપ સફારી પાર્કનું નિર્માણ કરવા જઇ રહ્યું છે. ભેંસાણ તાલુકાનો આ વિસ્તાર આગામી વર્ષોમાં રાષ્ટ્રીય અભ્યારણ તરીકે ભારત ઉપરાંત સમગ્ર વિશ્વમાં નામના પામે તો પણ નવાઇ નહીં રહે.વહેતી થયેલી ચર્ચા મુજબ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના માલિક મુકેશભાઇ અંબાણી તથા તેમના ધર્મપત્ની શ્રીમતી નિતા અંબાણીએ તાજેતરમાં જ સપરિવાર આ વિસ્તારની મુલાકાત લીધી હતી.તેઓ મુંબઈથી આ વિસ્તારમાં હેલિકોપ્ટ દ્વારા સહજતાથી આવન-જાવન કરી શકે એ માટે આ હેલીપેડ પણ બનાવાયું હોવાનું સૂત્રો કહી રહ્યા છે.આ વિસ્તારમાં અંબાણી પરિવારજનોની આવન જાવન વધી હોવાની વાત વાયુવેગે ફેલાઇ જતા ભેંસાણ તાલુકાના સામતપરા,પાટવડ તથા તેની આજુબાજુના વિસ્તારોમાં જમીનોના ભાવોમાં સળવળાટ થયો છે.એવી પણ ચર્ચા સંભળાઇ રહી છે કે અમરેલી પંથકની એક મોટી પાર્ટી પણ આ વિસ્તારમાં ખેતીની જમીન શોધી રહી છે.જો કે અંબાણી પરિવારની આ મુલાકાતને અનેક લોકો માત્ર શુભેચ્છા મુલાકાત તરીકે ગણાવી સંબંધોના કારણે ફાર્મ હાઉસમાં ફરવા આવ્યા હોવાનું માની રહ્યા છે.

તાલુકાના મહેસુલ વિભાગમાં ચર્ચા છે કે સામતપરાની જે જમીનનો સોદો થયાનું સંભળાઇ રહ્યું છે તે જમીનને લગોગલ પાટવડ ગામ ખાતેની બાબીવંશની ૮૦ વિઘા જમીન આવેલી છે.ભારતના સૌથી શ્રીમંત પરિવાર દ્વારા આ જમીન પણ બાબીવંશના વારસદારો પાસે ઊંચા બજારભાવે માંગવામાં આવી હોવાનું સંભળાઇ રહ્યું છે.પરંતુ હજુ સુધી કોઇ કારણસર આ સોદો પાર ન પડયો હોવાની પણ ચર્ચા છે.

ચર્ચાતી વિગતો મુજબ રીલાયન્સ ગ્રુપ દ્વારા જામનગર જીલ્લામાં ખૂબ મોટા સફારી પાર્કનું નિર્માણ કરવાનું વિચારાધિન છે. પરંતુ સિંહ અને અન્ય જંગલી જાનવરોને જામનગર જીલ્લાનું વાતાવરણ અનુકુળ ન આવે તેવી આશંકા સેવાઈ રહી છે.બીજી તરફ ભેંસાણ તાલુકો સાસણગીર અભ્યારણમા આવતો હોવાથી અહી જો સફારી પાર્કનું નિર્માણ થાય તો પશુ-પક્ષીઓને અહીંનું વાતાવરણ માફક આવી શકે છે.જેને લઈને આ વિસ્તારમાં સફારી પાર્કનું નિર્માણ કરવાની યોજના બનાવી હોઇ તેવી સંભાવનાઓ છે.