ખેડૂતને ખેતરમાંથી કીમતી હીરો મળ્યો,1.2 કરોડ રૂપિયામાં વેચી દીધા હોવાની ચર્ચા
DIAMOND TIMES – આંધ્રપ્રદેશના કુર્નૂલ જિલ્લાના ચિન્ના જોનાનાગિરી વિસ્તારમાં સ્થાનિક ખેડૂતને તેની કૃષિ વાડીમાં 30 કેરેટનો હીરો મળ્યો છે. ખેડુતે હીરાને સ્થાનિક વેપારીને 1.2 કરોડ રૂપિયામાં વેચી દીધો છે. આ સમાચાર સોશલ મીડિયામાં વાયરલ થયા છે. કુર્નૂલના પોલીસે માહિતી આપી કે ખેડૂતને મોટા હીરા મળ્યા હોવાના અહેવાલોની પુષ્ટિ થઈ રહી છે. પોલીસે તપાસ શરૂ કરી હોવાનું તેમણે જણાવ્યું હતું. જોકે, પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, આ વિસ્તારમાં લોકોને કિંમતી પથ્થરો મળવાની ઘટનાઓ સાંભળી ન હતી. એસપીએ જણાવ્યું હતું કે છેલ્લા ઘણા સમયથી ઘણા લોકો કિંમતી પથ્થરોની શોધ માટે જૂનથી નવેમ્બર દરમિયાન કર્નૂલ જિલ્લામાં એકઠા થાય છે.
તેમણે જણાવ્યું હતું કે ચોમાસા પૂર્વેના વરસાદ પછી અથવા પૃથ્વીના ઉપરના સ્તરો ધોવાઇ જાય તે પછી કિંમતી પથ્થરો મળવા માટે આ ક્ષેત્ર પ્રખ્યાત છે. એસપીએ જણાવ્યું હતું કે જોનાનાગિરિ, તુગલી, મડ્ડિકેરા, પેગીદિરાઇ, પેરાવલી, મહાનંદી અને મહાદેવપુરમ ગામોમાં ખેતરોમાંથી વરસાદ બાદ જમીન ધોવાઇ જતા સ્થાનિક લોકો હીરાની શોધ કરે છે. અગાઉ પણ વર્ષ 2019 માં, એક ખેડૂતને 60 લાખ રૂપિયાના હીરા મળ્યા હતા. 2020 માં, બે ગ્રામજનોએ રૂ. 5 થી 6 લાખની કિંમતના બે કિંમતી પથ્થરો શોધી કાઢ્યા હતા અને તેઓને સ્થાનિક વેપારીને અનુક્રમે માત્ર દોઢ લાખ રૂપિયામાં વેચ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે આ ગામના લોકો વરસાદની સીઝનમાં અહીં તેમના પરિવારજનો સાથે હીરાની શોધ કરે છે અને ખેતરોમાંથી પાણી ઉતરી ગયા બાદ કેટલીક વાર લોકોને હીરા મળ્યા હોવાની પણ ચર્ચાઓ સમગ્ર વિસ્તારમાં ચાલી રહી છે