અમેરીકાની માંગ વચ્ચે ચીનના બજારોના સ્થિર ઓર્ડર ફેન્સી માર્કેટને વધુ ગતિ આપી રહ્યા છે.

670

DIAMOND TIMES – વર્તમાન સમયે અમેરીકા સહીત વિશ્વના અન્ય દેશોની સતત માંગ વચ્ચે તૈયાર હીરાની અછતની સમસ્યાથી પોલિશ્ડ હીરાના ભાવમાં મજબુતાઈ છે.પરંતુ જ્યારે તૈયાર હીરાની અછતની સમસ્યા પુર્ણ થઈને જરૂરી પુરવઠો પ્રાપ્ત થશે ત્યારે તૈયાર હીરાના ભાવમાં ઘટાડો થવાની ભીતી સહીતની ભાવની અનિશ્ચિતતાઓથી વેપારીઓ ચિંતિત છે. પોલિશ્ડ હીરાના પુરવઠાની તંગી વચ્ચે વિવિધ જેમોલોજીકલ લેબમાં એક મહીનાના વેઈટીંગ પિરિયડની અડચણ યથાવત છે . એલોરોઝા અને ડીબિયર્સ સહીતની રફ ઉત્પાદક કંપનીઓના રફ હીરાના વેંચાણમાં વધારો થયો છે. એમા પણ બોત્સ્વાનાની કારોવે ખાણમાથી લ્યુકારા ડાયમંડ કંપનીને વધુ એક 1174 કેરેટનો રફ હીરો મળી આવતા રફ ઉત્પાદક કંપનીઓના ઉત્સાહમાં વધારો થયો છે.

અન્ય એક મહત્વની બાબત એ છે કે ભારતમાથી અમેરીકામા થયેલી તૈયાર હીરાની નિકાસમાં વૃદ્ધિ થઈ છે.એપ્રિલ- 2020માં અમેરીકામા થયેલી તૈયાર હીરાની 28 મિલિયન અમેરીકી ડોલરની નિકાસની તુલનાએ એપ્રિલ-2021માં તૈયાર હીરાની નિકાસ વધીને 1.6 બિલિયન ડોલર થઈ છે. ઓક્શન હાઉસ સોથેબી દ્વારા હોંગકોંગમા 101.38 કેરેટ વજનના ડી કલરના હીરાની હરીજી થવાની છે.આ હીરાની અંદાજીત 10 થી 15 મિલિયન ડોલર કીંમત મળવાની ધારણા છે.આ હીરાને લઈને વિશ્વના હીરા ઉદ્યોગમા ઇતિહાસ રચાય એવી બાબત તો એ છે કે તેની વેંચાણના બદલામાં પેમેન્ટ ક્રિપ્ટો કરન્સી દ્વારા પણ સ્વીકારવાની સોથેબીએ જાહેરાત કરી છે.

ફેન્સી હીરાનું બજાર : અમેરીકાની જબરી માંગ વચ્ચે ચીનના બજારો તરફથી સ્થિર ઓર્ડર ફેન્સી હીરાના માર્કેટને વધુ ગતિ આપી રહ્યા છે.વૈશ્વિક બજારો તરફથી સતત વધતી જતી ફેન્સી હીરાની માંગ વચ્ચે માલની અછતથી પ્રથમથી જ ફેન્સી હીરાની કીંમતો જળવાઈ રહી છે.ખાસ કરીને મોટી સાઈઝના ફેન્સી હીરાની કેટેગરીમાં કિંમતો વધુ મજબૂત છે.ફેન્સી આકારના હીરા જડીત સગાઈની રીંગનું અમેરીકામાં વેચાણ વધતા વેપારીઓ ઓવલ કટ,પિયર્સ કટ, એમરાલ્ડ કટ, પ્રિન્સેસ કટ, લોંગ રેડિઅન્ટ્સ અને માર્ક્વિઝિસ કટ સહીતના ફેન્સી હીરાના ઓર્ડરમાં વધારો થયો છે. ઓવલ કટ અને કુશન કટ વચ્ચેની કીંમતોમા હવે તફાવત ઘટતા કીંમતોમાં હજુ પણ વધારો થવાનું વેપારીઓ અનુમાન લગાવી રહ્યા છે.એક્સેલન્ટ કટ અને ઉત્તમ ગુણવત્તા ધરાવતા ફેન્સી હીરાની કીંમતોમા પ્રિમિયમ બોલાઈ રહ્યા છે.

અમેરીકાના હીરા બજારો : અમેરીકામાં સ્થિર માંગ વચ્ચે જી.આઈ.એ. સર્ટિફટ ધરાવતા રાઉન્ડ અને ઓવલ કટ હીરાની સારી માંગ છે.1 થી 2.50 કેરેટ વજનના એફ -એચ , વીએસ-એસઆઈ કેટેગરીના હીરાના બજારો સારી રીતે આગળ વધી રહ્યા છે.કોરોના મહામારી પર નિયંત્રણ આવી જતા ભારતમા તૈયાર હીરાના ઉત્પાદનમાં વૃદ્ધિ તેમજ વિવિધ જેમોલિજીકલ લેબોરેટરીમાં પરિક્ષણ માટે ગયેલા હીરાનો મોટો જથ્થો બજારમાં આવવાની સંભાવના છે.જેથી વૈશ્વિક બજારમાં તૈયાર હીરાની અછતની સમસ્યા પુર્ણ થતા જરૂરી પુરવઠો બજારમાં પ્રાપ્ત થવાની સંભાવનાઓ વચ્ચે તૈયાર હીરાની કીંમતોની અનિશ્ચિતતાઓથી વેપારીઓ ચિંતિત છે.

બેલ્જિયમના હીરા બજારો :વર્તમાન સમયે બજાર ખુબ જ સકારાત્મક છે.પરંતુ બજારની તેજીનો વેગ જળવાઈ રહેશે કે કેમ ? આ સવાલ સહીત અન્ય કેટલીક બાબતોને લઈને કારોબારીઓમાં શંકા છે. અમેરીકા અને ચીનના બજારો તરફથી પોલિશ્ડ હીરાની સારી માંગથી વેપારમાં સુધારો થયો છે.જીઆઇએ ડોસીઅર્સ અને 1 થી 2 કેરેટના હીરામાં સારી માંગ છે. અલોરોઝા અને ડી બિયર્સ સહીતની રફ ઉત્પાદક કંપનીઓના રફ હીરાના વેંચાણમાં વૃદ્ધિના પગલે રફ બજાર સકારાત્મક છે.

ઇઝરાયેલના હીરા બજારો : ઈઝરાયેલના હીરા વેપારીઓ અમેરીકાની સ્થિર માંગથી ઉત્સાહિત છે.વિદેશી બાયર્સ પોલિશ્ડ હીરાની વધુ કીંમતે ખરીદી કરવા અચકાતા હોવાથી તૈયાર હીરાની કીંમતો બાબતે અનિશ્ચિતતા છે. બીજી તરફ રફ હીરાની કીંમતોમાં વૃદ્ધિના પગલે પોલિશ્ડ સપ્લાયર્સ પોલિશ્ડની કીંમતોને લઈને મક્કમ છે. 0.30 થી 1.99 કેરેટના હીરાની સારી માંગ છે.

ભારતના હીરા બજારો : પોલિશ્ડ હીરાના પુરવઠાની અછત અને વિદેશના અવિરત સારી માંગના પગલે ઉત્પાદકો અને કારોબારીઓ તૈયાર હીરાની કીંમતોને લઈને આશાવાદી છે. સારા નિકાસ ઓર્ડરની સમાંતરે સ્થાનિક બજારમાં પણ મજબૂત વેપાર છે.તૈયાર હીરાની મોટાભાગની કેટેગરીઝના હીરાની માંગ છે.જો કે વીવીએસ કેટેગરીના હીરાની માંગ પ્રમાણમાં થોડી ધીમી છે. કર્વેડ ફેન્સી હીરાની મજબૂત ડીમાન્ડ છે તો ઉચ્ચ કેટેગરીના પ્રિન્સેસ કટ હીરાના ભાવમાં સુધારો જોવા મળ્યો છે. સુરતની હીરા મેન્યુફેકચરીંગ કંપનીઓએ પ્રોડક્શનમાં વધારો કર્યો છે.પરંતુ રફ હીરાના પુરવઠા સ્થિતિથી ઉત્પાદન અને હીરાના કારોબારને નકારાત્મક અસર કરી રહી છે.

હોંગકોંગનું હીરા બજાર: હોંગકોંગના હીરા બજારમાં વેંચાણ સ્થિર છે.પરંતુ હીરાના અન્ય કેન્દ્રોની તુલનાએ તે થોડું પાછળ છે. 0.30 થી 0.50 કેરેટમાં ડી-એચ, વીએસ-એસઆઈ અને 1 થી 1.50 કેરેટમાં જી-જે, એસઆઈ માલ પર કારોબારીઓએ ધ્યાન કેન્દ્રિત કર્યુ છે.વૈશ્વિક અર્થવ્યવસ્થામાં સુધારના પગલે જ્વેલર્સના આત્મવિશ્વાસમાં વધારો થયો છે. જો કે કોરોના મહામારીને કાબુમાં લેવા માટે સરકારે લગાવેલા નિયંત્રણના પગલે વિદેશી પર્યટનના અભાવની સમસ્યા હીરાના વેચાણને મર્યાદિત કરે છે.લગ્ન સમારંભના આયોજન ઘટતા ચીનના બજારો તરફથી જ્વેલરીની રિટેલ મોસમી માંગ ધીમી પડી છે.