મધ્યપ્રદેશના બક્ષવાહા માઇનિંગ ફિલ્ડમાં હીરા ખનનની કામગીરી પર્યાવરણીય જૂથોના વિરોધના કારણે ખોરંભે

DIAMOND TIMES : ભારતમાં કુદરતી ખનીજની વિશાલ ઉપલબ્ધતા છે પરંતુ ખનન પ્રવૃત્તિઓનો વિરોધ આ વિશાળ કુદરતી ખનીજના ખાણકામને અવરોધી રહ્યો છે. લગભગ 34 મિલિયન કેરેટની શકયતા ધરાવતા ડાયમંડ ફિલ્ડમાં હીરા શોધવાની કામગીરી પર્યાવરણીય જૂથોના વિરોધને લીધે અટવાઈ પડી છે.

સ્થાનિક રહેવાસીઓ દાવો કરે છે કે મધ્ય પ્રદેશના બક્ષવાહામાં ખાણકામની પ્રવૃત્તિના પુનરુત્થાનથી જંગલની જમીનનો નાશ થશે. નોકરીઓ ઉભી થશે પરંતુ આદિવાસીઓનું વિસ્થાપન થશે અને પર્યાવરણને નુકસાન થશે. રિયો ટિંટોએ 2012માં રાજ્ય સરકાર પાસેથી સાઈટ લીઝ પર લીધી હતી. પરંતુ પર્યાવરણીય મંજૂરીઓ મેળવવા છતાં 2017માં કંપનીએ કરાર રદ કરવા પડ્યા હતા.

રિયો ટિન્ટોએ પ્રોજેક્ટમાંથી હાથ પરત લીધા બાદ એસ્સેલ માઇનિંગ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ (EMIL) ખાણકામ માટે હરાજીની બોલી લગાવી હતી. જે ભારતીય મલ્ટીનેશનલ કંપની આદિત્ય બિરલા ગ્રૂપની પેટાકંપની છે. ડિસેમ્બર 2019માં થયેલી હરાજી બાદ કંપનીએ 3.4 બિલિયન ડોલરમાં આ પ્રોજેકટ આજીવન કામ માટે લીધું હતું.

કંપનીના એક સુત્ર દ્વારા બિઝનેસ વેબસાઈટને જણાવ્યું હતું કે હિંસક વાતાવરણના કારણે આ સ્થળ પર કામ કરવું વર્ચ્યુઅલ રીતે અશક્ય જેવું હતું. એસ્સેલ કહે છે કે તેમને મિકેનાઇઝ્ડ ઓપનકાસ્ટ પ્રોજેક્ટ માટે 215,000 વૃક્ષો કાપવાની જરૂર પડશે. EMIL એ કથિત રીતે સરકારી અધિકારીઓને જણાવ્યું છે કે પર્યાવરણીય ચિંતાઓ પર સ્થાનિક લોકો દ્વારા વિરોધ કરવામાં આવતા ગંભીર વિક્ષેપોને કારણે તે અવરોધી રહી છે.