DIAMOND TIMES – ફાયર સ્ટોનની સબસિડરી કંપની મોનાક વેન્ચર્સની બોત્સવાના સ્થિત વિઝનરી વિક્ટર રિસોર્સિસ બીકે 11 ખાણને વેંચાણ માટે કાઢવામાં આવી છે. ઉલ્લેખનિય છે કે ફાયરસ્ટોન કંપનીએ લગભગ છ વર્ષ સુધી હીરા કાઢવાના તનતોડ પ્રયાસ કર્યા પછી અંતે આ ઓફલોડ એસેટ (ખાણ) ને વેંચવાનું નક્કી કર્યુ છે. બે વખત વેંચાણનો પ્રયાસ નિષ્ફળ જતા હવે ત્રીજા પ્રયાસમાં તેની વેંચાણ કીંમત માત્ર 50,000 અમેરીકી ડોલર નિર્ધારીત કરવામાં આવી છે.
વર્ષ 2014માં આ ખાણને વેંચવાનો પ્રથમ પ્રયાસ કરવામાં આવ્યો ત્યારે તેની પ્રારંભિક કીંમત 10.7 મિલિયન અમેરીકી ડોલર રાખવામાં આવી હતી.ત્યારબાદ વર્ષ 2015 કીંમતમાં ઘટાડો કરી 8 મિલિયન અમેરીકી ડોલર રાખવામાં આવી હતી. આ કીંમતે આ ખાણને ટેંગો માઇનીંગ નામની કંપનીએ ખરીદી લીધી હતી.ઉલ્લેખનિય છે કે ખાણની ખરીદી માટે ટેંગો માઇનીંગ 8 મિલિયન અમેરીકી ડોલરનું ભંડોળ એકત્ર કરવામાં નિષ્ફળ જતા આ સોદો રદ કરવો પડ્યો હતો. ત્યારબાદ વર્ષ 2017માં ડીબિઅર્સ અને ડાયાકોર ડાયમંડ ગ્રુપના સંયુક્ત સાહસને આ પ્રોજેક્ટ વેંચવા ડીબિઅર્સના સીઈઓ ગેરેથ પેની સમક્ષ 5.1 મિલિયન અમેરીકી ડોલરમાં દરખાસ્ત રજુ કરવામાં આવી. પરંતુ કોઇ કારણસર 2018ના અંતે વાટાઘાટો પડી ભાંગી હતી.
બોત્સવાના સ્થિત વિઝનરી વિક્ટર રિસોર્સિસ બીકે 11 પ્રોજેક્ટમાં 1.2 મિલિયન કેરેટ રફ હીરાનો જથ્થો અનામત છે એવી ફાયરસ્ટોન કંપનીને અપેક્ષા છે. ફાયરસ્ટોન કંપની લેસોથોમાં લિક્હોબોંગ ખાણની પણ માલિકી ધરાવે છે.પરંતુ કોરોના મહામારીમાં રફ હીરાની માંગ સ્થગિત થતા તેણે માર્ચ 2020માં લિક્હોબોંગ ખાણમાં હીરાનું ખોદકામ અટકાવી દેવાની ફરજ પડી હતી.