DIAMOND TIMES– કર્મયોગી કાનજીભાઈ ભાલાળાની આગેવાની હેઠળ શ્રી સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજનો ડ્રીમ હોસ્ટેલ પ્રોજેક્ટ સાકાર થયો છે.આજરોજ દશેરાના પાવન પ્રસંગે સુરતમાં વિદ્યાર્થી ભવન અને અતિથિગૃહનાં ભવ્ય નિર્માણ અને ખાતમુહૂર્તનો કાર્યક્રમ સંપન્ન થયો છે. શ્રી સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ સુરત દ્વારા કામરેજ રોડ પર વાલક પાટિયા ખાતે 200 કરોડના ખર્ચે નિર્માણ થનાર હોસ્ટેલ પ્રોજેકટનું ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ તેમજ હીરાની અગ્રણી કંપની કીરણ જેમ્સના વલ્લભભાઈ લખાણી દ્વારા ભુમિ પુજન કરવામાં આવ્યુ હતુ.જ્યારે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના વરદ હસ્તે આ હોસ્ટેલનું વર્ચ્યુઅલ રીતે ખાતમુર્હત કરવામાં આવ્યુ છે.
આ પ્રસંગે વિશાળ સંખ્યામાં ઉપસ્થિત સમગ્ર ગુજરાતના પાણીદાર પાટીદાર આગેવાનો, સાહસિક હીરા ઉદ્યોગપતિઓ , રાજસ્વી મહાનુભાવોને સંબોધતા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ હીરા ઉદ્યોગકારોની સમાજ સેવાની ભાવના અને ઉદારતાને બિરદાવતા કહ્યુ કે આ સાહસિક હીરા ઉદ્યોગપતિઓ સાવ સામાન્ય પરિવારમાથી આવ્યા છે.તેઓએ આગવી સુઝબુઝ , મહેનત અને બિઝનેસ કુનેહથી શુન્યમાથી સર્જન કર્યુ છે.આ તકે વડાપ્રધાને હીરાને ચમકાવનારા રત્નકલાકારો ના યોગદાનને યાદ કરતા કહ્યુ કે પુજ્ય પાંડુરંગ શાસ્ત્રીજીએ રત્નકલાકારોને આપેલુ રત્નકલાકારનું બિરુદ્દ તેમણે ખરા અર્થમાં સાર્થક કરી બતાવ્યુ છે.
વડાપ્રધાને પોતાના પ્રવચનમાં 1919 માં છગનભાઈએ કડીમાં શરૂ કરેલા સર્વ વિદ્યાલયની વાત કરવાની સાથે સાથે ભીખાભાઈ પટેલ, ભાઈકાકા, મોહન લાલજી પટેલ, વીરજી પટેલ, નગીન પટેલ, સાકળચંદ પટેલ, ગણપત પટેલ, કેશવજી અરજણ વિરાણી સહિત શિક્ષણ ક્ષેત્રમાં આગવું કામ કરનારા તમામને યાદ કરીને પટેલ મહાનુભાવોએ ગુજરાતના શિક્ષણમાં આપેલા પ્રદાનને યાદ કર્યું હતું.
વડાપ્રધાને દેશવાસીઓને વિજ્યાદશમીની શુભકામના પાઠવવાની સાથે સાથે રામાયણનો પ્રસંગ ટાંકતાં કહ્યું હતું કે અસૂરી શક્તિ સામે આપણે વિજય મેળવવાનો છે, જેના માટે જ્ઞાન શક્તિ પણ ખૂબ જરૂરી છે. આ હોસ્ટેલ એમાંની એક સાબિત થશે. આજના પવિત્ર દિવસે આ પવિત્ર કામનું પુણ્ય મને મળ્યું એનો પણ આભાર માનું છું.