હીરા ઉદ્યોગકારોએ વડાપ્રધાનને આપેલુ આ મોટુ વચન નિભાવ્યુ, હવે સરકારનો વારો…

20

DIAMOND TIMES – નિશાન ચુક માફ,નહી માફ નીચુ નિશાન,આ મહાવરાને ધ્યાનમાં રાખી ચાલુ નાણાકીય વર્ષ 2021-22માં જેમ એન્ડ જ્વેલરીની કુલ નિકાસ 41.66 બિલિયન ડોલરને પાર કરવાની વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ હીરા ઉદ્યોગકારોને એક મોટી ચેલેન્જ આપી હતી.

વડાપ્રધાનશ્રીએ આપેલી ઉપરોક્ત ચેલેન્જનો સહર્ષ સ્વીકાર કરી નિર્ધારીત નિકાસ લક્ષ્યાંકને સિધ્ધ કરવા હીરા ઉદ્યોગ મક્કમ ગતિએ આગળ વધી રહ્યો છે.સમગ્ર જેમ એન્ડ જ્વેલરી ઉદ્યોગ માટે આનંદની વાત છે કે નાણાકીય વર્ષના પ્રથમ છ માસિક ગાળામાં વડાપ્રધાનશ્રીએ નિર્ધારીત કરેલા કુલ વાર્ષિક નિકાસ લક્ષ્યાંક પૈકી લગભગ 46 ટકાની સિધ્ધિ હીરા ઉદ્યોગે હાંસિલ કરી લઈને વડાપ્રધાનને સામી દીવાળીએ ખુશીની સોગાદ આપી છે.

હીરા ઉદ્યોગકારોએ તો વડાપ્રધાનશ્રીને આપેલુ વચન નિભાવ્યુ છે.બીજી તરફ જેમ એન્ડ જ્વેલરીના કારોબારમાં અવરોધ રૂપ સમસ્યા અને વિસંગત કાયદાને દુર કરી,જેમ એન્ડ જ્વેલરી ઉદ્યોગને અનુકુળ સુસંગત કાયદાઓ દ્વારા ઉદ્યોગને સહયોગ આપવા સરકારે આપેલા વચનને નિભાવવાનો હવે સરકારનો વારો છે.

વૈશ્વિક હીરા ઉદ્યોગમાં સેન્ટિમેન્ટ હકારાત્મક અને ઉત્સાહજનક : કોલિન શાહ

નાણાકીય વર્ષના પ્રથમ છ માસિક ગાળામાં જેમ એન્ડ જ્વેલરીની કુલ નિકાસ વધીને 19.3 બિલિયન ડોલર થઈ છે. નિકાસના આ ઉત્સાહજનક આંકડાઓ અંગે પ્રતિભાવ આપતા GJEPCના ચેરમેન કોલિન શાહે કહ્યુ કે વડાપ્રધાન દ્વારા જેમ એન્ડ જ્વેલરી ઉદ્યોગને આપવામાં આવેલ 41.66 બિલિયન ડોલરના કુલ નિકાસ લક્ષ્યાંક પૈકી લગભગ 46 ટકા ની સિધ્ધિ હીરા ઉદ્યોગે હાંસિલ કરી લીધી છે.આંકડા દર્શાવે છે કે સપ્ટેમ્બર-2021માં જેમ એન્ડ જ્વેલરીની કુલ નિકાસ 3.2 અબજ ડોલર હતી,જે વાર્ષિક ધોરણે 29.6 ટકાનો ઉત્સાહજનક વધારો દર્શાવે છે.તેમણે ઉમેર્યુ કે વૈશ્વિક હીરા ઉદ્યોગ માં સેન્ટિમેન્ટ હકારાત્મક અને ઉત્સાહજનક છે.જેથી આગામી મહીનાઓમાં પણ તેજીનો સિલસિલો યથાવત રહેવાની ધારણા છે.

એપ્રિલથી સપ્ટેમ્બર દરમિયાન 255 ટકાની વૃદ્ધિ સાથે ભારતે રૂપિયા 67000 કરોડના રફ હીરાની આયાત કરી

એપ્રિલથી સપ્ટેમ્બર દરમિયાન ભારતે રૂપિયા 67000 કરોડના રફ હીરાની જંગી આયાત કરી છે.જેમ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલના અહેવાલ મુજબ વિતેલા નાણાકીય વર્ષ 2020માં એપ્રિલથી સપ્ટેમ્બર દરમિયાન 2.6 અબજ ડોલર એટલે કે અંદાજીત 20 હજાર કરોડના રફ હીરાની આયાત થઈ હતી.તેની તુલનાએ એપ્રિલથી સપ્ટેમ્બર- 2021 દરમિયાન થયેલી 67000 કરોડના રફ હીરાની આયાત 255 ટકાનો વધારો સુચવે છે.