DIAMOND TIMES : સુરતના ગોપીન ગામ ખાતે સ્વામિનારાયણ સત્સંગ સેવા ટ્રસ્ટ આયોજિત ‘પ્રાકૃતિક ફૂડ એક્સપો-૨૦૨૩’ ને રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ ખુલ્લો મુક્યો છે.સુરતની હીરાની કંપની મિનાક્ષી ડાયમંડના ચેરમેન,ઉદ્યોગપતિ અને સમાજસેવક ધનજીભાઈ રાખોલિયા ‘સ્વામિનારાયણ સત્સંગ સેવા ટ્રસ્ટ’ના નેજા હેઠળ ફૂડ એક્સપો યોજી અન્ય શહેરો માટે પણ પ્રેરણારૂપ બન્યા છે.
ઔદ્યોગીકરણની દોટમાં પર્યાવરણની સમતુલા ખોરવાઈ છે, ત્યારે રાસાયણિક ખાતર વિનાની ઝીરો બજેટની પ્રાકૃતિક ખેતી ખેડૂતોની સમૃદ્ધિના દ્વાર ખોલી રહી છે. રાસાયણિક ખેતીથી પ્રકૃતિને ગંભીર નુકસાન થઈ રહ્યુ છે, પ્રાકૃતિક ખેતી કરીને નવી પેઢીને ફળદ્રુપ જમીનની ભેટ આપો. કારણ કે પ્રાકૃતિક ખેતીથી તંદુરસ્ત સમાજ અને શક્તિશાળી ભારતનું નિર્માણ થશે’ એમ સ્વામિનારાયણ સત્સંગ સેવા ટ્રસ્ટ દ્વારા સુરતના ગોપીન ગામ, મોટા વરાછા, અબ્રામા રોડ ખાતે આયોજિત ‘પ્રાકૃતિક ફૂડ એક્સપો-૨૦૨૩’ને ખૂલ્લો મૂકતા રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતે જણાવ્યું હતું.
ગોપીન ગામ ખાતે તારીખ 11 થી 14 એપ્રિલ દરમિયાન આયોજિત ફૂડ એક્સપોમાં રાજ્યભરના પ્રાકૃતિક ખેતી કરતા 300 ખેડૂતો દ્વારા 250 જેટલા સ્ટોલમાં ઝેરી રસાયણમુક્ત પ્રાકૃતિક પદ્ધતિથી ઉત્પાદિત ખેતપેદાશો,ધાન્યોનું સીધું વેચાણ કરવામાં આવી રહ્યું છે. આ સ્ટોલોની મુલાકાત લઈને રાજ્યપાલશ્રીએ વિવિધ પ્રાકૃતિક કૃષિ ઉત્પાદનો નિહાળ્યા હતા અને ખેડૂતોને પ્રોત્સાહિત કર્યા હતા.
સુરતના અગ્રણી હીરા ઉદ્યોગપતિ ગોવિંદભાઈ ધોળકિયાએ જણાવ્યું કે રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતે પ્રાકૃતિક ખેતીને વિશાળ ફલક પર વિસ્તારી છે. તેઓ પોતાના વતન હરિયાણા કુરુક્ષેત્રમાં પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે અને આ ખેતીના પરિણામો તેમણે જાતે અનુભવ્યા છે.જેથી હવે ગુજરાતમા ખેડૂતો આ દિશામાં ખેતી કરે તે માટે પ્રોત્સાહન આપી રહ્યા છે.
પદ્મશ્રી મથુરભાઈ સવાણીએ જણાવ્યું હતું કે,જેમ સમાજમાં ફેમિલી ડોકટરની પ્રણાલી પ્રચલિત છે,તેવી જ રીતે ફેમિલી ફાર્મર રાખવાનો સમય પાકી ગયો છે. વિવિધ અસાધ્ય રોગોને દૂર રાખવા માટે પ્રાકૃતિક ખેતી વર્તમાન સમયની તાતી જરૂરિયાત છે.સુરતવાસીઓને ખેડૂતોના પ્રાકૃત્તિક ઉત્પાદનો ઘરઆંગણે મળી શકે, અને પ્રાકૃત્તિક કિસાનોને વેચાણ માટે પ્લેટફોર્મ મળે તેમજ અન્ય ખેડૂતો પણ પ્રાકૃતિક ખેતી તરફ વળે એવા હેતુથી ‘ચાર દિવસીય ફૂડ એક્સપો’નું આયોજન કરાયું હોવાનું તેમણે ઉમેર્યું હતું.
સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજના પ્રમુખ અને અગ્રણી સમજસેવી શ્રી કાનજીભાઈ ભાલાળાએ જણાવ્યું કે, નાની ઉંમરે હાર્ટ એટેક, અકાળે અવસાન જેવી ઘટનાઓમાં રાસાયણિક દવાઓ, ખાતરથી પાકતા કૃષિ ઉત્પાદનોનું સેવન પણ જવાબદાર હોવાનું તારણ સામે આવ્યું છે એમ જણાવતા પ્રાકૃતિક કૃષિ માનવીય આરોગ્યની અનેક સમસ્યાના નિવારણનું માધ્યમ બનશે એવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.
આ પ્રસંગે મિનાક્ષી ડાયમંડના ચેરમેન અને સમાજસેવક ધનજીભાઈ રાખોલિયાઅગ્રણી સમાજસેવક, ગોપીન ગ્રૂપના લવજીભાઈ બાદશાહ, ગુજરાત પ્રાકૃતિક કૃષિના કન્વીનર પ્રફુલભાઈ સેંજલીયા, અગ્રણી ઉદ્યોગપતિ સર્વ રમેશભાઈ કાકડિયા, કેશુભાઈ ગોટી, મનહરભાઈ સાસપરા, શ્રીહરિ ગૃપના ચેરમેન રાકેશ દુધાત, રોહિતભાઈ ગોટી, પ્રાકૃતિક કૃષિ યુનિવર્સિટીના કુલપતિશ્રી ડો.સી. કે. ટીંબડીયા, આત્મા પ્રોજેક્ટ ડાયરેક્ટર એન.જી.ગામીત સહિત બહોળી સંખ્યામાં ખેડૂતો, મહિલાઓ અને ગૌપાલકો, શહેરીજનો ઉપસ્થિત રહ્યા હતા.