આરોગ્ય ક્ષેત્રે સેવાકીય કાર્યમાં હીરાની જેમ ચમકી રહી છે ડાયમંડ હોસ્પિટલ

પર સેવા માટે પરસેવો પાડવો એ જ સાચું તપ…

DIAMOND TIMES – સુરતની ડાયમંડ હોસ્પિટલ આરોગ્ય ક્ષેત્રે સેવાકીય કાર્યમાં હીરાની જેમ ચમકી રહી છે.હીરા ઉદ્યોગમાં કાર્યરત રત્નકલાકારો સહીત સુરતની જનતાની આરોગ્યની સુખાકારી માટે સુરત ડાયમંડ એસોસિયેશન’ના અથાગ પ્રયત્નો બાદ વર્ષ-2011માં સુરત મહાનગર પાલિકાએ લોકહિત માટે હોસ્પિટલના નિર્માણ માટે જગ્યા ફાળવી હતી.એ ક્ષણ આજે પણ એક અવિસ્મરણીય ગણવામાં આવે છે.

સુરત ડાયમંડ એસોસિએશન (SDA) આરોગ્ય સમિતી સંચાલિત “માતૃશ્રી રામુબા તેજાણી તથા માતૃશ્રી શાંતાબા વિડીયા હોસ્પિટલ ”(ડાયમંડ હોસ્પિટલ) પાછલા 8 વર્ષથી સુરતનાં હીરા ઉદ્યોગનાં હાર્દ સમા વરાછા, કાપોદ્રા, પુણા વિસ્તારમાં કાર્યરત છે .આ વિસ્તારમાં મોટા ભાગે હીરા -ઝવેરાત ઉધોગ સાથે સંકળાયેલા રત્નકલાકારો વસવાટ કરે છે.રત્નકલાકારોના પરિવારોને રાહતદરે મેડીકલ સારવાર પૂરી પાડવાનાં ઉદેશ્યથી જ સ્થપાયેલી આ હોસ્પિટલમાં રત્નકલાકારોનાં પરિવારોને ઉપરાંત અત્યંત ગરીબ અને મધ્યમવર્ગનાં લોકોને ધર્મ કે જાતીનાં ભેદભાવ વિના અત્યંત નજીવા દરે મેડીકલ સારવાર પૂરી પાડવામાં આવી રહી છે.

કઈ રીતે સેવાકાર્ય કરે છે ડાયમંડ હોસ્પિટલ ? શુ છે વિઝન, મિશન ,ગોલ ?

ડાયમંડ હોસ્પિટલનું વિઝન એક એવી સંસ્થા બનવાનું છે કે જે દર્દી, ડોક્ટર,કર્મચારીઓ એમ તમામની પહેલી પસંદગી બને.
મિશન કોઈપણ જાતના નફાની અપેક્ષા વગર દરેક સમાજના જરૂરિયાતમંદ લોકોને ઉચ્ચતમ તબીબી સારવાર તદ્દન રાહત દરે પૂરી પાડવી.
અને ગોલ છે દર્દીને ભગવાનનું રૂપ સમજીને એમની સારવાર કરવાનો જીવનમંત્ર છે.

હોસ્પિટલમાં ઉપલબ્ધ વિભાગો અને નિષ્ણાંત ડોક્ટરો

⏹️મેડિસિન વિભાગ
⏹️લેબોરેટરી વિભાગ
⏹️બાળરોગ વિભાગ
⏹️ફિઝીયોથેરાપી વિભાગ (કસરત)
⏹️સ્ત્રીરોગ ને પ્રસુતિ વિભાગ
⏹️હાડકાનો વિભાગ
⏹️જનરલ સર્જરી
⏹️આંખનો વિભાગ
⏹️દાંતના રોગોના નિષ્ણાંત
⏹️કેન્સર વિભાગ
⏹️ફેફસા,દમ અને ટી.બી.ના નિષ્ણાંત
⏹️કાન-નાક-ગળાના નિષ્ણાંત
⏹️કિડની અને પથરીના નિષ્ણાંત
⏹️ચામડીના રોગોના નિષ્ણાંત
⏹️કરોડરજ્જુના રોગોના નિષ્ણાંત

⏹️પ્લાસ્ટિક સર્જરીના નિષ્ણાંત

હોસ્પિટલમાં ઉપલબ્ધ સુવિધાઓ

⏹️150 બેડ ધરાવતી NABH માન્ય એકમાત્ર ટ્રસ્ટ હોસ્પિટલ
⏹️14 બેડનું અત્યાધુનિક ICU, 10 વેન્ટીલેટરની સુવિધા
⏹️30 બેડનું આધુનિક NICU (કાચની પેટી)ની સુવિધા, 6 વેન્ટીલેટર અને 6 C-PAP ની સુવિધા
⏹️આધુનિક સુવિધાથી સુસજ્જ 6 મોડ્યુલર ઓપરેશન થિયેટર
⏹️દરેક પ્રકારના દૂરબીન (Laparoscopic) દ્વારા ઓપરેશન માટે Carl STORZ (Germany) અને      Strykar (USA) કમ્પનીના સાધનોની સુવિધા તદ્દન રાહતદરે
⏹️50% થી 70% રાહતદરની અત્યાધુનિક લેબોરેટરી (24*7)
⏹️20% રાહતદરનું મેડિકલ સ્ટોર (24*7)
⏹️તદ્દન રાહતદરે ફિઝીયોથેરાપી (કસરત વિભાગ)
⏹️2D Echo (હદયની સોનોગ્રાફી), TMT (પટ્ટા પર ચાલીને થતી હદયની તપાસ) અને PFT (ફેફસાની તપાસ)ની સુવિધા
⏹️13 બેડ ધરાવતું આધુનિક ડાયાલીસીસ વિભાગ
⏹️ગર્ભવતી બહેનો માટે ફ્રી ‘ગર્ભજ્ઞાન સંસ્કાર કેન્દ્ર’ (દર શનિવારે સાંજે 4 થી 5)

આધુનિક મશીનોથી સજ્જ

⏹️Zeiss OCT મશીન: પડદાના CT સ્કેન (જાપાન)
⏹️Constellation:પડદાના ઓપરેશનનું મશીન (USA)
⏹️ગ્રીન લેસર: પડદાની લેસર દ્વારા સારવાર (ફ્રાન્સ)
⏹️Leica માઇક્રોસ્કોપ (જર્મની)
⏹️Zeiss IOL માસ્ટર: લેન્સનું સચોટ માપ લેવા માટેનું મશીન (જાપાન)
⏹️ફંડ્સ કેમેરા: પડદાના નિદાન માટે
⏹️નિયો-ફોરસ ROP કેમેરા: નવજાત બાળકની આંખની તપાસ માટે

રાહત દરે સારવાર

છેલ્લા આઠ વર્ષથી ડાયમન્ડ હોસ્પિટલ નહિ નફો નહિ નુકસાનના ધોરણે કાર્યરત છે. અહી ગર્ભવતી બહેનો અને નવજાત શિશુઓને ઉતમ મેડીકલ સેવાઓ અત્યંત રાહતદરે પુરી પાડવામાં આવે છે. ઉપરાંત હોસ્પિટલમાં નોર્મલ ડીલીવરીનો ચાર્જ માત્ર રૂ.૧૮૦૦/-છે .તેમાંય બાળકીનાં જન્મના કિસ્સામાં તો કોઈ જ ડીલીવરી ચાર્જ લેવામાં આવતો નથી.સિઝેરિયન ડીલીવરીનો ચાર્જ માત્ર રૂ.૫,૦૦૦/-છે. નવજાત શિશુઓને માટે ૨૫ બેડનાં અત્યંત આધુનિક સાધનોથી સજ્જ NICU (કાચની પેટી) ની સુવિધા છે. જેમાં રોજનાં ૧૦-૧૫ બાળકો સારવાર હેઠળ હોય છે. જેનો કોઈ ચાર્જ લેવામાં આવતો નથી. હોસ્પીટલમાં કાર્યરત આંખના વિભાગમાં મોતિયાનું ઓપરેશન , વેલ તેમજ આંખમાં થતી છારીની સારવાર પણ સરકારની યોજના અંતગર્ત તદ્દન ફ્ર્રી કરવામાં આવે છે. ડાયાલિસિસની સારવાર પણ અહીં ફ્રી અપાય છે. જેનો લાભ રોજના 50 જેટલા દર્દીઓ લે છે. આ દર્દીઓને દરરોજનું આવવા-જવાનું 300 રૂ. ભાડું પણ હોસ્પિટલ તરફથી આપવામાં આવે છે.

લોકો માટે લાભકારક યોજનાઓ

સમાજને ઉપયોગી એવી લાભકારક યોજના અંતર્ગત હોસ્પિટલમાં વિધવા બહેનોની દીકરીઓની પ્રથમ ડિલિવરી ફ્રી કરવામાં આવે છે. તેમ જ કોઈપણ દમ્પતીને ત્યાં એક દિકરી હોય અને તેઓને ત્યાં એક કરતા વધારે દરેક દીકરીને આ હોસ્પિટલ દ્વારા રૂ.૧૨,૦૦૦/-નાં બોન્ડ આપવામાં આવે છે. દિકરી ૨૫ વર્ષની થાય ત્યારે તેને રૂ.૧,૦૦,૦૦૦/-(એક લાખ) મળવાપાત્ર રહે છે. આ બોન્ડની પાકતી મુદત ૨૫ વર્ષની છે. આજ સુધીમાં 20 કરોડ ઉપરના બોન્ડ 2000 થી વધુ દીકરીઓને હોસ્પિટલ દ્વારા અપાઈ ગયેલ છે. ભારત સરકારની ‘બેટી બચાવો-બેટી વધાવો યોજના’ સાર્થક કરવામાં સહભાગી થઈને ડાયમન્ડ હોસ્પિટલે સમાજને એક નવી રાહ ચિંધી છે.

આ હોસ્પિટલને લીધે નાના તેમજ મધ્યમ વર્ગને મળતો ફાયદો

ડાયમંડ હોસ્પિટલ સેવાના ધ્યેય સાથે ઉભી કરવામાં આવી છે.આજે માંદગીની સારવાર અતિ ખર્ચાળ બની ગઈ છે.ત્યારે સામાન્ય માણસનું કોણ ? માંદગીના ખર્ચા જેવા કે રિપોર્ટ, દવા, ડોક્ટરની ફી ચુકવવામાં સામાન્ય સ્થિતિના લોકોની હાલત કફોડી થતી હોય છે.તે વિચારીને હીરા ઉદ્યોગપતિઓએ રત્નકલાકારો માટે માંદગી વખતે ઓછા ખર્ચે સારવાર મળે તે હેતુથી આ હોસ્પિટલનું નિર્માણ કર્યુ છે.

ડાયમંડમાં સતત જીણવટ ભર્યું કામ કરતા હોવાથી રત્નકલાકારોને આંખની તકલીફ રહેતી હોય છે તેમજ તેમના પરિવારના વડીલો પણ આંખની બીમારી માટે આ હોસ્પિટલમાં તપાસ અને સારવાર માટે આવતા હોય છે ત્યારે હાલમાં હોસ્પિટલમાં આંખનો વિભાગ બે ફૂલ ટાઇમ ઓપ્થેમલોજીસ્ટ ડોક્ટર સાથે કાર્યરત છે.જેમાં રોજના ૮૦-૧૦૦ દર્દીઓને તપાસવામાં આવે છે.તેમજ રોજના ૧૦-૧૨ મોતિયાના ઓપરેશન થાય છે.ડાયમંડ હોસ્પિટલ થકી આજ સુધી ટોટલ 140 કરોડ રૂ.ની સેવા થઈ છે.

સુરત ડાયમંડ એસોસિયેશનનો આગામી પ્રોજેકટ

સુરત ડાયમંડ એસોસિયેશન દ્વારા મોટા વરાછા વિસ્તારમાં અમરોલીથી વેલેંજા સુધીના તેમજ ગ્રામ્ય વિસ્તારના લોકોને રાહતદરે આધુનિક સારવાર ઉપલબ્ધ થાય તેવા સેવાના ઉદ્દેશ્ય સાથે બીજી 450 બેડ ધરાવતી સુંદર હોસ્પિટલનું ઉત્રાણ ખાતે નિર્માણ થવા જઈ રહ્યું છે.300 કરોડથી વધારેના આ પ્રોજેકટમાં 5 લાખ ફૂટનું બાંધકામ હશે.જેની જગ્યા માટે ગુજરાત સરકારે ટીપી 24 માં 12860 વારનો પ્લોટ ફાળવી દીધો છે.જેથી ભવિષ્યમાં 100 સીટની મેડિકલ કોલેજ બનાવવાનું પણ વિચારાઈ રહ્યું છે.

ડાયમંડ હોસ્પિટલનો સેવા-સંદેશ

દાતાઓના દાનથી ચાલતી ડાયમંડ હોસ્પિટલ ખરેખર ઈશ્વરીય કાર્ય કરી રહી છે.દર વર્ષે આ હોસ્પિટલ 90 લાખ ઉપરની ખોટ ભોગવે છે. છેલ્લા આઠ વર્ષમાં હોસ્પિટલની સેવાઓનો લાભ વરાછા વિસ્તાર અને સુરત શહેર ગ્રામ્ય વિસ્તારના લાખો લોકોએ લીધો છે. આ હોસ્પિટલના ચેરમેન સી. પી.વાનાણી તેમજ અન્ય હોદેદારો હોસ્પિટલમાં હાજર રહી દર્દીઓની વ્યથા સાંભળે છે.એટલું જ નહિ પરંતુ કોઈ દર્દી પરવડે તેવી ફી પણ ભરી શકે એમ ન હોય તો બીલમાં ઓછું કરી આપે છે.

જો નાની રકમ હોય તો દાતાઓ પોતાના ખિસ્સામાંથી ચૂકવી દે છે. આજે એવું ઘણા કહે છે કે ગરીબોનું કોઈ નથી હોતું પણ આ હોસ્પિટલમાં ગરીબોના બેલી એવા ટ્રસ્ટીઓ છે.આને આદર્શ વહીવટકર્તા કહી શકાય.એ હકીકત છે કે હોસ્પિટલમાં જવું કોઈને ના ગમે પરંતુ જ્યારે માંદગી આવે ત્યારે લોકોને એ જ હોસ્પિટલ મંદીર લાગે છે.મારી વાંચકોને વિનંતી છે કે એકવાર આ હોસ્પિટલની મુલાકાત અવશ્ય લેશો,જેથી આપ સૌને ખ્યાલ આવે કે સેવા કોને કહેવાય.પરંતુ દાતાઓની દિલેરી સાથેના દાનથી જ ઉત્તમ સેવા શક્ય છે એ પણ એક હકીકત છે.અત્યારે કન્સ્ટ્રકશન, કેમિકલ, ટેક્સટાઇલ સહિત તમામ ઉદ્યોગકારોના દાન થકી જ ડાયમંડ હોસ્પિટલ દ્વારા ખૂબ સારી રીતે સેવા થઈ રહી છે.હોદ્દેદારોનો વિશ્વાસ છે કે ડાયમંડ હોસ્પિટલની જેમ જ નવી હોસ્પિટલના નિર્માણ માટે લોકો ઉદાર હાથે દાન આપશે.

દેશ આપણો આત્મા તો સમાજ એ હદય છેઅને સમાજ સેવા એ જ વિકાસનો સૂર્યોદય છે…