DIAMOND TIMES- લેબગ્રોન હીરાના ઉત્પાદન સાથે સંકળાયેલી અમેરીકાની ડાયમંડ ફાઉન્ડ્રી ઇન્કએ ચાલુ વર્ષે લેબગ્રોન હીરાનું પ્રોડક્શન વધારીને પાંચ મિલિયન કેરેટ કરવાની યોજના જાહેર કરી છે.જાણકારોના મત્તે આ એક ખુબ વિશાળ આકડો છે.કારણ કે ગત વર્ષ દરમિયાન ભારત,ચીન સહીત લેબગ્રોન હીરાનું કુલ વૈશ્વિક ઉત્પાદન 7 મિલિયન કેરેટ જેટલું થયુ હતુ.જેમા અમેરીકાનો માત્ર 1 મિલિયન કેરેટ જેટલો મામુલી હિસ્સો હતો.પરંતુ હવે તેમા પાંચ ગણો વધારો કરવાની ડાયમંડ ફાઉન્ડ્રી ઇન્કની યોજના લેબગ્રોન હીરાના વૈશ્વિક કારોબારમાં ગેમ ચેન્જર સાબિત થઈ શકે તેવુ જાણકારોનું માનવુ છે.
ડાયમંડ માઇનિંગ સ્કેલને આધારે લેબગ્રોન હીરાનું ઉત્પાદન વધારવાની નેમ : ડાયમંડ ફાઉન્ડ્રી ઇન્કના સીઇઓ માર્ટિન રોશેઇસે
અમેરીકાની ડાયમંડ ફાઉન્ડ્રી ઇન્કના સીઇઓ અને ફાઉન્ડર માર્ટિન રોશેઇસેને મીડીયાને આપેલા એક ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે તેની કંપની લેબગ્રોન હીરાના ઉત્પાદનમાં નાટકીય અને અભૂતપૂર્વ ઉછાળાની આરે છે.માઈન્સમાં કુદરતી રફ હીરાનું ઉત્પાદન સતત ઘટી રહ્યુ છે. જેને ધ્યાનમાં રાખી ડાયમંડ માઇનિંગ સ્કેલને આધારે લેબગ્રોન હીરાનું ઉત્પાદન વધારવાની અમારી નેમ છે. રફ ઉત્પાદક કંપની પેટ્રા માત્ર 3.5 મિલિયન કેરેટ જ્યારે વિશ્વની પાંચમી સૌથી મોટી ડાયમંડ કંપની ડોમિનિયન 6.7 મિલિયન કેરેટ જ રફ ઉત્પાદન કરી શકી છે.ગયા વર્ષે વૈશ્વિક સ્તરે કુદરતી રફ હીરાનું કુલ ઉત્પાદન 111 મિલિયન કેરેટ થયુ હતું. જો કે રફ હીરાના ઉત્પાદનમાં થયેલા જંગી ઘટાડા પાછળ કોરોના મહામારી પણ જવાબદાર હતી.ઉલ્લેખનિય છે કે વર્ષ 2019 દરમિયાન કુદરતી હીરાનું વૈશ્વિક ઉત્પાદન 139 મિલિયન કેરેટ થયુ હતુ.
જો કે જાણકારોનું કહેવું છે કે ડાયમંડ ફાઉન્ડ્રી ઇન્કને લેબગ્રોન હીરાનું ઉત્પાદન ડબલ કરવામાં ચાર વર્ષનો સમય લાગ્યો હતો.હવે ઉત્પાદન વધારી પાંચ ગણું કરવાની તેમની યોજના ગજબની છે.કુદરતી હીરાના વૈશ્વિક કારોબારની સરખામણીએ વર્તમાન સમયમાં લેબગ્રોન હીરાનો કારોબાર લગભગ છ ટકા છે.પરંતુ લેબગ્રોન હીરાની વૈશ્વિક માંગમાં સતત વૃદ્ધિના પગલે તેના ઉત્પાદનમાં પણ વધારો થવાની સંભાવના છે.લેબગ્રોન હીરાના ઉત્પાદનમાં અગ્રણી ચીન પણ મોટી રમત શરૂ કરવાના મુડમાં છે.ઉપરાંત લેબગ્રોન હીરાના ઉત્પાદનમાં ચીન પછી બીજુ સ્થાન ધરાવતા ભારત, સિંગાપોર, રશિયા, યુરોપ અને મધ્યપૂર્વના દેશો પણ લેબગ્રોન ઉત્પાદનમાં વધારો કરે તેવી સંભાવનાઓ છે.
લેબગ્રોન હીરા વિશ્વમાં ઝડપથી લોકપ્રિય થઈ રહ્યા છે : ધ એમવીઆઈનું સર્વેક્ષણ

ધ એમવીઆઈ (THE MVEye – માર્કેટ રિચર્સ એન્ડ એનાલિસિસ ફોર લકઝરી બ્રાન્ડ્સ)ના અહેવાલ મુજબ લેબગ્રોન હીરા ઝડપથી લોકપ્રિય થઈ રહ્યા છે,જેથી તેમને ખરીદવાની અથવા તો ભેટ આપવાની સંભાવના વધુ હોય છે.ઉપરાંત ગ્રાહકો લેબગ્રોન અને કુદરતી હીરા વચ્ચેનો ભેદ સમજવામાં વધુને વધુ જાગૃત થઈ રહ્યા હોવાના અહેવાલ છે.
આ અઠવાડિયે ધ એમવીઆઈ દ્વારા હાથ ધરાયેલા સર્વેક્ષણમાં બહાર આવ્યું છે કે ફ્રાંસ,ઇટાલી,જર્મની, સ્પેન અને ગ્રેટ બ્રિટનમાં 40 ટકા લોકોએ પોતાના માટે અથવા ભેટ આપવા લેબગ્રોન હીરાની ખરીદી કરી હતી.એમવીઆઈના અહેવાલમાં સ્પષ્ટ નિર્દેશ કરવામાં આવ્યો છે કે મોટાભાગના લોકોની સમજમાં આવી ગયુ છે કે લેબગ્રોન હીરા પર્યાવરણને અનુકૂળ,માઈન્સમાંથી ખોદી કાઢવામાં આવતા પથ્થરો જેવા જ અને કુદરતી હીરાની તુલનાએ લગભગ ત્રીજા ભાગની ઓછી કીંમત ધરાવે છે.
આ સંશોધન માટે ધ એમવીઆઈએ કંપનીએ યુરોપ અને યુએસએના ગ્રાહકોને 1.9 કેરેટના લેબગ્રોન અને 1.4-કેરેટના કુદરતી મળી બે છૂટક ગોળાકાર હીરાની પસંદગીની ઓફર કરી હતી.જેના પરિણામ સ્વરૂપે 53 ટકા અમેરીકન ગ્રાહકોએ જ્યારે 45 ટકા યુરોપિયન ગ્રાહકોએ લેબગ્રોન હીરા પર પોતાની પસંદગી ઉતારી હતી.ઉલ્લેખનિય છે કે ધ એમવીઆઈ રત્ન,ઘરેણાં અને ઘડિયાળ ઉદ્યોગો માટે બજાર સંશોધન અને વ્યૂહાત્મક સલાહ પ્રદાન કરતી અગ્રણી કંપની છે.આ કંપનીની ડેટાના આધારે જેમ એન્ડ જ્વેલરી ક્ષેત્રની અગ્રણી કંપનીઓ તેમની બિઝનેસ વ્યુહ રચના નિર્ધારીત કરતી હોય છે.
આ ઉપરાંત એમવીઆઈ કંપનીએ 3,000 ડોલરની પ્રાઈસ ધરાવતી લેબગ્રોન હીરા જડીત અને 3,900 ડોલરની કીંમતની કુદરતી હીરા જડીત બે સમાન ડાયમંડ રિંગ્સ પણ ગ્રાહકોને ઓફર કરી હતી.જે પૈકી યુરોપના 49 ટકા જ્યારે યુ.એસ.ના 57 ટકા ગ્રાહકોએ લેબગ્રોન હીરા જડીત રીંગ પર પોતાની પસંદગી ઉતારી હતી.આ તમામ આંકડાઓ અને “ઇન્ફ્લેક્શન પોઇન્ટ” લેબગ્રોન હીરા વિશ્વમાં ઝડપથી લોકપ્રિય થઈ રહ્યા હોવાના ડાયમંડ ફાઉન્ડ્રી ઇન્કના સીઇઓ અને ફાઉન્ડર માર્ટિન રોશેઇસેનના નિવેદનને સમર્થન આપે છે.
અગ્રણી રફ ઉત્પાદક કંપની ડીબિયર્સેએ જ્યારે લેબગ્રોન હીરા જડીત જ્વેલરી બ્રાન્ડ લાઇટ બોક્સનું લોંચીંગ કર્યુ ત્યારે 200,000 કેરેટ લેબગ્રોન હીરાનું ઉત્પાદન કરવાની ક્ષમતા ધરાવતી ફેક્ટરીની સ્થાપના પાછળ 94 મિલિયન અમેરીકી ડોલરનું રોકાણ કર્યું હતુ.વર્તમાન સમયમાં લેબગ્રોન હીરાના વૈશ્વિક કારોબારમાં થઈ રહેલી જંગી વૃદ્ધિની તુલના કરતા તે સાવ નજીવી બાબત સાબિત થઈ રહી છે.ઉલ્લેખનિય છે કે વિશ્વની સૌથી મોટી ડાયમંડ રિટેલર કંપની સિગ્નેટ સહીત ટિફની,કાર્ટીયર તેમજ ચીનની જ્વેલરી કંપની ચૌઈ તાઈ ફુકને ડાયમંડ ફાઉન્ડ્રી ઇન્ક કંપની સરેરાશ 282 પ્રતિ કેરેટના ભાવથી લેબગ્રોન હીરાનું વેંચાણ કરે છે.લેબગ્રોન હીરાની આ કીંમત ઘણા કુદરતી હીરાથી પણ વધુ છે.આ આંકડાઓ દર્શાવે છે કે વૈશ્વિક હીરા અને જ્વેલરી કારોબારમાં જંગી પરિવર્તનનું વાવાઝોડૂ ફૂંકાવાની શરૂઆત થઈ ચુકી છે.