બેલ્જિયમની બેંકો દ્વારા ધિરાણમાં આવતી મુશ્કેલીઓ અંગે હીરા ઉદ્યોગકારોની સાફ વાત : માત્ર બેંક ધિરાણના લાભો સિવાય હીરાના કારોબારમાં બેલ્જિયમનું કોઇ વિશિષ્ટ સ્થાન નથી

16

હીરાના વૈશ્વિક કેન્દ્ર તરીકે દુબઈનો દબદબો સાતમા આસમાને છે જેની તુલનાએ બેલ્જિયમનું મહત્વ ઘટી રહ્યુ છે.આ વાતથી હીરા ઉદ્યોગકારો સહીત બેલ્જીયમની સરકાર પણ સારી રીતે વાકેફ છે.આ પરિવર્તન વચ્ચે ભારત સ્થિત બેલ્જિયમના રાજદૂત એચ.ઈ ફ્રાંકોઈસની આગેવાની હેઠળ બેલ્જિયમ દૂતાવાસના પ્રતિનિધિ મંડળની સુરત મુલાકાત ભારે સુચક છે.

DIAMOND TIMES – હીરાના વૈશ્વિક કેન્દ્ર તરીકે દુબઈનો દબદબો વધી રહ્યો છે તો તેની તુલનાએ બેલ્જિયમનું મહત્વ ઘટી રહ્યુ છે.દુબઈ બેલ્જિયમના એક મોટા હરીફ તરીકે વધુ મજબુત બની રહ્યુ છે.વળી બીજી તરફ સુરત ડાયમંડ બુર્સ ધમધમતુ થશે ત્યારે હીરાના સહુથી મોટા વૈશ્વિક કેન્દ્ર તરીકે સુરત પણ દુબઈ અને બેલ્જિયમને ટક્કર આપવા સક્ષમ બનવાનું છે.

કારણ કે વિશ્વની સહુથી મોટી રફ કંપની અલરોઝા સુરતમા રફ હીરાનું કેન્દ્ર સ્થાપવા ઉત્સુક છે.ખાસ વાત તો એ છે કે ભારત સરકાર રફ હીરાની આયાતને અનુલક્ષીને સુસંગત પોલિસી બનાવશે તો ડીબિયર્સ સહીત વિશ્વ ની અનેક રફ કંપનીઓ અલરોઝાના પગલે ચાલીને સુરતને રફ હીરાના કારોબારનું મોટૂ કેન્દ્ર બનાવશે.આવી આદર્શ સ્થિતિનું જ્યારે સર્જન થશે ત્યારે હીરા કારોબારમાં બેલ્જિયમનું મહત્વમાં અત્યંત ઘટાડો થવાનો છે.ભવિષ્યના આ પરિવર્તનથી બેલ્જિયમ પણ સારી રીતે વાકેફ છે.પરિણામેહીરા કારોબારમાં પોતાનું સ્થાન સલામત રીતે જાળવી રાખવા તે પ્રયાસો કરે તે બાબત પણ વ્યાજબી છે.

કહેવાય છે કે આ પ્રકારના પ્રયાસના ભાગરૂપે ભારત સ્થિત બેલ્જિયમના રાજદૂત એચ.ઈ ફ્રાંકોઈસની આગેવાની હેઠળ બેલ્જિયમ દૂતાવાસનું પ્રતિનિધિમંડળે સુરતની GJEPCની પ્રાદેશિક કચેરીની મુલાકાત લઈ એક બેઠક યોજી હતી.આ બેઠકમાં બંને દેશો વચ્ચે દ્વિપક્ષીય વેપારને વધુ મજબૂત બનાવવા ઉપસ્થિત હીરા અગ્રણીઓ અને એચ.ઈ ફ્રાન્સીસકો વચ્ચે વિચારોની આપ-લે થઈ હતી.

GJEPC ગુજરાતના રિજયોનલ ચેરમેન દિનેશભાઈ નાવડિયાએ તેમના વક્તવ્યમાં વિઝાના નવીકરણ માટે દર 5 વર્ષે બાયોમેટ્રિક વેરિફિકેશન અંગે ચિંતા વ્યક્ત કરતા એચ.ઈ ફ્રાંકોઈસને નવીકરણની પ્રક્રિયાને સરળ બનાવવા અપીલ કરી હતી.જ્યારે GJEPCના અસિસ્ટેંટ ડિરેક્ટરએ ભારતમાં ડાયમંડ એક્સપોર્ટ અને ઈમ્પોર્ટના તથ્યો અને આંકડાઓ પર પ્રેઝન્ટેશન આપ્યું હતું અને 2 દેશો વચ્ચેના વેપાર અંગે સમજ આપી હતી.

ફ્રાંકોઈસે તેમના વક્તવ્યમાં સુરતમાં ડાયમંડના આગેવાનો દ્વારા બનાવવામાં આવેલ માળખાગત સુવિધાઓની પ્રશંસા કરી હતી.તેમણે સભ્યોને બેલ્જિયમ સાથે બિઝનેસ શરૂ કરવા અને વધારવા પ્રોત્સાહિત કર્યા હતા.તેમણે એ વાત પર પણ ભાર મૂક્યો હતો કે ડાયમંડનો બિઝનેસ તેમની અર્થવ્યવસ્થામાં સૌથી વધુ મહત્વનો ફાળો આપે છે.

હીરા ઉદ્યોગકારોએ બેલ્જિયમની બેન્કો દ્વારા ધિરાણમાં આવતી મુશ્કેલીઓનો મુદ્દો ઉઠાવી તે અંગે ચિંતા વ્યક્ત કરતા સ્પષ્ટ શબ્દોમાં કહ્યુ કે બેલ્જિયમની બેંકો વેપારને સમર્થન આપી રહી નથી.નવા પ્રવેશકર્તાઓ માટે બેલ્જિયમની સ્થાનિક બેંકો પાસેથી ધિરાણ મેળવવાનું મુશ્કેલ બની ગયું છે.હીરા અગ્રણીઓએ કહ્યુ કે બેલ્જિયમ રફ ડાયમંડનો એક મુખ્ય સ્ત્રોત છે.જે મુખ્યત્વે વ્યાપાર કરવાની સરળતા સિવાય નાણાકીય લાભોને કારણે જ વિશિષ્ટ મહત્વ ધરાવે છે.માનનીય રાજદૂતે કહ્યું કે સરકાર આ તરફ કામ કરી રહી છે અને આશા છે કે તે ટૂંક સમયમાં ઉકેલાઈ જશે.

પ્રાદેશિક સમિતિના સભ્યો અને SIDC બોર્ડના સભ્યોએ પ્રતિનિધિમંડળને મુંબઈ અને સુરતમાં SNZ જેવા GJEPC દ્વારા બનાવેલ માળખાકીય સુવિધાઓ વિશે બેલ્જિયમના બજારમાં જાગૃતિ ફેલાવવાનો આગ્રહ કર્યો હતો. તેઓએ પ્રતિનિધિ મંડળને ખાતરી આપી કે આ સુવિધાઓથી બંને દેશોને ફાયદો થશે.