હીરા ઉદ્યોગપતિ દિનેશ નાવડીયાની વિશ્વ હિન્દુ પરિષદના રાષ્ટ્રીય ખજાનચી પદે નિમણૂંક

24

DIAMOND TIMES –જેમ્સ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલના રિજિયોનલ ચેરમેન અને અગ્રણી હિરા ઉદ્યોગપતિ દિનેશ નાવડીયાની વિશ્વ હિન્દુ પરિષદના રાષ્ટ્રીય ખજાનજી તરીકે નિમણૂંક થઈ છે.હાલમાં તેઓ દક્ષિણ ગુજરાત વિહીપ સંગઠન પ્રમુખ તરીકે કામગીરી બજાવી રહ્યા હતા.

દિનેશ નાવડીયા છેલ્લા સાડા ત્રણ દાયકાથી વધુ સમયથી સમગ્ર ગુજરાતમાં વિશ્વ હિન્દુ પરિષદના સંગઠનાત્મક પ્રવૃતિ ઓમાં સક્રીય રીતે જુદી જુદી ફરજો નિભાવી ચૂક્યા છે. એક સમય એવો હતો કે જ્યારે વિશ્વ હિન્દુ પરિષદનું ગુજરાત નું માળખું વેરવિખેર થઇ જાય તેવી સ્થિતિ હતી એવા સમયે દિનેશ નાવડીયાએ વિહિપના સમગ્ર માળખાને એકજૂટ અને વધુ મજબૂત બનાવવા અભિયાન હાથ ધર્યા હતા.આ કામગીરીથી સમગ્ર દક્ષિણ ગુજરાતમાં વિશ્વ હિન્દુ પરિષદનું નેટવર્ક વિકસી શક્યું છે.

વિહિપના રાષ્ટ્રીય ખજાનજી તરીકે નિયુક્તિ બાદ પહેલી પ્રતિક્રિયા વ્યક્ત કરતા દિનેશભાઇ નાવડીયાએ જણાવ્યું હતું કે ઉદ્યોગ અને ધર્મ જીવનના બે મહત્વના પાસા છે.હીરા ઉદ્યોગમાં હું ઉદ્યોગકાર તરીકે મારી ભૂમિકા અદા કરું છે.જ્યારે હિન્દુ ધર્મના ઉત્થાન અને સંગઠન માટે વિશ્વ હિન્દુ પરિષદનું જે પણ કોઇ કાર્ય, જવાબદારી મને આપવામાં આવે છે તેને ન્યાય આપવાની નિષ્ઠાપૂર્વક કોશીશ કરું છું.વિશ્વ હિન્દુ પરિષદના રાષ્ટ્રીય ખજાનજી તરીકે મને જે જવાબદારી સોંપવામાં આવી છે તેને પણ હું સુપેરે અદા કરીશ.