ડભોલીના હીરા કારખાનેદાર પાસેથી હીરા દલાલ તેજસ નારોલાએ 14 લાખના હીરા વેચવા લઈ હડપ કર્યાં

DIAMOND TIMES : કતારગામ વિસ્તારમાં હીરાનું કારખાનું ધરાવતા ડભોલીના કારખાનેદાર પાસેથી 40 દિવસ અગાઉ રૂ.14 લાખના હીરા વેચવા લઈ જઈ દલાલે પૈસા કે હીરા પરત નહીં કરતા કતારગામ પોલીસે છેતરપિંડીનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ મૂળ બોટાદના ગઢડાના નીંગાળા ગામના વતની અને સુરતમાં ડભોલી ચાર રસ્તા હરીદર્શન રો હાઉસ ઘર નં.202 માં રહેતા 42 વર્ષીય રાજેશભાઇ મનજીભાઇ વિઠાણી કતારગામમાં મહેતા પેટ્રોલ પંપની સામે અવધ-2 ગાળા નં.503 માં પાંચમા માળે મોક્ષ ડાઇમ એલ.એલ.પી.ના નામે ભાગીદારીમાં હીરાનું કારખાનું ચલાવે છે.

દરમિયાન રાજેશભાઈ કોઇ કામસર મહિધરપુરા હીરા બજારમાં ગયા હતા ત્યારે તેમનો પરિચય હીરા દલાલ તેજસ હિંમતભાઇ નારોલા ( રહે.ઘર નં.67, પુજા પાર્ક સોસાયટી, આંબાતલાવડી, કતારગામ, સુરત ) સાથે થયો હતો.બાદમાં હીરા દલાલ તેજસ નારોલા કતારગામમાં રાજેશભાઈ નારોલાના કારખાને કામ માટે આવતો હતો.તે બે વખત હીરા વેચવા માટે લઈ જઈ સમયસર પેમેન્ટ કરતા તેના પર કારખાનેદાર રાજેશભાઈને વિશ્વાસ આવ્યો હતો.

દરમિયાન, ગત 28 જૂનના રોજ હીરા દલાલ તેજસ રાજેશભાઈના કારખાનેથી રૂ.14 લાખની મત્તાના 86.37 કેરેટ હીરાનું પડીકું વેચવા લઈ ગયો હતો. પણ 35 દિવસ બાદ પણ તેણે પેમેન્ટ નહીં કરતા કે હીરા પરત નહીં કરતા રાજેશભાઈએ ફોન કર્યો તો કહ્યું હતું કે હીરાનું પડીકું મારી પાસે જ સહી સલામત છે.બજારમાં બતાવું છું, સારી ઓફર આવે એટલે કહું.બાદમાં રાજેશભાઈ જયારે પણ ફોન કરતા ત્યારે તેજસ બરાબર વાત કરતો નહોતો અને ફોન કાપી નાખતો હતો. આથી છેવટે રાજેશભાઈએ ગતરોજ તેના વિરુદ્ધ કતારગામ પોલીસ મથકમાં છેતરપિંડીની ફરિયાદ નોંધાવતા પોલીસે તેજસને ઝડપી પાડવા તજવીજ હાથ ધરી છે.