રફ કંપનીઓની સિન્ડીકેટ તોડવાની ક્ષમતા કેળવો અથવા તો નફાના ભોગે તેની તિજોરી ભરો!

1208
ભારતનો જેમ એન્ડ જ્વેલરી ઉદ્યોગ ફીનીક્સ પંખીની જેમ રાખમાથી બેઠો થવાનો લડાયક મિજાજ જરૂરથી ધરાવે છે.વળી ભારતના સાહસિક હીરા ઉદ્યોગપતિઓની ક્ષમતા પર સમગ્ર વિશ્વ આફ્રીન છે. મંદી કે અન્ય કોઇ નકારાત્મક પરિબળો કે સમસ્યાઓની સામે ઘુંટણીયે પડી જવાના બદલે મુશ્કેલીઓનો સામી છાતીએ મજબુતાઈથી મુકાબલો કરવામાં પણ કાબેલ છે. કુદરતી કે માનવસર્જીત આફતના સમયે એક થઈને સમાજને મદદરૂપ થવામાં આ હીરા ઉદ્યોગકારોનો જોટો જડવો મુશ્કેલ છે.પરંતુ જ્યારે રફની ખરીદી બાબતે એકતા દાખવી સિન્ડીકેટ રચવાની નોબત આવે ત્યારે વેરવિખેર થઈ જવાની તેમની મોટી નબળાઈ છે. ભારતનો હીરા ઉદ્યોગ અસંગઠીત છે. જેનાથી રફ ઉત્પાદક કંપની ઓ ખુબ સારી રીતે વાકેફ છે.રફ ની ખરીદીમાં સંયમ અને સુઝબુઝ દાખવવાના બદલે એકબીજાનું અનુકરણ કરીને રફની આડેધડ ખરીદી દ્વારા ડીમાન્ડ અને સપ્લાયના આદર્શ સમીકરણને સહજ વારમાં છીન્નભિન્ન કરી નાખવાની હીરા ઉદ્યોગની આદત છે.જેનાથી તનતોડ મહેનતના અંતે નિર્ધારીત નફો અંકે કરવાના બદલે તે રફ કંપનીઓની તિજોરીમાં ચાલ્યો જાય છે.

DIAMOND TIMES – કોઇ વ્યક્તિ વ્યવસાયમાં તનતોડ મહેનત કરે અને તેના મળનારા મીઠાફળ અણધારી રીતે બીજા જ ખાઈ જાય એટલે કે મળનારો નફો કોઇ બીજાની તિજોરીમાં ચાલ્યો જાય ત્યારે જે હાસ્યાસ્પદ કે દુ:ખદ સ્થિતિનું સર્જન થાય તેના માટે એક વાક્યમાં સચોટ નિરૂપણ કરતા અનેક પ્રચલિત મહાવરાઓ આપણી ગુજરાતીમા ભાષામાં છે.જે પૈકી ગાયને દોહી ને કુતરા ધરાવવા કે પછી દળી દળીને ઢાંકણીમાં જેવી કહેવત વધુ પ્રચલિત છે.આ વાત એટલા માટે યાદ આવી કે તાજેતરમાં રફ હીરાના ભાવો સતત વધી રહ્યા છે.જેનાથી મોટાભાગની હીરા મેન્યુફેકચરીંગ કંપનીઓ ના નફાનું ધોવાણ થઈ રહ્યુ છે.હીરા ઉદ્યોગમાં વેગવાન ઘોડા જેવી તેજી વચ્ચે નિર્ધારીત નફો મળવાની પાકી ખાતરી હોય અને અચાનક જ યુ ટર્ન આવે,જીતની આખી બાજી હારમાં પલટી જાય,નફો મળવાની વાત તો બાજુએ રહી, પણ નુકશાની ભોગવવાની પરિસ્થિતિ સામે આવીને ઉભી રહે ત્યારે આવી વિકટ સ્થિતિ માટે ઓછા શબ્દોમાં સચોટ વર્ણન કરવા ઉપરોક્ત મહાવરાનો ઉપયોગ થતો હોય છે.

આ વાત એટલા માટે યાદ આવી કે તાજેતરમાં જ રફ હીરાના સતત વધતા ભાવો વચ્ચે હીરા ઉદ્યોગકાર કંપનીઓના નફાનું ધોવાણ થઈ રહ્યુ હોવાના ચિંતાજનક અહેવાલ છે.જાણકારો અને બજાર નિષ્ણાંતોના મત્તે આ એટલા માટે બન્યુ છે કે રફ કંપનીઓએ વર્તમાન તેજીનો લાભ ઉઠાવવા કે રફના પુરવઠાની તંગીનો ગેરલાભ ઉઠાવવા સિનડીકેટ રચી રાતોરાત રફ હીરાના ભાવમાં 10 થી 15 ટકા જેટલો જંગી વધારો કર્યો છે.રફના ભાવ વધારા માટે રફ કંપનીઓએ ચાલેલી શતરંજની ચાલ અંગે બજારના અનુભવીઓ અને હીરા ઉદ્યોગના હિતેચ્છુઓએ ચેતવણી આપતા કહ્યુ છે કે રફની ખરીદીમા સંયમ અને સાવધાની રાખજો,અન્યથા આખુ વર્ષ કરેલી તનતોડ મહેનતના અંતે હાથમા આવનાર નફો રફ કંપનીઓની તિજોરીમાં ચાલ્યો જશે!

તાજેતરમાં કોરોના મહામારીના કારણે વિશ્વના અનેક દેશોમાં લોકડાઉનના પગલે હીરા અને ઝવેરાતનો કારોબાર વૈશ્વિક માંગના અભાવે ઠપ્પ થઈ ગયો હતો.પરંતુ સદ્દનશીબે હીરા અને ઝવેરાતના મુખ્ય બજાર ગણાતા અમેરીકા, યુરોપ,ચીન અને મધ્યપુર્વના દેશોએ કોરોના પર કાબુ મેળવી લેતા ફરીથી હીરા-ઝવેરાતની માંગ નિકળતા હીરા ઉદ્યોગે અકલ્પનિય રીતે ઝડપી રીકવરી કરી લીધી છે.જેના પગલે ભારતથી વિદેશમાં થતી હીરા અને ઝવેરાતની નિકાસમાં પણ અનેક ગણી વૃદ્ધિ થઈ છે.હીરા અને ઝવેરાતની વૈશ્વિક માંગ બરકારક રહેતા ભારતના હીરા ઉદ્યોગમાં તેજીનો દોર જળવાઈ રહ્યો છે.ઉપરાંત આગામી મહીનાઓમાં પણ તે સ્થિર રહેવાની જાણકારો ધારણા વ્યકત કરી રહ્યા છે.આવી સુદ્રઢ અને સકારાત્મક સ્થિતિ વચ્ચે વર્તમાન સમયમાં વિશ્વનાં મોટાભાગના બજારોમાં તૈયાર હીરાના પુરવઠાની તંગી છે.જેની પાછળ મેન્યુફેકચરીંગ ક્ષેત્રમાં કુશળ મેનપાવરની અછત અને કાચામાલ એટલે કે રફ હીરાની તંગી જવાબદાર છે.પરિણામે ભારતના હીરા ઉદ્યોગકારો તેજીનો મહત્તમ ફાયદો લઈ શકતા નથી.આ પ્રકારની સમસ્યા વચ્ચે હવે રફ હીરાના ભાવમાં જંગી વધારાની વધુ એક સમસ્યા સામે આવી છે.જેથી હીરા ઉદ્યોગના હીતમા આ સમસ્યા પર ખાસ વિશ્લેષણ કરવાની નોબત આવી છે.

રફના ભાવ વધારાએ નફાનું ધોવાણ કરતા હીરા ઉધોગની તેજી મૃગજળ સમાન : રાકેશ બોદરાનો આ અહેવાલ શુ સુચવે છે ??

રફના ભાવ વધારા અંગેની સમસ્યા પર પ્રકાશ પાડતો હીરા કારોબારી રાકેશ બોદરાનો તાજેતરમાં જ ડાયમંડ ટાઈમ્સમાં પ્રસિધ્ધ થયેલા અહેવાલ ઘણુ કહી જાય છે.અહેવાલમાં જણાવ્યા મુજબ ગત તારીખ 15 મે પછી 15 હજાર અંદરની રેન્જમાં તૈયાર હીરાના ભાવમાં લગભગ 15 ટકા જેટલા વધારો થયો છે.પરંતુ બીજી તરફ તૈયાર હીરાની તુલનાએ રફ હિરામાં 20 ટકાના ભાવ વધારાથી નફાનું ધોવાણ થતા મોટાભાગના ઉદ્યોગકારો માટે હીરા ઉધોગની તેજી મૃગજળ સમાન નિવડી છે.

કારખાનામાં રત્નકલાકારો અને ઓફીસ સ્ટાફની તંગી વચ્ચે તૈયાર હીરાની કોસ્ટિંગમાં પણ વધારો થયો છે.કારીગરોના અભાવે મજૂરી દર પણ વધારવા પડ્યા છે.તો રફ હીરાની અછતના કારણે વેપારીઓ ઉંચા ભાવે રફ હીરાની ખરીદી કરવા મજબૂર બન્યા છે.વળી વર્કીંગ કેપિટલની ખેંચ અને બજારની અસ્થિર ચાલ વચ્ચે વર્તમાન પરિસ્થિતિમાં ઉદ્યોગકારો માલ સાચવવા તૈયાર નથી.જો તૈયાર હીરાના ભાવ તૂટશે તો ઘણું નુકશાન સહન કરવું પડશે એવી ભીતી વચ્ચે ઉદ્યોગકારો-વેપારીઓ તૈયાર હીરા તરત જ વેચવાની નીતિ અપનાવી કામ કરી રહ્યા છે.આમ તૈયાર હીરામાં ભાવ વધારો થયો હોવા છતા પણ ઉદ્યોગકારોનો નફો ઘટ્યો છે.ઉલ્લેખનિય છે કે 22000 ઉપરની તૈયાર હીરાની રેન્જમાં કોઈ ભાવ વધારો નહી થતા આ કેટેગરીના હીરા તૈયાર કરનાર કારખાનેદારો માટે તો હીરા ઉદ્યોગની તેજી માત્ર એક સુ:ખદ સ્વપ્નથી વિશેષ કાઈ નથી.આવા કારખાનેદારોના ભાગે તો કારીગરોના અભાવે વધારે મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો છે.

વર મરો, કન્યા મરો પણ ગોરનું તરભાણુ ભરો જેવી રહી છે રફ કંપનીઓની બિઝનેસ પોલિસી 

ઉપરોક્ત અહેવાલ પરથી અંદાજ લગાવી શકાય તેમ છે કે રફ હીરાનો ભાવ વધારો હીરા મેન્યુફેકચરીંગ માટે નફાનું ધોવાણ કરનારો સાબિત થઈ શકે છે.જો કે રફ કંપનીઓની આ પ્રકારની મનસ્વી બિઝનેસ નીતી માટે મોટાભાગના કારખાનેદારો કે મેન્યુફેક્ચરીંગ કંપનીઓની આડેધડ રફ ખરીદી કરવાની આદત જવાબદાર હોવાનું જાણકારો માની રહ્યા છે. ડીબિયર્સ,અલરોઝા સહીતની મોટા ભાગની જાયન્ટ રફ કંપનીઓની વર મરો, કન્યા મરો પણ ગોરનું તરભાણુ ભરો જેવી બિઝનેસ પોલિસી રહી છે. જેમા કશુ ખોટુ નથી કેમ કે દરેક કારોબારીઓને તેમની બિઝનેસ પોલિસી નિર્ધારીત કરવાનો હક હોય છે.જે દરેક કંપનીઓની આર્થિક ક્ષમતા અને મોનોપિલીને આધારે ઘડાતી હોય છે. બરાબર એજ પ્રકારે હીરાની મેન્યુફેકચરીંગ કરતી કંપનીઓએ પણ પોતાની આર્થિક ક્ષમતા,તાકત અને કમજોરીને ધ્યાને રાખીને બિઝનેસ પોલિસી નિર્ધારીત કરે છે.તેમા નિર્ધારીત નફો રળવા કારખાનામાં વપરાતા કાચા માલની વ્યાજબી ભાવે ખરીદી થાય એ પ્રથમ શરત છે.પરંતુ જાણકારોનું માનવુ છે કે હીરા ઉદ્યોગમાં કાર્યરત મોટાભાગના કારખાનેદારો રફ હીરાની ખરીદીમાં સુઝબુઝ અને સંયમ દાખવવાના બદલે અન્ય કંપનીનું અનુકરણ કરે છે.આ બેદરકારીથી નફો મળવાના બદલે આર્થિક નુકશાન જવાના વધુ ચાન્સ રહેલા છે.

સંસ્કૃત ભાષામાં એક સુભાષિત છે કે आकाशात् पतितं तोयं यथा गच्छति सागरम् | सर्वदेवनमस्कार: केशवं प्रति गच्छति || જેનો અર્થ થાય છે કે આકાશમાથી પડેલુ પાણી જે રીતે સમુદ્રમાં જાય છે એમ કોઇ પણ દેવને કરેલા નમસ્કાર અંતે તો ભગવાન શ્રી હરિ શ્રીકૃષ્ણને જાય છે.હીરા ઉદ્યોગ માટે આ શ્લોકને સુધારીને કહેવુ હોય તો કઈ શકાય કે ભલે ભારતના હીરા ઉદ્યોગકારો ગમે તેટલો નફો કરે પરંતુ રફ ઉત્પાદક કંપનીઓની ચતુર બિઝનેસ પોલિસી સામે આડેધડ અને બેજવાબદારી પુર્વક રફની ખરીદી કરવાથી નફો અંતે તો રફ કંપનીઓની તિજોરીમાં જ જાય છે.

રફ હીરાની ખરીદી બાબતે ઉદ્યોગકારોમાં અસમંસજની સ્થિતિ :વિશાલ તેજાણી (JAYVIDIAM NV (Belgium)

વિશાલ તેજાણી (JAYVIDIAM NV (Belgium)
વિશાલ તેજાણી (JAYVIDIAM NV (Belgium)

પાછલા 23 વર્ષથી બેલ્જિયમમાં રહીને હીરાના કારોબાર સાથે સંકળાયેલા બેલ્જીયમ સ્થિત જયવીડાયમ (NV) કંપનીના વિશાલ તેજાણીએ કહ્યુ કે ભારતિય કંપનીઓ રફ હીરાના પુરવઠાના શોર્ટેજની સમસ્યાનો સામનો કરી રહી છે.આવી સ્થિતિ વચ્ચે રફની કીંમતોમાં વૃદ્ધિ થઈ છે.ખાસ વાત તો એ છે કે રફ હીરાની કીંમતોમાં વધારા વચ્ચે પણ ડીબિયર્સ,અલરોઝા સહીતની રફ ઉત્પાદક કંપનીઓના રફના વેંચાણમાં વધારો થયો છે.જેના પરથી અંદાજ લગાવી શકાય છે કે રફ હીરાની કીંમતોમાં થયેલા વધારાની ચિંતા વગર અથવા તો ઓર્ડર પુર્ણ કરવા મજબુરીથી ભારતિય કંપનીઓ રફ હીરાની ખરીદી કરી રહી છે.અમેરીકા-યુરોપ સહીત ચીન અને મધ્યપુર્વના દેશોમાં તૈયાર હીરા અને ઝવેરાતની સારી માંગ છે.ભારતની હીરા અને ઝવેરાતની નિકાસમાં ભારે વૃદ્ધિ નોંધાઈ છે.ઉપરાંત અમેરીકામાં લગ્ન સિઝન અને આગામી વેકેશન પિરીયડને ધ્યાનમાં લેતા હીરા અને ઝવેરાતની ડીમાન્ડ જળવાઈ રહેવાની જાણકારો સંભાવનાઓ વ્યકત કરી રહ્યા છે.

તેમણે ઉમેર્ય કે પોલિશ્ડ હીરાની સતત વધતી વૈશ્વિક માંગના પગલે રફ હીરાની માંગ વધવાની ધારણા વચ્ચે વર્તમાન સમયની તુલનાએ ભવિષ્યમાં રફ હીરાના ભાવમાં વધુ ઊછાળો આવે તેવી સંભાવનાઓ છે.વર્તમાન સમયે અનેક ભારતિય કંપનીઓ રફ હીરાની ખરીદી કરવાનું વિચારી રહ્યા છે.પરંતુ વર્તમાન સમયની રફ હીરાની ઉંચી કીંમત અને આગામી દીવસોમાં પણ રફ હીરાના ભાવમાં વધારો થવાની શક્યતાઓના પગલે રફ હીરાની ખરીદી બાબતે તેઓ ભારે અસમંસજની સ્થિતિમાં છે.જો કે કેટલાક હીરા ઉદ્યોગકારો ઊંચી કીંમતે પણ જરૂરીયાત મુજબની રફની ખરીદી કરી રહ્યા છે.અંતમા તેમણે હીરા ઉદ્યોગકારોને સલાહ આપતા કહ્યુ કે આડેધડ ઉંચી કીંમતે રફ હીરાની ખરીદી કરવાના બદલે સુઝબુઝ મુજબ યોગ્ય નિર્ધારીત નફો મળે તેને ધ્યાનમાં રાખીને રફ હીરાની ખરીદી કરવી જોઇએ.

રફ ની કીંમતોમા થઈ રહેલી સતત વૃદ્ધિ માર્કેટમાં ગંભીર સમસ્યા સર્જી શકે : અમિષભાઈ દરબાર (અરીહા ડાયમંડ)

મહીધરપુરામાં તૈયાર હીરાની ખરીદીના કારોબાર સાથે સંકળાયેલા અરીહા ડાયમંડ કંપનીના અનુભવી કારોબારી અમિષભાઈ દરબારે રફ હીરાના સતત વધતા જતા ભાવ ચિંતા વ્યકત કરતા કહ્યુ કે રફ ની કીંમતોમા થઈ રહેલી સતત વૃદ્ધિથી તૈયાર હીરાના માર્કેટમાં ગંભીર અસર થવાની ભીતી છે. હાલમાં અમેરીકા-યુરોપ,ચીન અને મધ્યપુર્વના દેશો સહીત વિદેશમાં તૈયાર હીરાની ડીમાન્ડ છે. જેથી થોડાઘણા અંશે તૈયાર હીરાની કીંમતો જળવાઈ રહી છે. પરંતુ આગામી દીવસોમાં પોલિશ્ડ હીરાની માંગ અને કીંમતો નીચે જવાની પુરેપુરી સંભાવનાઓ છે.તેમણે કારખાનેદારોને સજાગ કરતા કહ્યુ કે હાલમાં તૈયાર હીરાની માંગ વચ્ચે ઉંચા ભાવે રફની ખરીદી કરનારા કારખાનેદારો માટે નફાના આંકડાઓ બેસાડવો ભારે કઠીન છે તો અત્યારના ભાવની તુલનાએ ઉંચી કીંમતે રફ હીરાની ખરીદી કરવી એ કારખાનેદારોના આર્થિક હીત માટે ભારે જોખમી છે.તેમણે આ મુદ્દે ગણિત સમજાવતા કહ્યુ કે જો ઉંચી કીંમતે રફ લીધી હોય અને તૈયાર હીરાનું બજાર નીચુ આવે ત્યારે પરિસ્થિતિ ખુબ વિકટ બની જાય છે.જેથી વિદેશમાં પોલિશ્ડ હીરાની ભારે માંગ હોવાથી તૈયાર હીરાની કીંમતો વધવાની જ છે એવી ગેરમાન્યતામાથી બહાર આવીને કારખાનેદારોએ વાસ્તવિકતા સ્વીકારી રફ હીરાની આડેધડ ખરીદી કરવાના બદલે ખુબ સંયમ પુર્વક સુઝબુઝ દાખવી ખરીદી કરવાનો અભિગમ અપનાવવો જોઇએ એવુ મારૂ માનવુ છે.

રફ અને પોલિશ્ડની આકસ્મિક ભાવ વધારો બજાર ડાયજેસ્ટ નહી કરી શકે : પ્રતિકભાઇ આર. શાહ – દેવ ડાયમંડ

મહીધરપુરા હીરા બજારમાં કારોબાર કરતા દેવ ડાયમંડ કંપનીના પ્રતિકભાઇ આર. શાહે હીરા ઉદ્યોગની વર્તમાન પરિસ્થિતિનું સચોટ વિશ્લેષ્ણ કરતા કહ્યુ રત્નકલાકારોની અછત વચ્ચે નિર્ધારીત પ્રોડકશન નહી થવાથી પોલિશ્ડની શોર્ટેજ થવાથી તૈયાર હીરાનું માર્કેટ ઉપર આવ્યુ છે.ઓવરસિઝ માર્કેટમાં એક ચોક્કસ પ્રાઈઝ રેન્જની ડીમાન્ડ ચાલુ થાય છે.તેમણે ઉદાહરણ આપતા કહ્યુ કોઇ પણ રેન્જના તૈયાર હીરામાં ભાવ વધારો બજારના નીત્તી નિયમ મુજબ થતો હોય છે.જેમકે પ્રતિ કેરેટ 18 હજારની રેન્જના હીરામાં તબક્કા વાર 500 રૂપિયા ભાવ વધારો વ્યાજબી છે.પરંતુ એકાએક પ્રતિ કેરેટ હજારથી બે હજારનો ભાવ વધારો કોઇ કાળે શક્ય જ નથી.કેમ કે આ ભાવ વધારો કોઇ કસ્ટમર ચુકવવા તૈયાર થતા નથી. મોટાભાગના કારખાનેદારોમાં એવી ગેરમાન્યતા છે કે પોલિશ્ડનું ઉત્પાદન ઘટવાથી ઉભી થયેલી પુરવઠાની તંગીના કારણે પોલિશ્ડ હીરાના ભાવમાં મોટો વધારો થશે.આવી માન્યતા વચ્ચે રફના ભાવમાં ઇન્ક્રીમેન્ટ આવતા હવે કારખાનેદારો વધુ 10 ટકાનો ભાવ ધારો માંગવા લાગ્યા છે.બીજી તરફ ટ્રેડર્સો તૈયાર હીરાની ઉંચી પ્રાઈઝ ચુકવવા તૈયાર થતા નથી.કારણ કે આ માલને ખરીદીને આગળ પુશઅપ કરવાનો થતો હોય છે.તેમા જો કોઇ ટ્રેડશ દશ ટકાનો વધારો માંગે ત્યારે ગ્રાહકો તે ચુકવવા તૈયાર હોતા નથી.પરિણામે ટ્રેડર્સએ ફરજીયાત તૈયાર હીરાની ખરીદી પર બ્રેક મારવી પડે છે.બીજી તરફ રફના ભાવ વધારાથી પોલિશ્ડ હીરાની ઉંચી કોસ્ટથી મેન્યુફેકચરર્સ પણ નીચા ભાવે માલ આપી શકવાની સ્થિતિમા હોતા નથી. આ બાબત જોતા મને લાગે છે કે રફ કંપનીઓ દ્વારા એકાએક જે જંગી ભાવ વધારો કરવામાં આવ્યો એ બાબત પ્રેકટીકલ નથી. રફ કંપનીઓની ભાવ વધારાની આ હરકતથી સમગ્ર હીરા બજારના કામકાજો પ્રભાવિત થયા છે.ટૂંકમા કહુ તો રફ અને પોલિશ્ડની આકસ્મિક ઉંચી કીંમતો બજાર ડાયજેસ્ટ નહી કરી શકે

રફ કંપનીઓ દ્વારા રફ હીરાના ભાવમાં કરવામાં આવેલા વધારા પછી હીરા કારોબારમાં ઉભી થયેલી સમસ્યાના નિવારણ બાબતે પ્રતિકભાઇએ પ્રતિભાવ આપતા કહ્યુ કે રફની ખરીદી બાબતે વેપારીઓએ હરીફાઈ કરવી જોઇએ નહી.પરંતુ એકસંપ રાખી ઉંચી કીંમતે રફની ખરીદી કરવાના બદલે થોભો અને રાહ જુઓની નીતી અપનાવવી જોઇએ કેમકે તેનાથી સમગ્ર હીરા ઉદ્યોગને ફાયદો થાય તેમ છે. જો કારખાનેદારો રફની ખરીદીમાં સંયમ રાખશે તો રફ કંપનીઓને પણ રફની કીંમતોમાં ફેરવિચારણા કરવાની ફરજ પડશે.વળી રફના અભાવે પોલિશ્ડનું ઉત્પાદન ઘટતા બજારમાં માલની વધુ તંગી ઉભી થતા પોલિશ્ડની કીંમતોમાં પણ વૃદ્ધિ થશે.સરવાળે સમગ્ર હીરા ઉદ્યોગને તેનો ફાયદો મળશે.

જે રીતે હીરાથી જ હીરો ઘસાય એમ રફ કંપનીઓની સિન્ડીકેટને કારખાનેદારોની સિન્ડીકેટ વડે જ તોડી શકાય : નિલેશ બોડકી

વર્તમાન તેજીનો લાભ લેવા કે પછી કારખાનેદારોની રફની ખરીદીની મજબુરીનો ગેરલાભ ઉઠાવવા મોટાભાગની રફ કંપનીઓએ સિન્ડીકેટ રચીને મનસ્વી રીતે રફ હીરાનો ભાવ વધારો કર્યો છે.મને લાગે છે કે હવે ભારતના હીરા ઉદ્યોગકારોએ ઇંટનો જવાબ પથ્થરથી આપવાની જરૂર છે.જે રીતે હીરાથી હીરો ઘસાય એમ રફ કંપનીઓની સિન્ડીકેટને તોડવા કારખાનેદારોએ પણ સિન્ડીકેટ રચી ખુબ જ સંયમપુર્વક રફની ખરીદી કરવી જોઇએ એવુ મારૂ મંતવ્ય છે.

નિલેશ બોડકીએ હીરા ઉદ્યોગકારોને સચેત કરતા કહ્યુ કે રફની ખરીદી બાબતે રફ કંપનીઓના હાથના ઇશારે નાચવાના બદલે હવે આપણને પરવડે એવા ભાવે રફની ખરીદીનું આયોજન કરવાનો સમય આવી ગયો છે. જો હીરા ઉદ્યોગ સંગઠીત થઈને આ કાર્ય કરી શકશે તો રફ કંપનીઓને સીધા દોર થયા વગર છૂટકો જ નથી.તેમણે ઉદાહરણ આપતા કહ્યુ કે ગત વર્ષે કોરોના મહામારી વચ્ચે આપણા હીરા ઉદ્યોગને હેમખેમ અને ટકાવી રાખવા સામુહીક રીતે સમગ્ર હીરા ઉદ્યોગ અને મેન્યુફેકચરીંગ કંપનીઓએ રફ હીરાની ખરીદી પર બ્રેક મારી દીધી હતી.એ સમયે હીરા ઉદ્યોગે લીધેલા એ ઉચિત અને અસરકારક નિર્ણયથી જ અત્યારે હીરા ઉદ્યોગને વેગ મળ્યો છે.હવે એ યોગ્ય નિર્ણયનું પુનરાવર્તન કરવાની હીરાઉદ્યોગના હીત માટે આવશ્યકતા ઉભી થઈ છે.

તેમણે સ્પષ્ટતા કરતા કહ્યુ કે રફની ખરીદીમાં સાવ બ્રેક મારી દેવાની જરૂર નથી.પરંતુ માત્ર થોડા દીવસો માટે થોભો અને રાહ જુઓની નીત્તી અપનાવવાની જરૂર છે.જો આપણે રફ કંપનીઓને ગરજ નહી બતાવીએ તો ચોક્કસ તે નફામાં બાંધછોડ કરશે.જેનો ફાયદો એ થશે કે આપણને પોષાય તેવા વ્યાજબી ભાવથી રફનું વેંચાણ કરવાની રફ કંપનીઓને ફરજ પડશે.

હજુ પણ રફ હીરાની કીંમતોમાં વૃદ્ધિ થવાના સંકેતો છે : કેશુભાઈ ગોટી

હીરાની અગ્રણી કંપની ગ્લોસ્ટારના માલિક કેશુભાઈ ગોટીએ કહ્યુ કે ડીબિયર્સએ તેની પાંચમી સાઈટમાં રફ હીરાના જથ્થાની સાથે તેની કીંમતો પણ વધારી હતી.ડી બિયર્સએ 2 કેરેટથી મોટા કદના રફ હીરાના ભાવમાં લગભગ 10 થી 15 ટકા જ્યારે અન્ય કેટેગરીના રફ હીરાની ટકાવારીમાં સિંગલ ડીઝીટમાં ભાવ વધારો કર્યો હતો. તૈયાર હીરાની વૈશ્વિક ડીમાન્ડના પગલે રફ હીરાની માંગ વધવાની સંભાવનાઓ જોતા આગામી 12 થી 16 જુલાઈની ડીબિયર્સની સાઈટ સહીત કેટલીક કેટેગરીના રફ હીરાની કીંમતોમાં વૃદ્ધિ થવાના અત્યારથી જ સંકેતો મળી રહ્યા છે.

 

રફ કંપનીઓને કંટ્રોલ રાખવામાં લેબગ્રોન ઉત્પાદકોનું મહત્વપુર્ણ યોગદાન

મોટાભાગની વિદેશી રફ કંપનીઓ પોતાના આર્થિક હીતને પ્રાધાન્ય આપતી હોય છે. આગળ લખ્યુ તેમ વર મરો, કન્યા મરો પણ ગોરનું તરભાણુ ભરો જેવી તેમની બિઝનેસ પોલિસી રહી છે.વર્તમાન સમયની તુલનાએ આજથી પાંચ વર્ષ આગાઉના સમયની વાત કરીએ તો ભારતની હીરા મેન્યુફેકચર્સ કંપનીઓ ખુબ જ દબાયેલી હતી. કારણ કે હાલના સમયની જેમ તે વખતે લેબગ્રોન હીરાનો વિકલ્પ ન હતો. પરંતુ હવે અગાઉના સમયની તુલનાએ પરિસ્થિતિમાં ખુબ પરિવર્તન આવ્યુ છે. જાણકારો કહે છે કે વૈશ્વિક બજારમાં નેચરલ હીરાની સમાંતર લેબગ્રોન હીરાની માંગ નિકળતા હીરા ઉદ્યોગકારોને એક મજબુત વિકલ્પ મળ્યો છે. જેથી કહી શકાય કે રફ કંપનીઓને કંટ્રોલ રાખવામાં લેબગ્રોન ઉત્પાદકોનું મહત્વપુર્ણ યોગદાન રહ્યુ છે.