દેશના વિદેશી હૂડિયામણ અને સોનાના ભંડારના મૂલ્યમાં ઘટાડો

DIAMOND TIMES : દેશના વિદેશી મુદ્રા ભંડારમાં ફરી ઘટાડો થયો છે. ૧૬ ડિસેમ્બર, ૨૦૨૨ ના રોજ પૂરા થયેલા સપ્તાહ દરમિયાન વિદેશી વિનિમય અનામત ૫૭૧ મિલિયન ડોલર ઘટીને ૫૬૩.૪૯૯ બિલિયન ડોલર થઈ ગઈ છે,તેમ રિઝર્વ બેંકના ડેટામાં જણાવાયું હતું.એવું કહેવાય છે કે ગત દીવસોમાં વૈશ્વિક ઘટનાઓમાં ઘણી હલચલ જોવા મળી હતી.તેના કારણે ભારતીય ચલણના મૂલ્યમાં ડોલર સામે નોંધપાત્ર ઘટાડો થયો હતો.આ તીવ્ર ઘટાડાને રોકવા માટે રિઝર્વ બેંકે બજારમાં ડોલરનો જથ્થો ઠાલવ્યો હતો.તેની અસર દેશના વિદેશી મુદ્રા ભંડાર પર પડી હતી.

૧૬ ડિસેમ્બર અગાઉના સતત પાંચ સપ્તાહ સુધી ભારતના વિદેશી મુદ્રા ભંડારમાં નોંધપાત્ર વધારો થયો હતો.૯ ડિસેમ્બરના રોજ પૂરા થયેલા સપ્તાહમાં વિદેશી મુદ્રા ભંડાર ૨.૯૧ બિલિયન ડોલર વધીને ૫૬૪.૦૬ બિલિયન ડોલર પર પહોંચી ગયો હતો.જેના કારણે ગયા સપ્તાહે દેશનો કુલ વિદેશી મુદ્રા ભંડાર ૧૧ અબજ ડોલર વધીને ૫૬૧.૧૬ અબજ ડોલર પર પહોંચી ગયો હતો.ઑક્ટોબર ૨૦૨૧ માં ફોરેન એક્સચેન્જ રિઝર્વ ૬૪૫ બિલિયન ડોલરની સર્વકાલીન ટોચે પહોંચી ગયું હતું.

રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા દ્વારા જાહેર કરાયેલા સાપ્તાહિક ડેટા અનુસાર સમીક્ષા હેઠળના સપ્તાહમાં તેની વિદેશી ચલણ સંપત્તિમાં પણ ઘટાડો થયો છે. વિદેશી ચલણ અસ્કયામતો કુલ વિદેશી વિનિમય અનામતનો નોંધપાત્ર ભાગ બનાવે છે. ૧૬ ડિસેમ્બરના રોજ પૂરા થતા સપ્તાહમાં તે ૫૦૦ મિલિયન ડોલર ઘટીને ૪૯૯.૬૨૪ બિલિયન ડોલર થયું હતું.આ સમયગાળા દરમિયાન દેશના સોનાના ભંડારના મૂલ્યમાં પણ ઘટાડો થયો છે.

૧૬ ડિસેમ્બર, ૨૦૨૨ ના રોજ પૂરા થતા સપ્તાહ દરમિયાન, સોનાના ભંડારના મૂલ્યમાં ૧૫૦ મિલિયન ડોલરનો ઘટાડો થયો હતો. હવે તેના સોનાના ભંડારનું મૂલ્ય ઘટીને ૪૦.૫૭૯ બિલિયન ડોલર થઈ ગયું છે.૧૬ ડિસેમ્બરના રોજ પૂરા થયેલા સપ્તાહ દરમિયાન ભારતના સ્પેશિયલ ડ્રોઇંગ રાઇટ્સમાં ૭૫ મિલિયન ડોલરનો વધારો થયો છે. હવે તે વધીને ૧૮.૧૮૧ બિલિયન ડોલર થઈ ગયું છે. ઈન્ટરનેશનલ મોનેટરી ફંડમાં દેશનું ચલણ અનામત પણ સમીક્ષા હેઠળના સપ્તાહ દરમિયાન ૪ મિલિયન ડોલર વધીને ઇં૫.૧૧૪ બિલિયન ડોલર થયું છે.