જીએસટીઆર–૯ અને ૯–સી ભરવાની સમય મર્યાદા લંબાવી આપવા ચેમ્બરની કેન્દ્રીય નાણાં મંત્રી સમક્ષ માંગણી

101

ડાયમંડ ટાઈમ્સ

સુરત. ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા ગુડ્‌સ એન્ડ સર્વિસ ટેકસના વાર્ષિક રિટર્ન જીએસટીઆર–૯ અને મેળવણીનું સ્ટેટમેન્ટ જીએસટીઆર–૯–સી ભરવા માટેની સમય મર્યાદા લંબાવી આપવા માટે કેન્દ્રીય નાણાં મંત્રી નિર્મલા સીતારામણ સમક્ષ રજૂઆત કરવામાં આવી છે.

ચેમ્બર દ્વારા કેન્દ્રીય નાણાં મંત્રીને કરવામાં આવેલી રજૂઆતમાં જણાવ્યા મુજબ નાણાંકીય વર્ષ ર૦૧૯–ર૦ના જીએસટીઆર–૯ અને ૯–સી ફાઇલ કરવાની તારીખ ૩૧ ડિસેમ્બર ર૦ર૦થી લંબાવીને તા. ર૮ ફેબ્રુઆરી ર૦ર૧ કરી આપવામાં આવી છે, પરંતુ માર્ચ ર૦ર૦થી શરૂ થયેલા લોકડાઉન પછી હજી સુધી તમામ ઉદ્યોગ–ધંધા પૂર્વવત થયા નથી. ઉદ્યોગ–ધંધાના એકમોને ત્યાં તેમના સ્ટાફના તમામ સભ્યો ફરી નોકરી પર જોડાયા નથી. માત્ર ગુજરાત જ નહીં પણ સમગ્ર દેશમાં આ સ્થિતિ પ્રવર્તી રહી છે. તેથી ટેકસ કન્સલ્ટન્ટ્‌સ માટે સંપૂર્ણ ડેટા મેળવવો પણ મુશ્કેલ બની રહયો છે. કોરોનાને કારણે ટેકસ કન્સલ્ટન્ટ્‌સનો સંપૂર્ણ સ્ટાફ પણ કામે ન આવતો હોવાથી સરકારે આપેલી સમય મર્યાદામાં બંને રિટર્ન ફાઇલ કરવા શકય ન હોવાથી નાણાંકીય વર્ષ ર૦૧૯–ર૦ના જીએસટીઆર–૯ અને ૯–સી ફાઇલ કરવાની સમય મર્યાદા વધારીને ૩૦ જૂન ર૦ર૧ સુધી કરી આપવા માટે રજૂઆત કરવામાં આવી છે.