15 દિવસના પગાર સાથે સંપૂર્ણ લોકડાઉનની ડાયમંડ વર્કર યુનિયનની મુખ્યમંત્રી સમક્ષ માંગ

3778

DIAMOND TIMES – કોરોના સંક્રમણને રોકવા ડાયમંડ વર્કર યુનિયન ગુજરાતે કલેકટરશ્રીના માધ્યમથી મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીને આવેદનપત્ર પાઠવી રત્નકલાકારોને 15 દિવસના પગાર સાથે હીરા ઉધોગને સંપૂર્ણ લોકડાઉન કરવાની માંગણી કરી છે.

સુરત કલેકટરશ્રીને પાઠવેલા આવેદન પત્ર બાબતે ડાયમંડ વર્કર યુનિયન ગુજરાતના ઉપપ્રમુખ ભાવેશ ટાંકે કહ્યુ કે કોરોના મહામારી વચ્ચે રત્નકલાકારો જીવના જોખમે કામ કરી રહ્યા છે.જેથી હીરા ઉદ્યોગમાં 15 દીવસના સંપુર્ણ લોકડાઉનની આવશ્યકતા છે.જેથી કોરોનાની ચેઈન તોડીને રત્નકલાકારોની મહામુલી જીંદગી પણ બચાવી શકાય.

ડાયમંડ વર્કર યુનિયન ગુજરાતના પ્રમુખ રમેશ ઝીલરીયાએ કહ્યુ કે ગત વર્ષ દરમિયાન સરકારશ્રી દ્વારા લોકડાઉન જાહેર કરાયુ હતુ.પરંતુ એ સમયે કેટલાક રત્નકલાકારોને પગાર નહી મળતા તેઓ આર્થિક સંકડામણમા આવી ગયા હતા.જેથી આ વખતે રત્ન કલાકારોને પગાર આપી ને હીરા ઉધોગમાં સંપૂર્ણ લોકડાઉન જાહેર થાય એવી અમારી માંગ છે. તેમણે ઉમેર્યુ કે જો હીરા ઉધોગમાં લોકડાઉન નહી થાય તો પરિસ્થિતિ હજી પણ ગંભીર થવાની શકયતા છે. જેથી સરકારશ્રી અને ઉધોગપતિઓએ સાથે મળીને હીરાઉધોગના હિતમાં તાત્કાલીક યોગ્ય નિર્ણય કરે તેવી અમારી નમ્ર વિનંતી છે.