અમેરીકામાં હોલિડે ખર્ચમાં વધારો થશે,પરંતુ ઉંચી કિંમતો ચિંતાનો વિષય : ડેલોઇટના સર્વેક્ષણમાં ખુલાસો

21

ઉંચી આવક ધરાવતા પરિવારો ગત વર્ષની તુલનાએ 15% વધુ ખર્ચ કરવાની અપેક્ષા રાખે છે,પરંતુ મધ્યમ વર્ગીય પરિવાર વર્ષ 2020ની તુલનાએ 22% ઓછો ખર્ચ કરવાની યોજના ધરાવે છે.

DIAMOND TIMES-ડેલોઇટના 2021 હોલિડે રિટેલ સર્વે અનુસાર અમેરીકામાં હોલિડે ખર્ચમાં વાર્ષિક ધોરણે પ્રતિ વ્યકતિ 5%ની વ્રુદ્ધિ સાથે વર્ષ 2020માં થયેલા 1,387 ડોલરની તુલનાએ 1,463 ડોલર થશે. આ ખર્ચ મોટાભાગે ઉચ્ચ આવક ધરાવતા પરિવારો દ્વારા કરવામાં આવશે.ડેલોઇટે આ સર્વેક્ષણ માટે 4,000 અમેરિકન ગ્રાહકો અને સૌથી મોટી યુએસ રિટેલ કંપનીઓના 30 એક્ઝિક્યુટિવ્સના ઓપિનિયન લીધા હતા.

ડેલોઇટના અહેવાલમાં કહેવામાં આવ્યુ છે કે કોરોના મહામારીની ઘટતી જતી ચિંતા વચ્ચે ઉપભોક્તાનું સેન્ટિમેન્ટ સ્થિર થઈ રહ્યું છે.રિટેલ એક્ઝિક્યુટિવ્સ પણ હોલિડે સિઝન માટે આશાવાદી છે.10 પૈકી 7 એક્ઝિક્યુટિવ અપેક્ષા રાખે છે કે ગ્રાહકો આ વર્ષે પાછલા વર્ષની સરખામણીમાં વધુ ખર્ચ કરશે.હોલિડે બજેટ મોટે ભાગે ઉચ્ચ આવક ધરાવતા પરિવાર દ્વારા સંચાલિત છે.ઉચ્ચ આવક ધરાવતા આ પરિવારો ગત વર્ષની તુલનાએ 15% વધુ ખર્ચ કરવાની અપેક્ષા રાખે છે.

એક તરફ ઉંચી આવક ધરાવતા પરિવારો ગત વર્ષની તુલનાએ 15% વધુ ખર્ચ કરવાની અપેક્ષા રાખે છે.તો બીજી તરફ મધ્યમ વર્ગીય પરિવાર 2020ની તુલનાએ 22% ઓછો ખર્ચ કરવાની યોજના ધરાવે છે.મધ્યમ વર્ગીય મોટા ભાગના ગ્રાહકો ફુગાવાને કારણે આ તહેવારોની મોસમમાં ઊંચા ભાવની અપેક્ષા રાખે છે.જે ઓછી આવક ધરાવતા જૂથોને સખત અસર કરે છે.પરિણામે આ વર્ગ દ્વારા તહેવારોની ખરીદી ઓછી થવાની સંભાવનાઓ છે.ઉપભોક્તાઓ મનોરંજન અને મુસાફરી પર પૈસા ખર્ચવા તૈયાર છે.જેથી 2020 ની તુલનામાં 2021 માં આ સેગમેન્ટમાં 15% સુધી વૃદ્ધિ થવાની અપેક્ષા છે.