દિલ્હીની કોર્ટે 26/11ના મુંબઈ હુમલાના માસ્ટર માઈન્ડ હાફીઝ સઈદ સામે જાહેર કર્ય બિનજામીનપાત્ર વોરંટ

149

ડાયમંડ ટાઈમ્સ
આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબાના વડા મોહમ્મદ હાફિઝ સઈદ, કાશ્મીરી ઉદ્યોગપતિ ઝહુર અહેમદ શાહ વટાલી, અલ્તાફ અહમદ શાહ ઉર્ફ ફન્ટુશ અને નવલ કિશોર કપૂર વિરુદ્ધ દિલ્હીની એક કોર્ટે આજે બિનજામીનપાત્ર વોરંટ જાહેર કર્યું છે. જમ્મુ-કાશ્મીરના ટેરર ફંડિંગ કેસમાં EDના આક્ષેપો અંગે કોર્ટે સંજ્ઞાન લેતા આ તમામ સામે બિનજામીનપાત્ર વોરંટ જાહેર કરવામાં આવ્યું છે.કોર્ટે ઝહુર અહેમદ શાહ વટાલીની કંપની મેસર્સ ટ્રિસન ફાર્મ્સ એન્ડ કન્સ્ટ્રક્શન્સ પ્રાઈવેટ લિમિટેડને પણ આરોપી બનાવીને બિનજામીનપાત્ર વોરંટ જાહેર કર્યું હતું. 26/11ના મુંબઈ હુમલાનો મુખ્ય સૂત્રધાર આતંકવાદી હાફિઝ સઈદ પાકિસ્તાનમાં મુક્તપણે ફરે છે અને પોતાની જાસૂસી એજન્સી ISIને ચલાવે છે. જ્યારે વટાલી, ફન્ટુશ અને કપૂર ટેરર ફંડિંગ મામલે તિહાડ જેલમાં કેદ છે.

પટિયાલા હાઉસ કોર્ટમાં EDના વિશેષ સરકારી વકીલ નિતેશ રાણાએ NIAના ન્યાયાધીશ પ્રવીણ સિંહની કોર્ટમાં કહ્યું કે હાફિઝ સઈદ દિલ્હીમાં ISI અને પાકિસ્તાન હાઈ કમિશન પાસેથી પૈસા લેતો હતો અને આ ભંડોળમાંથી કાશ્મીરમાં હુરિયત નેતાઓ, અલગાવવાદીઓ અને પથ્થર ફેંકનારાઓને નાણા આપવામાં આવ્યા હતા.
EDના વિશેષ સરકારી વકીલ નિતેશ રાણાએ કોર્ટમાં જણાવ્યું કે નવલ કિશોર કપૂરે દુબઈમાં અજાણ્યા સ્ત્રોતોમાંથી પૈસા એકઠા કર્યા હતા અને તેને વટાલી અને તેની કંપની ટ્રાઈસન ફાર્મ્સ અને કન્સ્ટ્રક્શન પ્રા.લિ.ને આપ્યા હતા. વર્ષ 2018માં એન્ટિ-મની લોન્ડરિંગ તપાસમાં એજન્સીએ હાફીઝ સઈદ અને અન્ય લોકો સામે NIAની ચાર્જશીટના આધારે જમ્મુ-કાશ્મીરમાં PMLA એક્ટ હેઠળ હાફિઝ સઈદ અને અન્ય આરોપીઓ સામે તપાસ શરૂ કરી હતી.