બોત્સ્વાનાની જ્વાનેંગ ખાણમાંથી 1098 કેરેટનો રફ હીરો મળી આવ્યો

855

DIAMOND TIMES – બોત્સ્વાના સરકાર અને ડીબીઅર્સ વચ્ચે સરખી ભાગીદારી ધરાવતી ડેબ્સવાના કંપનીની માલિકીની બોત્સ્વાના સ્થિત જ્વાનેંગ ખાણમાંથી 1098 કેરેટ વજનનો જેમ ક્વોલિટીનો રફ હીરો મળી આવ્યો છે.સહુથી મોટો રફ હીરો મળી આવ્યાની ઇતિહાસની આ ત્રીજી ઘટના છે.73 X 52 X 27 મિલિમીટરના આ રફ હીરાને બોત્સ્વાનાના રાષ્ટ્રપતિ મોકગ્વેત્સી મસીસી સમક્ષ રજૂ કરવામાં આવ્યો હતો.

વર્ષ 1905માં દક્ષિણ આફ્રિકાની કુલિનન ખાણમાથી 3106 કેરેટ વજનનો મળી આવેલો કુલિનાન અત્યાર સુધીનો સૌથી મોટો રફ હીરો છે. આ હીરાને પોલિશ્ડ કર્યા બાદ બ્રિટિશ ક્રાઉન જ્વેલ્સમાં જડવામાં આવ્યો છે.ત્યાર પછી 16 નવેમ્બર-2015માં બોત્સ્વાના સ્થિત કરોવે ખામાંથી 1109 કેરેટ વજનનો રફ હીરો લેસેડી લા રોનાની શોધ કરવામાં આવી હતી.

ડેબ્સવાના કંપનીના કાર્યકારી મેનેજિંગ ડિરેક્ટર લિનેટ આર્મસ્ટ્રોંગે કહ્યુ કે 500 વર્ષથી વધુના ઇતિહાસમાં ડેબ્સવાના ખાણમાથી પ્રથમ વખત 1098 કેરેટ વજન ધરાવતો મોટી સાઈઝનો જેમ ક્વોલિટીનો રફ હીરો મળી આવ્યો છે . આગામી થોડા દીવસો પછી આ રફ હીરાનું મૂલ્યાંકન કરવાની કામગીરી હાથ ધરવામાં આવનાર છે.પ્રારંભિક વિશ્લેષણમાં આ હીરો વિશ્વનો ત્રીજો સૌથી મોટો જેમ ક્વોલિટીનો હીરો હોઈ શકે છે. તેમણે ઉમેર્યુ કે આ રફ હીરાનું વેંચાણ કઈ રીતે કરવુ તે અંગેનો નિર્ણય હજુ પેન્ડીંગ છે. ઉલ્લેખનિય છે કે બોટ્સવાના સરકાર અને ડીબીઅર્સ વચ્ચે ભાગીદારીમાં થયેલી સમજુતિ મુજબ ડેબ્સવાના કંપનીની માલિકીની બોત્સ્વાના સ્થિત જ્વાનેંગ ખાણમાંથી નિકળતા રફ હીરાના કુલ જથ્થા પૈકી અમુક ટકા રફનું વેંચાણ ડીબીઅર્સ ચેનલ અને રાજ્ય સરકારની માલિકીની ઓકાવાંગો ડાયમંડ કંપની દ્વારા સંયુક્ત રીતે  થાય છે.