DIAMOND TIMES – ડી બિયર્સ અને આફ્રીકન કન્ટ્રી બોત્સવાના સરકારની ભાગીદારી ધરાવતી કંપની ડેબ્સવાના ના રફ હીરાના વેચાણમાં અર્ધવાર્ષિક ગાળામાં 41 ટકાની વૃદ્ધિ નોંધાઈ છે.જેની પાછળ 2021માં અમેરીકા અને ચીન સહીતના વૈશ્વિક બજારમા પોલિશ્ડ હીરા અને ઝવેરાતની માંગમા વધારો થતા રફ હીરાની ખરીદીમાં થયેલી જંગી વૃદ્ધિ જવાબદાર હોવાનું કંપનીના અહેવાલમાં નિર્દેશ કરવામાં આવ્યો છે.
રોયટર્સે બેંક ઓફ બોત્સવાનાના ડેટાને ટાંકીને આપવામાં આવેલા અહેવાલમાં કહેવામાં આવ્યુ છે કે ડેબ્સ્વાનાએ અર્ધ વાર્ષિક ગાળામાં 1.702 અબજ ડોલરના રફ હીરાની નિકાસ કરી હતી.જે આજથી એક વર્ષ અગાઉ સમાન ગાળામાં 1.209 અબજ ડોલરની હતી. ડીબિયર્સની પેરન્ટ્સ કંપની એંગ્લો અમેરિકનના અહેવાલ અનુસાર વર્ષ 2021 ના બીજા ક્વાર્ટરમાં ડેબ્સ્વાનાનું રફ ઉત્પાદન 214 ટકાના વધારા સાથે 5.7 મિલિયન કેરેટ થયું હતું.જો કે ગત વર્ષ દરમિયાન કોરોના મહામારીના પગલે રફ હીરાના વેંચાણમાં 30 ટકાનો ઘટાડો થયો હતો.બોત્સવાના સરકારને વિદેશી મુદ્રા રળી આપવામાં રફ હીરાનો 70 ટકાનો જંગી હિસ્સો છે.
બોત્સવાના સરકાર હસ્તકની કંપની ડેબ્સ્વાના અને ડીબિયર્સ વચ્ચે થયેલા ભાગીદાર કરાર મુજબ ડેબ્સવાના દ્વારા બોત્સવાનાની ખાણમાથી ઉત્પાદીત કુલ રફના જથ્થા પૈકી 75 ટકા રફ હીરાનું ડીબિયર્સ મારફત વેંચાણ કરે છે.જ્યારે બાકીનો રફ હીરાનો જથ્થો બોત્સવાના સરકાર હસ્તકની અન્ય એક ઓકાવાંગો ડાયમંડ કંપની સ્વતંત્ર રીતે કરે છે.
ખાસ વાત તો એ છે કે ભારત સહીત કોઇ વિદેશી કંપની બોત્સવાનામાં હીરા તૈયાર કરવાનું કારખાનું શરૂ કરે તો ઓકાવાંગો ડાયમંડ કંપની તેને ઉચ્ચ ગુણવત્તા યુકત રફ હીરાનો પુરવઠો ઉપલબ્ધ કરાવે છે.બોત્સવાના સરકારની આ યોજના દેશમા હીરા મેન્યુફેક્ચરીંગ ઉદ્યોગને ઉત્તેજન આપવાનું છે.જો કે આયોજનાને ખાસ પ્રતિસાદ મળ્યો નથી.આ યોજનાનો લાભ લેવા ભારતની કેટલીક કંપનીઓએ પણ બોત્સવાનામાં કારખાના શરૂ કર્યા છે.પરંતુ આ યોજના હેઠળ ઉઠાવેલા જોખમની તુલનાએ ભારતિય કંપનીઓ ધાર્યા આર્થિક લાભ મેળવી શકી નથી.