ડીબિયર્સની પેટા કંપની લાઇટ બોક્સે છુટક લેબગ્રોન હીરાનું ઓનલાઈન વેંચાણ શરૂ કર્યુ

29

લેબગ્રોન હીરા જડીત જ્વેલરીના કારોબારની સમાંતર લાઈટ બોકસે લેબગ્રોન હીરાના છુટક વેંચાણના કારોબારમાં ઝંપલાવ્યુ

DIAMOND TIMES -લેબગ્રોન હીરા જડીત જ્વેલરીના કારોબાર માટે ડીબિયર્સ દ્વારા વર્ષ-2018માં લાઈટબોક્સ કંપનીની સ્થાપના કરવામાં આવી હતી.ડીબિયર્સએ જ્યારે લાઈટ બોક્સ કંપનીની સ્થાપનાની જાહેરાત કરી,ત્યારે વૈશ્વિક હીરા-ઝવેરાત ઉદ્યોગમાં ભારે હડકંપ મચી ગયો હતો.જો કે ત્યારબાદ ડીબિયર્સએ હવે હીરા-ઝવેરાત ઉદ્યોગને બીજો આંચકો આપવાનો પ્રયાસ કર્યો છે.જે મુજબ લાઈટ બોક્સ કંપનીના સીઇઓએ જાહેરાત કરી છે કે લેબગ્રોન હીરાની વધતી જતી વૈશ્વિક માંગને ધ્યાનમાં રાખીને લેબગ્રોન હીરાનું છુટક વેંચાણ શરૂ કરવાનો કંપનીએ નિર્ણય કર્યો છે.

ડીબિયર્સની પેટા કંપની લાઈટ બોક્સના સીઇઓ સ્ટીવ કોએ કહ્યુ કે લૂઝ લેબગ્રોન હીરાના કારોબારમાં લાઈટ બોક્સ કંપનીની આ પહેલ અત્યંત ફળદાયી નિવડશે.અમને વિશ્વાસ છે કે આગામી પાંચ વર્ષમાં લેબગ્રોન હીરાના વૈશ્વિક બજારમા અમારો નોંધપાત્ર હિસ્સો હશે.લાઇટ બોક્સ દ્વારા નિર્મિત ગુલાબી,વાદળી અને સફેદ કલરના બે કેરેટ સુધીના વજનના લેબગ્રોન હીરા હાલ ઓનલાઈન ઉપલબ્ધ કરવામાં આવ્યા છે.જેની કીંમત પ્રતિ કેરેટ 800 ડોલર જ્યારે ઉચ્ચ ગુણવત્તા ધરાવતા હીરાની કીંમત પ્રતિ કેરેટ 1,500 ડોલર નિર્ધારીત કરવામાં આવી છે.

જો કે હાલમાં લાઈટ બોક્સના લુઝ હીરાનું માત્ર અમેરીકન બજારમાં જ ઓનલાઈન વેંચાણ થઈ રહ્યુ છે.ઉલ્લેખનિય છે કે લેબગ્રોન હીરાના ઉત્પાદન માટે ગત નવેમ્બરમાં લાઈટ બોક્સએ અમેરીકાના પોર્ટલેન્ડમાં 94 મિલિયન ડોલરનું રોકાણ કરીને એક લેબની સ્થાપના કરી છે,જેની ઉત્પાદન ક્ષમતા પ્રતિવર્ષ બે લાખ કેરેટની છે.

લાઇટ બોક્સના લેબગ્રોન હીરાના છુટક વેંચાણથી સુરતના લેબગ્રોન ઉદ્યોગને કોઇ જ નકારાત્મક અસર નહી થાય

લાઈટ બોક્સ કંપનીએ લેબગ્રોન હીરાના છુટક વેંચાણની જાહેરાત કરી વૈશ્વિક હીરા ઉદ્યોગને ભલે આંચકો આપ્યો હોય, પરંતુ તેની સુરતના લેબગ્રોન ઉદ્યોગને કોઇ જ નકારાત્મક અસર નહી થાય.તેના એક કરતા અનેક સબળ કારણો અને પરિબળો છે.

લેબગ્રોન હીરાના ઉત્પાદન અને કારોબાર સાથે સંકળાયેલી વૈશ્વિક લેવલની સુરતની ખ્યાતનામ કંપનીના યુવા ઉદ્યોગ પતિએ આ અંગે હૈયા ધરપત આપતા કહ્યુ કે હીરાના કારોબારમાં 4-C નું અત્યંત મહત્વ છે.લાઈટ બોક્સના લેબગ્રોન ડાયમંડમાં આ 4-C અંગે કેરેટ સિવાય અન્ય ક્લીયરીફીકેશન કરવામાં નથી આવ્યુ,માત્ર હીરાની પ્રતિ કેરેટ કીંમત જ જાહેર કરવામાં આવી છે.જેની તુલનાએ સુરતની મોટી કંપનીઓ દ્વારા મેન્યુફેકચરીંગ થતા લેબગ્રોન હીરાની ગુણવત્તા ચડીયાતી છે.વળી જેના આધારે હીરાની કીંમત નિર્ધારીત થાય છે એ 4-C અંગે સ્પષ્ટ ઉલ્લેખ (ક્લીયરન્સ) કરવામાં આવે છે.ભારતના લેબગ્રોન ઉત્પાદકોની આ વિશેષ ક્ષમતા આપણું જમા પાસુ છે.વળી લાઈટ બોક્સ સાથે આપણી કોઇ જ સ્પર્ધા પણ નથી.જેથી આ બાબતે ચિંતાનું કોઇ કારણ જણાતુ નથી.