ડીબિયર્સની સાઈટ માત્ર 300 મિલિયન ડોલરની રહી, તો મોટી સાઈઝના રફ હીરાની કિંમતોમાં 5 થી 10 ટકા સુધીનો ઘટાડો કર્યો

1197

DIAMOND TIMES : યુક્રેન-રશિયા કટોકટી તથા અન્ય કેટલાક નકારાત્મક પરીબળોના પગલે વર્તમાન સમયે પોલિશ્ડ હીરાની વૈશ્વિક માંગ ધીમી પડી છે. ઉપરાંત રફ હીરાની ઉંચી કિંમતોની તુલનાએ પોલિશ્ડ હીરાના યોગ્ય કિંમતો પણ મળી રહી નથી. આવી પરિસ્થિતિના પગલે વૈશ્વિક હીરા ઉદ્યોગનું કેન્દ્ર ગણાતા સુરતની હીરા મેન્યુફેકચરીંગ કંપનીઓ દ્વારા ઉત્પાદન કાપ મુકવામાં આવ્યો છે. જેથી રફ હીરાની માંગ પણ ઘટી છે.

ઉપરોક્ત પ્રતિકુળ પરિસ્થિતિને પારખી વિશ્વની સહુથી મોટી રફ ઉત્પાદક કંપની ડીટીસીએ પણ તેના સાઈટ હોલ્ડર્સ પ્રત્યે લવચિક અભિગમ અપનાવ્યો છે. અહેવાલ મુજબ ડીટીસીએ જુન મહીનાની તેની પાંચમી સાઈટમાં રફ હીરાનો જથ્થો ઘટાડી અડધો કરી દીધો છે. તો મોટી સાઈઝના રફ હીરાની કિંમતોમાં પણ ઘટાડો કર્યો છે. જુન મહીનાની પાંચમી સાઈટ માત્ર 300 મિલિયન યુએસ ડોલર રહી હોવાની ધારણા અહેવાલમાં વ્યકત કરવામાં આવી છે. બીજી તરફ જાણકારોએ એવી ચેતવણી આપી છે કે રફ હીરાની કિંમતોમાં ઘટાડો કર્યો હોવા છતા પણ હીરા મેન્યુફેકચરીંગ કંપનીઓનું માર્જિન એટલું પાતળું છે કે અનેક કારખાનેદારોને ખોટ ખાવી પડી શકે છે.

મળતા અહેવાલ મુજબ 1, 1.5 અને 2 કેરેટ તથા તેનાથી મોટી સાઈઝના કેટલીક કેટેગરીના રફ હીરાની કિંમતોમાં ડીટીસીએ ઘટાડો કર્યો હોવાની માહીતી કેટલીક સાઈત હોલ્ડર્સ કંપનીઓએ મીડીયાને આપી છે. મીડીયા અહેવાલ મુજબ પ્રતિકુળ પરિસ્થિતિને પારખી વિશ્વની સહુથી મોટી રફ ઉત્પાદક કંપની ડીટીસીએ મોટી સાઈઝના રફ હીરાની કિંમતોમાં 5 થી 10 ટકા સુધીનો ઘટાડો કર્યો છે. સુત્રોએ આપેલી માહીતી મુજબ રફ હીરાની કિંમતોમાં ઘટાડો કરવા ઉપરાંત ડીટીસીએ 2 કેરેટ પ્લસ, લો કલર રફની ત્રણ કેટેગરીઓ માટે તેની બાયબેકની શરતો પણ લંબાવી છે. જે મુજબ સાઈટ હોલ્ડર્સ કંપનીઓ તેમણે ખરીદેલા રફ હીરા પૈકી 30 ટકા માલ ડીબીયર્સને પરત કરી શકે છે.