આગામી રજા અને તહેવારની સિઝન ધમાકેદાર રહેવાની ધારણા : ડીબિયર્સ

57

ભારતમાં દીવાળી વેકેશન અગાઉ રફ હીરાની ડીમાન્ડ મજબુત રહેવાનું ડીબિયર્સનું અનુમાન 

DIAMOND TIMES – ચાલુ કેલેન્ડર વર્ષ-2021 માં ડીબિયર્સેની આઠમી સેલ્સ સાયકલમાં 490 મિલિયન ડોલરના રફ હીરાનું વેચાણ થયુ છે. ઉલ્લેખનિય છે કે ગત વર્ષ 2020ની આઠમી સેલ્સ સાયકલની તુલનાએ ચાલુ સાઈટમાં 5% નો વધારો નોંધાયો છે.જો કે ચાલુ કેલેન્ડર વર્ષ 2021ની સાતમી સેલ્સ સાયકલની તુલનાએ આઠમી સેલ્સ સાયકલમાં રફ હીરાનો જથ્થો 6% ઓછો ફાળવવામાં આવ્યો છે.

ડીબિયર્સ ગ્રુપના સીઈઓ બ્રુસ ક્લીવરે કહ્યુ કે વૈશ્વિક હીરા-ઝવેરાત બજાર સકારાત્મક છે.આગામી રજા અને તહેવારની સિઝન ધમાકેદાર રહેવાની ધારણા છે.અમેરીકામાં ઝવેરાતની માંગ મજબૂત છે.અમે દીવાળી પહેલાના દીવસોમાં રફ હીરાની વધુ મજબૂત માંગ જોઈ રહ્યા છીએ.જો કે આગામી દિવાળી વેકેશનમાં ભારતમાં પોલિશિંગ ફેક્ટરીઓ બંધ થવા થી રફ હીરાની માંગ પર અસર થવાની સંભાવનાઓ છે.

ચાલુ નાણાકીય વર્ષના ત્રીજા કવાર્ટરમાં ડીબિયર્સનું રફ ઉત્પાદન 9.2 મિલિયન કેરેટ

ગત નાણાકીય વર્ષ -2020મા 7.2 મિલિયન કેરેટની તુલનાએ ચાલુ નાણાકીય વર્ષ 2021-22માં ડીબિયર્સનું રફ હીરાનું ઉત્પાદન 28% વધીને 9.2 મિલિયન કેરેટ થયું છે.રફ હીરાના ઉત્પાદનમાં થયેલો વધારો મુખ્યત્વે બોટ્સવાના સ્થિત જ્વાનેંગ અને વેનેટિયાની ખાણોને અપગ્રેડ કરવાથી થયો છે.ડીબિયર્સ ગ્રુપની પેરેન્ટ કંપની એંગ્લો અમેરિકને કહ્યુ કે કેટલાક ઓપરેશનલ પડકારોને કારણે ડીબિયર્સ દ્વારા રફ ઉત્પાદનનો લક્ષ્યાંક ઘટાડવામાં આવ્યો હતો.ચાલુ વર્ષે રફ હીરાની માંગ મજબૂત રહી છે.યુએસ અને ચીનના મુખ્ય બજારોમાં પોલિશ્ડ ડાયમંડ અને ડાયમંડ જ્વેલરીની સકારાત્મક માંગ રહી છે.જે આગામી મહીનાઓમાં પણ જળવાઈ રહેવાની ધારણા છે.