DIAMOND TIMES – કોરોના મહામારી દરમિયાન રફ અને તૈયાર હીરાના ઉત્પાદન ઠપ્પ થતા પુરવઠાની સ્થિતિ તંગ બની હતી. લોકડાઉનની સમાપ્તિ પછી ડીસેમ્બર મહીનાની આસપાસ માઈન્સથી માર્કેટ સુધીની સમગ્ર સપ્લાય ચેઈનમાં તેજીનો પવન ફૂંકાતા કોરોના મહામારી દરમિયાન શુષ્ક પડેલી કારોબારની ગતિવિધી સતેજ બની હતી. અલરોઝા, ડી બિયર્સ સહીત મોટા ભાગની રફ ઉત્પાદક કંપનીઓની રફ હીરાની માંગમાં વૃદ્ધિ જોવા મળી હતી.જે હાલના તબક્કે પણ અવિરત ચાલુ રહી હોવાના અહેવાલ મળી રહ્યા છે.
ડી બિયર્સ જુથની મધર કંપની એંગ્લો અમેરિકનના અહેવાલ અનુસાર ગત વર્ષ 2020ની સેકન્ડ સાયકલમાં કુલ 362 મિલિયન અમેરીકી ડોલરના રફ હીરાનુ વેંચાણ થયુ હતુ. જેની તુલનાએ ચાલુ વર્ષ -2021ના એજ ગાળામાં 550 મિલિયન અમેરીકી ડોલરના રફ હીરા વેંચાયા છે. આ બાબત વૈશ્વિક બજારો સકારાત્મક હોવાના અણસાર આપી રહ્યા છે. જો કે સેકન્ડ સાયકલનું આ ઉત્સાહજનક પરિણામ કામચલાઉ હોવાની બાબતનો પણ અહેવાલમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
આગામી દિવસોમાં વૈશ્વિક હીરા બજાર પરંપરાગત પરિસ્થિતિમાં પ્રવેશ કરશે : બ્રુસ ક્લેવર

ડી બિયર્સ કંપનીના ચીફ એક્ઝિક્યુટિવ બ્રુસ ક્લેવરએ મિડીયા રિપોર્ટમાં કહ્યુ કે વૈશ્વિક બજારમાં હીરા જડીત આભૂષણોની સકારાત્મક ગ્રાહક માંગને પરિણામે અમો વર્ષ 2021ની બીજી સેલ્સમાં રફ વેંચાણમા વૃદ્ધિ જાળવી રાખવા સફળ રહ્યા છીએ. નાતાલ, ચિની ન્યુ યર અને વેલેન્ટાઇન ડે દરમિયાન આભુષણોનું અપેક્ષાથી પણ અધિક વેચાણ થતા માઇન્સથી લઈને માર્કેટ સુધીની સમગ્ર સપ્લાઈ ચેઈન ચેતનવંતી બની હતી.જો કે હવે આ પિરીયડ સમાપ્ત થતા હીરા અને ઝવેરાતનું સમગ્ર વૈશ્વિક બજાર હવે આગામી દિવસોમાં પરંપરાગત પરિસ્થિતિમાં પ્રવેશ કરશે. આગામી પરંપરાગત પરિસ્થિતિ હીરા – ઝવેરાત ઉદ્યોગની દીશા અને દશા નિર્ધારીત નિર્ધારીત કરનારી ખુબ જ મહત્વપુર્ણ હોય, તેમના પર સમગ્ર ઉદ્યોગની નજર કેન્દ્રીત થઈ છે.