ગત વર્ષની તુલનાએ ડીબિયર્સના રફ હીરાની સરેરાશ વેંચાણ કીંમત પ્રતિ કેરેટ 119 ડોલરથી વધીને 135 ડોલર ને આંબી ગઈ છે.જે રફ હીરાની સરેરાશ કીંમતોમાં 13 ટકાની વૃદ્ધિ દર્શાવે છે. આમ છતા પણ એપ્રિલ થી જુન – 2021 દરમિયાન રફ હીરાનું વેંચાણ 13.5 મિલિયન કેરેટને આંબી ગયુ છે.સાથોસાથ ડીબિયર્સનું રફ ઉત્પાદન પણ 134 ટકાની વૃદ્ધિ સાથે 8.2 મિલિયન કેરેટ થયુ છે.
DIAMOND TIMES- ડીબિયર્સની પેરેન્ટ કંપની એંગ્લો અમેરિકનના તાજા અહેવાલ મુજબ નાણાકીય વર્ષ 2021 ના બીજા ક્વાર્ટર દરમિયાન અગ્રણી રફ ઉત્પાદક કંપની ડીબિયર્સનું રફ ઉત્પાદન 134 ટકાની વૃદ્ધિ સાથે 8.2 મિલિયન કેરેટ થયુ છે. એંગ્લો અમેરિકન કંપનીએ ઉમેર્યુ રફ હીરાની ખાણો ધરાવતા આફ્રિકન દેશોમાં કોરોના મહામારી પર કાબુ આવી જતા ખાણકામ ઉદ્યોગ ગતિશીલ બન્યો છે.આ ઉપરાંત વૈશ્વિક હીરા બજારની ઝડપી રિકવરીના કારણે રફ હીરા ની માંગ વધતા રફ હીરાના ઉત્પાદનમાં સાનુકુળ તકનું સર્જન રફ હીરાના ઉત્પાદનમાં વૃદ્ધિ થવા પાછળના મહત્વના પરિબળ સાબિત થયા છે.
એંગ્લો અમેરિકન કંપનીના અહેવાલમાં સહુથી મહતવની બાબત એ છે કે નાણાકીય વર્ષ- 2021 ના પ્રથમ છ માસિક ગાળાની તુલનાએ ગત વર્ષ 2020ના સમાનગાળામાં રફ હીરાની સરેરાશ વેંચાણ કીંમત પ્રતિ કેરેટ 119 ડોલરથી વધીને 135 ડોલર થઈ છે.આ તફાવત રફ હીરાની કીંમતોમાં સરેરાશ 13 ટકાનો વધારો દર્શાવે છે. કંપનીએ નોંધ્યું છે કે 2021 ની શરૂઆતની તુલનામાં ક્લોઝિંગ ઇન્ડેક્સમાં પણ 14 ટકાનો વધારો થયો હતો.જે હીરાની વેલ્યુ ચેઈનમાં પોલિશ્ડ હીરાની સકારાત્મક ગ્રાહક માંગને પ્રતિબિંબિત કરે છે.
કંપની દ્વારા જારી કરાયેલા ઉત્પાદનના ડેટા મુજબ ગત વર્ષની તુલનાએ બોત્સ્વાનામાં રફ ડાયમંડનું ઉત્પાદન 214 ટકા વધીને 5.7 મિલિયન કેરેટ, નામિબીઆમાં 6 ટકા ઘટીને 0.3 મિલિયન કેરેટ,દક્ષિણ આફ્રિકામાં 130 ટકા વધીને 1.3 મિલિયન કેરેટ અને કેનેડામાં 14 ટકા વધીને 0.9 મિલિયન કેરેટ થયું છે.
એંગ્લો અમેરિકન કંપનીએ રફ હીરાના વેંચાણ અંગેના આંકડાઓ જાહેર કરતા કહ્યુ કે ગત એપ્રિલ અને મે દરમિયાન ભારતમાં કોવિડ સંક્રમણ વચ્ચે પણ હીરાના કટીંગ અને પોલિશિંગ સેન્ટરો તરફથી રફ હીરાની જોરદાર માંગ જળવાઈ રહેતા ડીબિયર્સની બે સાઈટ દ્વારા 7.3 મિલિયન કેરેટ રફ હીરાનું વેંચાણ થયુ છે. ઉલ્લેખનિય છે કે ગત નાણાકીય વર્ષ 2020ના બીજા કવાર્ટરમાં કુલ બે સાઈટ દ્વારા થયેલા 0.3 મિલિયન કેરેટના રફ હીરાના વેંચાણની તુલનાએ નાણાકીય વર્ષ 2021 ના બીજા કવાર્ટરમાં કુલ ત્રણ સાઈટ દ્વારા રફ હીરાનું વેંચાણ વધીને 13.5 મિલિયન કેરેટ થયુ છે.