DIAMOND TIMES – અગ્રણી રફ ઉત્પાદક કંપની ડીબિયર્સની મધર કંપની એંગ્લો અમેરિકનના જણાવ્યા અનુસાર રફ હીરાની અગાઉની સાઈટની તુલનાએ ગત મે મહીનાની પાંચમી વાર્ષિક સાઈટમાં રફ હીરાની માંગના પગલે વેંચાણ વધતા ડીબિયર્સની આવકમાં વૃદ્ધિ થઈ છે.ઉલ્લેખનિય છે કે 19 મે-2021ની ચોથી સાઈટ 385 મિલિયન ડોલરની સરખામણીએ જુન મહીનાની પાંચમી વાર્ષિક સાઈટ 470 મિલિયન ડોલરની રહી હતી.
ડીબિયર્સના ચીફ એક્ઝિક્યુટિવ બ્રુસ ક્લેઇવરે કહ્યુ કે યુ.એસ.અને ચીનના મુખ્ય ગ્રાહક બજારોમાં હીરા-ઝવેરાતની માંગ સકારાત્મક રહી છે.તો ભારતનો હીરા ઉદ્યોગ કોરોના મહામારી અગાઉની ક્ષમતા તરફ પરત ફરી રહ્યો છે. ભારતમાં રફ ડાયમંડની જોરદાર માંગના પગલે અમો એ જુન મહીનાની પાંચમી સાઈટમાં રફ હીરાના જથ્થામાં વધારો કર્યો હતો . તેમણે ઉમેર્યુ કે સેન્ટિમેન્ટ વધુને વધુ આશાવાદી બનતા બજારની આદર્શ સ્થિતિથી અમને પ્રોત્સાહન મળ્યું છે.
હજુ પણ રફ હીરાની કીંમતોમાં વૃદ્ધિ થવાના સંકેતો છે : કેશુભાઈ ગોટી
હીરાની કંપની ગ્લોસ્ટારના માલિક કેશુભાઈ ગોટીએ કહ્યુ કે ડીબિયર્સએ તેની પાંચમી સાઈટમાં રફ હીરાના જથ્થાની સાથે તેની કીંમતો પણ વધારી હતી. ડી બિયર્સએ 2 કેરેટથી મોટા કદના રફ હીરાના ભાવમાં લગભગ 10 થી 15 ટકા જ્યારે અન્ય કેટેગરીના રફ હીરાની ટકાવારીમાં સિંગલ ડીઝીટમાં ભાવ વધારો કર્યો હતો.તૈયાર હીરાની વૈશ્વિક ડીમાન્ડના પગલે રફ હીરાની માંગ વધવાની સંભાવનાઓ જોતા આગામી 12 થી 16 જુલાઈની ડીબિયર્સની સાઈટ સહીત કેટલીક કેટેગરીના રફ હીરાની કીંમતોમાં વૃદ્ધિ થવાના સંકેતો મળી રહ્યા છે.