DIAMOND TIMES -કોરોના મહામારીના પગલે બોટ્સવાનામાં રફ હીરાના ઉત્પાદન અંગે ડીબીયર્સ અને બોટ્સવાના વચ્ચે નવા ભાગીદારી કરાર માટે વાટાઘાટ કરવાનું મુશ્કેલ બનતા આ બંને કંપનીઓ વચ્ચેનો જુની ભાગીદારી વધુ છ મહીના માટે લંબાવવામાં આવી છે.
ઉલ્લેખનિય છે કે વર્તમાન ભાગીદારી વ્યવસ્થાની શરતો જૂન 2022ના અંત સુધી ચાલુ રાખવાની બંને કંપનીઓ દ્વારા જાહેરાત કરવામાં આવી છે.બીજી તરફ ડીબીયર્સેએ એક નિવેદનમાં જણાવ્યું છે કે બોટ્સવાનામાં રફ હીરાના ઉત્પાદન અંગેનો જુનો કરાર 2020 ના અંતમાં સમાપ્ત થાય છે.પરંતુ કોરોના મહામારીના પગલે મુસાફરી પર રોક સહીતના અન્ય કેટલાક કોરોના પ્રતિબંધોના કારણે તેને આગામી વર્ષ માટે રોલ ઓવર કરવાની અમને ફરજ પડી છે.
બોટ્સવાનામાં રફ હીરાના ખાણાકામ માટે વર્ષ 2011માં ડીબીયર્સ અને બોટ્સવાના વચ્ચે દશ વર્ષના લાંબાગાળાના કરારો થયા હતા.આ કરારમાં પણ બોટ્સવાનાએ ડીબિયર્સ સમક્ષ કેટલીક આકરી શરતો મુકી હતી.બોટ્સવાનાના સ્થાનિક હીરા ઉદ્યોગને ટેકો મળે તેવા આશય સાથે આ શરતો મુકી હતી.જેનો ડીબિયર્સએ સ્વીકાર કરવાની ફરજ પડી હતી.
બોટ્સવાનાએ મુકેલી શરતોમાં રફ હીરાના વેંચાણ માટે ગેબોરોનને મુખ્ય મથક બનાવવા તેમજ બોટ્સવાનામાં થતા રફ હીરાના કુલ ઉત્પાદન પૈકી ઉચ્ચ ગુણવત્તા ધરાવતો 20 ટકા રફ હીરાનો જથ્થો બોટ્સવાના સ્વતંત્ર રીતે વેંચાણ કરી શકે તે માટે છૂટ આપવાની શરતનો સમાવેશ થાય છે.
બોટ્સવાનાની આ તમામ શરતો ના છુટકે સ્વીકારવાની ડીબિયર્સને ફરજ પડી હતી.કારણ કે બોટ્સવાનાની ખાણોમા થી અત્યંત ઉચ્ચ ગુણવત્તા યુકત રફ હીરાનું ઉત્પાદન થાય છે.જેને કોઇ પણ સંજોગોમા ગુમાવવુ ડીબિયર્સને પાલવે તેમ નથી.આ શરતોને આધિન ડીબિયર્સે રફ હીરાનું મુખ્ય વેંચાણ મથક લંડનથી ગેબેરોનમાં ખસેડ્યુ હતુ.
ઉલ્લેખનિય છે કે બોટ્સવાનામાં રફ હીરાનું ખાણકામ ડેબસ્વાના કંપની કરે છે.આ કંપનીમાં ડીબીયર્સ અને બોટ્સવાના સરકારની સંયુક્ત રીતે 50:50 ટકા ભાગીદારી છે. બોટ્સવાનામાં આવેલી રફ હીરાની ખાણો ડીબિયર્સના રફ હીરાનો સૌથી મોટો સ્ત્રોત છે.વર્ષ 2021ના પ્રથમ નવ મહિનામાં બોટ્સવાનાનું રફ હીરાનું ઉત્પાદન વાર્ષિક ધોરણે 39% વધીને 17.1 મિલિયન કેરેટ થયું છે.