કોરોનાની ત્રીજી લહેર, વ્યાપાર-ઉદ્યોગ માટે આફત કે અવસર ?

લહરોં સે ડરકર નૌકા પાર નહી હોતી
કોશિશ કરને વાલો કી હાર નહી હોતી

1) આરોગ્યક્ષેત્રે છેલ્લા બે વર્ષથી કોરોનાનો પ્રકોપ

ભારતની મંદ અર્થવ્યવસ્થા દુનિયા માટે પહેલા જ ચિંતાનું કારણ બનેલી હતી હવે એમાં પણ કોરોના વાયરસનો પ્રકોપ વૈશ્વિક અર્થ વ્યવસ્થા પર નજર રાખનારા અને સંચાલકો માટે માથાનો દુખાવો વધારી રહ્યો છે. કોરોના વાઈરસ (COVID-19) એ વિશ્વ વ્યાપી રોગચાળો આ સદીનો સૌથી નિર્ણાયક વૈશ્વિક સ્વાસ્થ્ય આફત અને બીજા વિશ્વયુધ્ધ પછીની માનવજાતનો સૌથી મોટો પડકાર માનવામાં આવે છે.આ બધા વચ્ચે આપણું બજાર પણ કેમ બાકાત રહી શકે? કોરોનાએ સામાજીક, આર્થિક, રાજકીય, ધાર્મિક, સાંસ્કૃતિક ક્ષેત્રે થયેલી અસરોએ સમગ્ર માનવ વસ્તી માટે એક પડકાર ઉભો કર્યો છે. લગભગ તમામ રાષ્ટ્રો દર્દીઓની ચકાસણી અને સારવાર દ્વારા રોગના સંક્રમણને ધીમુ કરવા માટે સંઘર્ષ કરી રહ્યાં છે. આપણા બજારની જ વાત કરીએ તો પહેલી લહેરમાં સજ્જડ લોકડાઉન હતું જેથી ઓફીસ અને કારખાનાઓ બંધ હતા આપણી બજારનાં વડીલ સભ્યો જેઓ સંક્રમિત થયા હતા જેમાંથી અમુક સભ્યોને આપણે ગુમાવ્યા હતા આપણા ઉદ્યોગમાં સૌથી વધારે અસર બીજી વેવમાં થઈ હતી જેમાં વડીલોની સાથે માર્કેટનું ભવિષ્ય કહી શકાય એવા આશાસ્પદ યુવાનો આપણે ગુમાવ્યા હતા જોકે બીજી વેવનાં પ્રકોપથી કોઈ બચી નથી શક્યું આ વેવમાં અસંખ્ય લોકોએ જીવ ગુમાવ્યા હતા ધંધા-રોજગાર ની સાથે અનેક પરિવારોએ સ્વજનોની સારવાર માટે રૂપિયા ગુમાવ્યા પછી પણ સ્વજનો ગુમાવ્યા હતા.

2) અગાઉની બે લહેરથી વ્યાપાર ઉદ્યોગમાં સર્જાયેલી પરિસ્થિતિ

આપણે આજે Globalization એટલે કે વૈશ્વિકરણના જમાનામાં જીવીએ છીએ. આર્થિક મુદ્દે હોય, જીઓપોલિટિકલ ટૅન્શન હોય કે પછી રોગચાળો, એક દેશમાં બનતી કોઈપણ ઘટના વિશ્વના સમગ્ર વ્યવહાર અને વાતાવરણને અસર કરે છે અગાઉની બે લહેરમાં કોરોનાને લીધે આપણા ઉદ્યોગને અસર પહોંચી હતી પરંતુ જેવી બીજી લહેર પુરી થઈ રફમાં આવેલી મજબૂતાઈ થી ઉદ્યોગમાં પકડ જળવાય રહી છે, આ તેજીથી ઉદ્યોગમાં નિરાશાના વાદળો દૂર થયા છે, બંને વેવ દરમિયાન અવસાન પામેલા ઉદ્યોગનાં સભ્યો પરત ના આવી શકે પરંતુ ત્રીજી વેવ દરમિયાન જો આપણે સાવચેત રહીશું તો આપણે બચી શકીશું અને ઉદ્યોગને પણ બચાવી લઈશું, પહેલી વેવ દરમિયાન સાવચેતી રૂપે તંત્રે બધું બંધ કરાવી દીધું હતું પરંતુ વ્યાપાર ઉદ્યોગએ દેશની કરોડરજ્જુ છે બીજી વેવ દરમિયાન તંત્રે એમાંથી બોધપાઠ લઈને છૂટછાટો જાહેર કરી જેથી ધીમી પરંતુ મક્કમ ગતિએ વ્યાપાર ઉદ્યોગ ચાલી શકે, તંત્રે બોધપાઠ લીધો પરંતુ અફસોસ આપણે બોધપાઠ લીધો નોહતો, પહેલી વેવમાં વધુ પડતી સાવચેતી રાખી બીજી વેવ દરમિયાન બેદરકારી દાખવી જેનું નુકશાન ઉદ્યોગનાં હોનહાર સભ્યોની વિદાયથી આપણે ભોગવ્યું હતું, અગાઉની બે લહેરમાં આપણા ઉદ્યોગ વ્યાપારને ખુબ નુકશાન થયું પરંતુ તેજીથી આપણો ઉદ્યોગ બાજ પક્ષીની જેમ બેસીને ઉડવા લાગ્યો હતો.

3) ત્રીજી લહેરનું આગમન

કોરોનાની વિકરાળ નિવડનાર બે લહેર બાદ હવે દેશ-વિદેશમાં ફરી એક વખત ત્રીજી લહેરમાં કોરોનાના દર્દીઓ વધી રહ્યા છે. હીરાઉધોગમાં આવેલી તેજી તો બરકરાર રહેશે એમાં કોઈ શંકાને સ્થાન નથી પરંતુ સ્વાસ્થ્ય બાબતે આપણી તકેદારી આપણે જ રાખવી પડશે, પહેલું સુખ તે જાતે નર્યા, જાન હૈ તો જહાન હૈ. જીવન હશે તો બધું થશે, ત્રીજી લહેર આપણા ઉદ્યોગને સ્વાસ્થ્ય ની રીતે નુકશાન ના કરે એ બાબતે આપણે સહુએ ધ્યાન રાખી તકેદારી રાખવી પડશે, જરા પણ લાપરવાહી ઘાતક નીવડી શકે છે. ઉદ્યોગમાં હજુ ઘણા સભ્યો એવા છે જેમણે રસીનાં બંને ડોઝ લીધા નથી, રસી ફાઈનલ ઈલાજ નથી પરંતુ એક આધાર બને છે, જેમ શાદી કા લડડુ ખાઈ એ પણ પસ્તાય અને ના ખાય એ પણ પસ્તાય છતાંય ખાઈને પસ્તાવું સારું એમ રોગ પ્રતિકારક માટે રસી તો લેવી જ જોઈએ અત્યારે આ સમયે સૌથી મોટો ખતરો કોરોનાની ત્રીજી લહેરના કુદકે ને ભુસકે વધતા આંકડાઓથી છે.

સ્વાસ્થ્ય વિશેષકો અને કેન્દ્ર સરકારનું માનવું છે કે આવનારા 2 મહીના આ લહેર માટે ખૂબ નાજૂક છે.ત્રીજી લહેરના આગમન સાથે ગુજરાત સરકાર સાથે દરેક દેશની સરકાર ફરી એકવાર હરકતમાં આવી ગઈ છે. લોકોને ફરી ભીડભાડવાળા જાહેર કાર્યક્રમોમાં ભાગ ન લેવા સૂચના તેમજ જાહેર કાર્યક્રમોમાં ગાઈડલાઈનનો ભંગ ન થાય તે માટે પણ સૂચના અપાઇ છે. ગુજરાત સરકાર દ્વારા મોટા પાયે થનાર વાયબ્રન્ટ સમિટ સાથે અનેક કાર્યક્રમો મોકુફ રાખવામાં આવેલ છે. કમુરતા બાદ પણ લગ્નના કારણે સંક્રમણ વધુ ફેલાવવાનું IMAનું અનુમાન છે. એવું પણ માનવામાં આવી રહ્યું છે કે, મોટા ભાગના લોકોએ વેક્સીન લઈ લીધેલ હોવાથી પ્રશાસન અને તબીબો એકસાથે મળીને લડત આપશે તો ત્રીજી લહેરમાં આરોગ્ય વ્યવસ્થા ઉપર માઠી અસર નહિ પડે. આ સાથે તમે એક વસ્તુ માર્ક કરી ? આપણી સાથે રહીને કોરોનાના લક્ષણો બદલાઈ ગયા…પણ આપણા લક્ષણો એવાને એવા જ રહ્યા. આ લક્ષણોને જો સુધારીશું તો ત્રીજી વેવ માંથી ચોક્કસપણે બહાર નિકળી શકીશું.

4)દેશ-વિદેશમાં ત્રીજી લહેરની હાલની પરિસ્થિતિ

ગુજરાતના પરિવાર કલ્યાણ વિભાગની અખબારી યાદી પ્રમાણે ત્રીજી લહેરની અસરથી રાજ્યમાં કોરોનાથી સાજા થવાનો 98.09 ટકા છે. સરકારી આંકડા અનુસાર, અન્ય દેશોમાં કોરોના લહેર બે અઠવાડિયામાં જ પીક પર હતી અને એ સ્થિતિનું અવલોકન કરીએ તો હવે ત્યાં કોરોનાથી મૃત્યુની સંખ્યા ગત વર્ષની તુલનામાં ઘણી ઓછી છે. કેસનું પ્રમાણ ઘટી રહ્યું છે તેના મોટા ભાગના પ્રભાવિત લોકોમાં સંક્રમણના લક્ષણ નથી અથવા બહુ સામાન્ય લક્ષણો જોવા મળી રહ્યા છે. અન્ય દેશો અને ભારતમાં કોરોના સંક્રમણની સ્થિતિ લગભગ સમાન જેવી છે પરંતુ ભારત માટે ફાયદાની વાત એ છે કે અહીં બહુ મોટા પ્રમાણમાં રસીકરણ થઇ ચૂક્યું છે.

જોકે આ સંદર્ભે કોરોનાની સુનામી વિશે, ત્રીજા તરંગની ટોચ વિશે, વૈજ્ઞાનિકો અને વાયરસનો અભ્યાસ કરનારાઓ અલગ-અલગ આશંકા વ્યક્ત કરી રહ્યા છે. ત્રીજા મોજામાં કોરોના બ્લાસ્ટને લઈને અલગ-અલગ અને ખૂબ જ ચોંકાવનારા દાવાઓ સામે આવી રહ્યા છે. આવી જ નવી આશંકા અમેરિકન આરોગ્ય નિષ્ણાતોએ વ્યક્ત કરી છે. ઇન્સ્ટિટ્યૂટ ફોર હેલ્થ મેટ્રિક્સ એન્ડ ઇવેલ્યુએશન IHME ના ડિરેક્ટર ડૉ ક્રિસ્ટોફરના જણાવ્યા અનુસાર, ત્રીજી લહેર ટોચ પર પહોંચ્યા પછી, ભારતમાં દરરોજ લગભગ પાંચ લાખ કેસ આવશે. જો કે, અમેરિકાથી લઈને ભારત સુધીના નિષ્ણાતો એવો પણ દાવો કરી રહ્યા છે કે ભારતમાં આ મોજાને ઘણી હદ સુધી નિયંત્રિત કરવામાં આવશે, કારણ કે હોસ્પિટલમાં દાખલ થવાની સંખ્યા ઓછી હશે. પરંતુ જો થોડા અઠવાડિયામાં પરિસ્થિતિ બદલાશે તો હોસ્પિટલોમાં બેડની અછત સર્જાઈ શકે છે. ગંભીર ચિંતા એ છે કે દેશના ડોકટરો પણ ઝડપથી વાયરસની ઝપેટમાં આવી રહ્યા છે જો ડોકટરોના ચેપની ઝડપ એવી જ રહેશે તો હોસ્પિટલોમાં સારવાર કોણ કરશે? જ્યારે દેશમાં વાયરસના ચેપનો દર ચરમસીમા પર હોય ત્યારે શું આરોગ્ય સેવાઓ સંપૂર્ણપણે પડી ભાંગશે? આ એવા સવાલો છે જે ડરામણા છે, કારણ કે અત્યારે દેશમાં કોરોનાની ત્રીજી લહેરની ટોચ શું હશે, દરરોજ કેટલા લોકો સંક્રમિત થશે, આ સૌથી મોટો પ્રશ્ન છે.

5)ત્રીજી લહેરમાં લોકડાઉન અને તેની નવી ગાઇડ લાઇન

કોરોનાના કેસોને કાબૂમાં લેવા હશે તો લોકડાઉન અને કરફ્યૂ જ એકમાત્ર રસ્તો છે. જેટલા લોકો એકબીજાના સંપર્કમાં ઓછા આવશે તેટલો કોરોના (coronavirus) ઓછો ફેલાશે. સરકારે લોકડાઉન (lockdown) ની જાહેરાત કરી નથી, પરંતુ ગુજરાતના કેટલાક શહેરોમાં રાત્રિ કરફ્યૂ યથાવત છે. આવામાં લોકો સ્વંય શિસ્ત દાખવે તે બહુ જ જરૂરી છે. આ માટે જ જ્યાં સૌથી વધારે કેસ આવી રહ્યા છે એવા શહેરો અને નાના ગામડાઓ સ્વૈચ્છિક લોકડાઉન તરફ વળવું જોઈએ વધુ ભીંસભાડ વાળા વિસ્તારોમાં શનિવાર-રવિવારના બે દિવસનું લોકડાઉન પણ આવકાર્ય છે.

સરકાર દ્વારા નવી ગાઇડ લાઇન મુજબ આત્યારે…

• રાત્રે 10 થી સવારે 6 સુધી કફર્યૂ સુધીનો કરાયો છે.
• રાજ્યભરની શાળાઓમાં ધોરણ 1થી 9ના ઓફલાઇન વર્ગો દુકાનો, લારી-ગલ્લા, શોપિંગ કોમ્પલેક્સ, માર્કેટિંગ યાર્ડ, અઠવાડીક ગુજરી/બજાર હાટ, હેર કટીંગ સલૂન, સ્પા અને બ્યુટી પાર્લર સહિતને વ્યાપારિક ગતિવિધિ રાત્રે 10 વાગ્યા સુધી ચાલુ રાખી શકાશે.
• રાજકીય, સામાજીક, શૈક્ષણિક, સાંસ્કૃતિક અને ધાર્મિક કાર્યક્રમોમાં મહત્તમ 150 લોકોની સંખ્યા જ્યારે ખુલ્લા સ્થળે, બંધ સ્થળે જગ્યાની ક્ષમતાના 50 ટકા લોકો એકત્રિત કરી શકાશે.
• લગ્ન પ્રસંગમાં મહત્તમ 150 લોકો, પરંતુ બંધ જગ્યાની ક્ષમતાના 50 ટકા (મહત્તમ 150 લોકો) વ્યક્તિઓ એકત્રિત થઇ શકશે.
• સિનેમા હૉલ,જિમ, વૉટરપાર્ક તથા સ્વિમિંગ પુલ અને વાંચનલયો ઓડિટોરિયમ, એસેમ્બલી હૉલ, મનોરંજક સ્થળો બેઠક ક્ષમતાના 50%થી ચાલુ રાખી શકાશે, જાહેર બાગ બગીચાઓ રાત્રિઆન 10:00 કલાક સુધી શરૂ રાખી શકાશે.
• સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ/સ્પોર્ટ્સ સ્ટેડિયમ/ સંકુલમાં રમતગમત પ્રેક્ષકોની ઉપસ્થિતિ વગર ચાલુ રાખી શકાશે.

6)ત્રીજી લહેરમાં વ્યાપાર ઉદ્યોગની પરિસ્થિતિ

કોરોનાની બંને લહેર બાદ વેપાર-ઉદ્યોગ સ્માર્ટ બન્યા છે. 2 વર્ષ માં વેપારીઓ અને બિઝનેસમેન પણ સ્માર્ટ વર્ક કરતા શીખ્યા છે. ત્યારે આ વખતે વેપાર –ઉદ્યોગ ક્ષેત્રે કોઇ ખાસ ખરાબ અસર જોવા મળી નથી. અગાઉની બે લહેર પછી સરકાર સાથે સાથે લોકો પણ ત્રીજી લહેર સામે લડીને બાથ ભરવા સુસજ્જ બન્યા છે. જોકે મોટા ભાગના લોકોએ કોરોના વેક્સીન લઇ લીધા હોવાના લીધે તમામ લોકો નિર્ભય બન્યા છે. તે હાલની લહેર સામે પુરી તાકાતથી ઝઝુમી ને પોતાને વેપાર-ધંધાને વધુ વેગ આપી રહ્યા છે. હવે કોરોના ને વેપારીઓ આફત નહી પણ અવસર રૂપે સ્વીકારી રહ્યાં છે અને સમય સાથે તાલ મિલાવી રહ્યા છે. જેથી હાલ વેપાર-ઉદ્યોગની સ્થિતી જેસે થે ની કહી શકાય. કોરોના હવે તેમનું કશુ બગાડી શકે એમ નથી, છે.
• કોરોના વાયરસ પછી ઓનલાઇન વ્યવસાયની તકો વધી.
• વિશ્વમાં આરોગ્ય કટોકટીની રમત ચાલુ હોવાથી, આરોગ્ય અને સુખાકારી ક્ષેત્રે વપરાશકર્તાઓની જરૂરિયાત મુજબ પોતાને સ્થાન આપવાની આ એક મહાન તક છે. જે રીતે વ્યાપાર ઉદ્યોગમાં નવા સમીકરણો બની રહ્યા છે એમાં ઉદ્યોગનાં વિકાસનાં અવસરની સુવર્ણ તક રહેલી છે.

7) ત્રીજી લહેરમાં સાવચેતી રાખવા જેવી બાબતો

ડો.શાહિદ જમીલ (વાયરોલોજીસ્ટ) ના મતે, પ્રથમ વાત તો ત્રીજી લહેર, ચોથી લહેર…આ બધુ ટેકનિકલ ટર્મ છે. ખરેખરમાં, હજી કોરોના લહેર સમાપ્ત થઈ જ નથી. હાં, તેની પીક જરૂર વઘ ઘટ થાય છે. તેથી આ બીજી લહેરનું એક્સટેન્શન છે કે ત્રીજી લહેરની શરૂઆત, તેમાં ફસાયા વગર આપણે તેને અટકાવવાના પ્રયાસ કરવા જોઈએ. જો કે, તે કેટલી ખતરનાક સાબિત થઈ શકે છે, તે તેના પર નિર્ભર કરે છે કે આપણે કોવિડ પ્રોટોકોલનું કેટલું કડક પાલન કરીએ છીએ. કેસોમાં વધારો થવા પાછળ સરકારની હળવાશ અને પ્રજાની બેદરકારી બંને છે.
કોઈપણ અભ્યાસમાં એવું કહેવામાં આવ્યું નથી કે તે યુવાનોને વધુ સંક્રમિત કરી રહ્યું છે. હકીકતમાં, યુવાનોનું અવાર-જવરનું પ્રમાણ વધુ હોય છે. યુવાઓ બજાર, પાર્ટી અને ભીડમાં વધુ સામેલ થાય છે. પરંતુ એવું નથી કે આ વેરિયન્ટ વૃદ્ધો સિવાય માત્ર યુવાનો પર હુમલો કરી રહ્યું છે. એમાં મુખ્ય વાત છે કોવિડ પ્રોટોકોલ અને વેક્સિનેશન. જેટલું વધુ વેક્સિનેશન થશે એટલું જ જોખમ ઓછું થશે. વેક્સિન અપાયેલ વ્યક્તિને નોનવેક્સિનેટેડ વ્યક્તિની તુલનાએ ઓછું જોખમ છે. જીવનમાં પોઝિટિવ રહેવું સારું પરંતુ કોરોનામાં રિપોર્ટ પોઝિટિવ આવે એ નહીં સારું.

આપણે ઓફિસો અને કારખાનાઓમાં કોવિડની સરકારી ગાઈડલાઈનનું પાલન કરીયે, રસી લઈએ અને લેવડાવીએ, સોશિયલ ડિસ્ટન્સ રાખી સેનેટાઇઝર કરી માસ્ક પહેરીને તમામ પ્રકારની તકેદારી રાખી ઉદ્યોગનાં એક જાગૃત સભ્ય તરીકે તમામ નિયમોનું પાલન કરી અને કરાવીશું તો ત્રીજી શું કોઈપણ લહેરથી આપણે અને આપણા ઉદ્યોગનાં સભ્યો સહી સલામત રહી શકશે, છેલ્લા એક વર્ષથી ઉદ્યોગમાં આત્મહત્યાનાં કેસો વધી રહ્યા છે એક બાજુ ઉદ્યોગમાં તેજી છે અને થોડા સમયનાં નકારાત્મક વિચારોથી અમુક સભ્યો ખોટું પગલું ભરી રહ્યા છે ત્યારે આપના ધ્યાનમાં કોઈ એવા સભ્યો હોય તો એને હિંમત આપવી જરૂરી છે, સામાજીક કે ઘરકંકાસ ને લીધે કોઈ સમસ્યા હોય તો સંસ્થા દ્વારા મનોચિકિત્સક કેન્દ્રો ચાલી રહ્યા છે એમનું માર્ગદર્શન લેવડાવીને આપણે આપણા ઉદ્યોગને આત્મહત્યા મુક્ત કરીયે, ઉદ્યોગમાં આટલો સારો સમય ચાલતો હોય અને આવી ઘટનાઓ બને એ ચિંતાજનક છે એનું કારણ ભલે આર્થિક ના હોય સામાજીક હોય પરંતુ આપણી આસપાસ આવા કોઈ સભ્યો હોય તો એની તકેદારી રાખવા વિનંતી.

સાર…ત્રીજી વેવ દરમિયાન જો સાવચેતી રાખીને નિયમોનું પાલન કરીશું તો ત્રીજી લહેર એ વ્યાપાર ઉદ્યોગ માટે આફત નહી પણ ચોક્કસ થી અવસર બની રહેશે એમાં કોઈ શંકાને સ્થાન નથી.